Wednesday, February 22, 2017

લગ્ન પર જ્ઞાતિવાદની લગામ

દિવ્યેશ વ્યાસ


આ લગનગાળામાં તમે કેટલાં આંતરજ્ઞાતીય લગ્નો જોયાં? જ્ઞાનયુગમાં પણ આપણે જ્ઞાતિગ્રસ્ત છીએ!

(તસવીર ગૂગલ પરથી મેળવેલી છે)


ગુજરાતે તાજેતરનાં વર્ષોમાં એક પછી એક યુવા નેતાઓને ઉદય પામતા જોયા છે. આ નેતાઓ વચ્ચે વયજૂથ ઉપરાંતની બીજી એક સામ્યતા એ છે કે તેઓ પોતપોતાની જ્ઞાતિ-વર્ણના નેતા તરીકે ઊભર્યા છે, સમગ્ર રાજ્ય-સર્વસમાજના નેતા તરીકે નહીં. હા, તેઓ ધારે તો સર્વમાન્ય નેતા જરૂર બની શકે, પરંતુ એ માટે તેમણે પોતાનો જ્ઞાતિ-વર્ણવિશેષ એજન્ડાથી આગળ વધીને સર્વસમાવેશક અભિગમ અપનાવવો પડે. આ સ્થિતિ માટે દોષ માત્ર યુવા નેતાઓનો કાઢી શકાય એમ નથી. કૂવામાં હોય એ અવાડામાં આવે. આપણા સમાજમાં જ્ઞાતિ-જાતિના વાડા અને જાળાં એટલાં મજબૂત બનતાં ગયાં છે કે વૈચારિક રીતે જ્ઞાતિવાદી ન હોય છતાં પણ લોકસમર્થન મેળવવા માટે જ્ઞાતિનો સહકાર લીધા વિના ચાલતું નથી. આ કોઈ ઇચ્છનીય કે આદર્શ વાત બિલકુલ નથી, પરંતુ વરવી તો વરવી આ જ વાસ્તવિકતા છે, જે સ્વીકારવી અને સાથે મળીને સુધારવી રહી.

આપણા દેશમાં વિદેશી આક્રમણકારો ફાવ્યા છે, તેના પાયામાં આપણો જ્ઞાતિવાદ-વર્ણવ્યવસ્થા જવાબદાર હોવાનું ઐતિહાસિક રીતે પુરવાર થયું છે, છતાં આજેય આપણે જ્ઞાતિગ્રસ્ત છીએ! કેટલાક લોકો તરત કહેશે કે હવે ક્યાં પહેલાં જેવું છે? હા, શહેરીજીવનમાં સામાન્ય વ્યવહારમાં આવા ભેદભાવ સ્પષ્ટ જોવા મળતા નથી, પરંતુ મોટા ભાગના લોકોનાં માનસ હજુ જ્ઞાતિની ગ્રંથિથી મુક્ત થયાં નથી, એના જીવતાજાગતા પુરાવા જુદા જુદા સમાજની વાડીઓ-કોમ્યુનિટી હૉલ, છાત્રાલયો-હોસ્ટેલો, કાર્યક્રમો-સમારંભોમાં, સંસ્થાઓ-સંગઠનો અને હવે તો આંદોલનોમાં પણ સાંપડી રહ્યા છે. આટલા પુરાવા છતાં તમે આ વાત સાથે સહમત થતા ન હોય તો એક સવાલનો જવાબ વિચારજો, તમે તાજેતરના લગનગાળામાં આંતરજ્ઞાતીય લગ્નો કેટલાં જોયાં? તમે આવાં એકેય લગ્નમાં સામેલ થયાં? તમારો જવાબ ‘ના’ હોય તો વધુ કશું કહેવાનું રહેતું નથી.

ગયા વર્ષે મે-2016માં પ્રસિદ્ધ થયેલા ઇન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વે અનુસાર ભારતની 95 ટકા પરિણીત મહિલાઓએ પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરેલાં હતાં. સીધું ગણિત છે કે દેશમાં થતાં કુલ લગ્નોમાં માંડ 5 ટકા જ આંતરજ્ઞાતીય લગ્નો હોય છે. આ બીજો ઇન્ડિયન ડેવલપમેન્ટ સર્વે નેશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) અને યુનિવર્સિટી ઑફ મેરીલેન્ડ દ્વારા વર્ષ 2011-12માં કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રવ્યાપી સર્વેમાં કુલ 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વસતા 41,554 પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વેનાં અન્ય તારણો પર નજર કરીએ તો સૌથી વધારે આંતરજ્ઞાતીય લગ્નોની બાબતે મિઝોરમ 55 ટકા સાથે નંબર વન રહ્યું હતું. બીજા ક્રમે મેઘાલય છે અને ત્રીજા ક્રમે સિક્કીમ છે, જ્યાં આંતરજ્ઞાતીય લગ્નનું પ્રમાણ અનુક્રમે 46 અને 38 ટકા છે. ચોથા ક્રમે 35 ટકા સાથે જમ્મુ-કાશ્મીર આવેલું જ્યારે આપણું ગુજરાત 13 ટકા સાથે પાંચમા ક્રમે રહ્યું હતું. આ સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં આંતરજ્ઞાતીય લગ્નોનું પ્રમાણ માંડ એક ટકો જ છે, ત્યારબાદ હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં પણ આ પ્રમાણ માંડ 2 ટકા છે. ગોવા જેવા શિક્ષિત-શહેરી રાજ્યમાં પણ 98 ટકા મહિલાઓએ સમાન જ્ઞાતિમાં જ લગ્ન કરેલાં. પંજાબ જેવા વિકસિત રાજ્યમાં પણ 97 ટકા મહિલાઓ પોતાની જ્ઞાતિમાં જ પરણેલી હતી.

આઝાદી મેળવ્યા પછી 1949માં હિન્દુ મેરેજીસ વેલિડિટી એક્ટ પસાર કરવામાં આવ્યો, જે અનુસાર જ્ઞાતિ કે પેટા જ્ઞાતિના પાત્ર સાથેનાં લગ્નને કોઈ પણ રીતે ગેરકાયદેસર ઠેરવી ન શકાય, એવું જાહેર કરાયું. 1954માં ધ સ્પેશિયલ મેરેજીસ એક્ટ અમલમાં આવ્યો, જેમાં આંતરજ્ઞાતીયની સાથે આંતરધર્મીય લગ્નોને પણ માન્યતા આપવામાં આવી. આખરે હિન્દુ મેરેજ એક્ટ, 1955માં અમલમાં આવ્યો, જેણે આંતરજ્ઞાતીય લગ્નોને વિધિવત્ કાયદેસરતા બક્ષી હતી. આંતરજ્ઞાતીય લગ્નોને કાયદેસરતા મળ્યાને પાંચ-પાંચ દાયકાઓ વીત્યા છતાં સમાજમાં કોઈ સુધારાવાદી વલણ પેદા થયું નથી. આજે પણ આંતરજ્ઞાતીય લગ્નોના મુદ્દે જ હરિયાણા, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહારમાં ઓનર કિલિંગની ઘટનાઓ બની રહી છે. અનેક પ્રેમીયુગલોએ જ્ઞાતિવાદને કારણે જ કાં પોતાના પ્રેમનું કે જીવનનું બલિદાન આપવું પડી રહ્યું છે.

ડૉ. આંબેડકરે નાતજાતના ભેદભાવ મિટાવવા માટે આંતરજ્ઞાતીય લગ્નોને એક ઉપાય તરીકે જોયાં હતાં તો ગાંધીજીએ તો આંતરજ્ઞાતીય લગ્ન હશે તો જ હું આશીર્વાદ આપવા હાજર રહીશ, એવું વલણ અપનાવ્યું હતું. આજે જાહેરજીવનમાં જ્ઞાતિવાદ વિરુદ્ધ કોઈ હરફ પણ ઉચ્ચારવા તૈયાર નથી! દેશ જ્યાં સુધી જ્ઞાતિગ્રસ્ત રહેશે ત્યાં સુધી આજનો જ્ઞાનયુગ પણ આપણું સામાજિક કલ્યાણ કરી શકે એમ નથી.

(‘દિવ્ય ભાસ્કર’ની 22મી ફેબ્રુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

No comments:

Post a Comment