Wednesday, January 11, 2017

લોહી પર મૃત્યુના વાહકનું લાંછન

દિવ્યેશ વ્યાસ


છેલ્લાં સાત વર્ષમાં ચેપી લોહી ચડાવવાને કારણે 14 હજારથી વધુ લોકો HIVના ભોગ બની ચૂક્યા છે



નવા જમાનામાં રક્તદાન મહાદાન ગણાય છે, કારણ કે તમારા લોહીને કારણે કોઈ અન્ય વ્યક્તિને નવજીવન મળી શકતું હોય છે, પરંતુ શું તમે ધારી શકો કે દાતા તરફથી લોહી મેળવનારા લોકોને ક્યારેક જીવનને બદલે મોત પણ મળી જતું હશે? હા, બ્લડ બેન્કોની બેદરકારીને કારણે એવા અનેક કિસ્સા સામે આવ્યા છે કે દર્દીને ચેપી લોહી ચડાવી દેવામાં આવે છે અને પરિણામે દર્દીના શરીરમાં બકરું કાઢતાં ઊંટ પેસવા જેવું થતું હોય છે. ચેપી લોહી જીવલેણ બીમારી લઈને આવતું હોય છે અને રહ્યાસહ્યા જીવનને પણ જીવવાલાયક રહેવા દેતું નથી. આ તે કેવી કરુણતા કે બ્લડ બેન્કના સ્ટાફની સભાનતા અને સંભાળના અભાવે જીવન બક્ષતું લોહી જ ઘાતક ચેપનું વાહક બનીને લોકોની જિંદગી છીનવી લેવા માંડ્યું છે.

ગુજરાતે આજથી પાંચ વર્ષ પહેલાં એટલે કે 2011માં જુનાગઢ એઆઈવી કાંડ નજરે જોયો છે, જેમાં 28 થેલેસેમિયાગ્રસ્ત બાળકોને એચઆઈવીગ્રસ્ત લોહી ચડાવી દેવાયું હતું. (આમાંનાં આઠ માસૂમ બાળકો હવે ઈશ્વરને પ્યારાં થઈ ગયાં છે!) આવો જ વધુ એક ઘોર બેદરકારીભર્યો એચઆઈવી કાંડ વડોદરામાં પણ થયાનું તાજેતરમાં બહાર આવ્યું છે. વડોદરાની બે ખાનગી બ્લડ બેન્કોએ પરીક્ષણ કર્યા વિના જ 15 દર્દીઓને એઆઈવી, હિપેટાઇટીસ-બી અને હિપેટાઇટીસ-સીના ચેપવાળું લોહી ચડાવી દીધાનો કિસ્સો ખરેખર ચોંકાવનારો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ તથા સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ-CDSOના સંયુક્ત તપાસ અહેવાલમાં ખુલાસો થયો છે કે વડોદરાની ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્ક અને સુરક્તમ્ બ્લડ બેન્કની બેદરકારીને કારણે 3 દર્દીઓને એચઆઈવી, 7 દર્દીઓને હિપેટાઇટીસ-સી અને 5 દર્દીઓને હિપેટાઇટીસ-બીના ચેપવાળું લોહી ચડાવી દેવામાં આવ્યું હતું. આરોગ્ય ક્ષેત્રે આવી જીવલેણ બેદરકારી કઈ રીતે ચલાવી શકાય?

વાત ગુજરાત પૂરતી જ સીમિત નથી. સમગ્ર ભારતમાં ચેપી લોહી ચડાવી દેવાની બેદરકારીને કારણે હજારો લોકો ગંભીર બીમારીના ભોગ બન્યાના કિસ્સા જોવા મળ્યા છે. ઇન્ડિયાસ્પેન્ડ નામની રિસર્ચ ન્યૂઝ પોર્ટલના નિખિલ એમ. બાબુએ તાજેતરમાં આ અંગે એક વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે. આ અહેવાલમાં રજૂ થયેલા આંકડા ખરેખર આંચકાજનક છે. નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન-NACOના આંકડા અનુસાર ભારતમાં છેલ્લાં 7 વર્ષમાં અધધ 14,474 લોકો માત્ર ને માત્ર ચેપી લોહી ચડાવવાને કારણે એચઆઈવી-એઇડ્સનો ભોગ બન્યા છે! અહીં નોંધનીય બાબત એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ચેપી રોગ ચડાવવાથી એઇડ્સનો ભોગ બનનારાની સંખ્યા થોડી થોડી ઘટતી જતી હતી, પરંતુ તાજેતરના વર્ષમાં આ સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે. વર્ષ 2014-15માં 1424 લોકો ચેપી લોહીને કારણે એઇડ્સનો ભોગ બનેલા, જ્યારે વર્ષ 2015-16માં આ સંખ્યા ઘટવાને બદલે 10 ટકા વધીને 1559 જેટલી થઈ ગઈ છે. આ આંકડો ખરેખર ચિંતાજનક છે.

અહીં સૌથી વધુ ચિંતાજનક અને આપણા માટે આઘાતજનક વાત એ છે કે ચેપી લોહીને કારણે એઇડ્સનો ભોગ બનનારાઓની સંખ્યામાં ગુજરાત નંબર -1 છે! વર્ષ 2009થી 2016ના સમયગાળામાં ગુજરાતમાં 2518 લોકો ચેપી લોહીને કારણે એઇડ્સગ્રસ્ત બન્યા છે. આ બાબતે બીજા ક્રમે ઉત્તરપ્રદેશ (1807) અને ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર (1585) આવે છે. આ આંકડાઓ પુરવાર કરે છે કે ગુજરાતમાં આ મામલે ખરેખર ગંભીર સ્થિતિ પ્રવર્તે છે. જુનાગઢના એઆઈવી કાંડ પછી પણ આપણા આરોગ્ય વિભાગની કે બ્લડ બેન્કોની આંખો ખૂલતી નથી અને એટલે જ વડોદરાકાંડ સર્જાય છે.

લોહી તો જીવન આપે, એને મૃત્યુના વાહકનું લાંછન લગાડતી લચર વ્યવસ્થા ક્યારે સુધારવામાં આવશે? હોસ્પિટલ્સ-બ્લડ બેન્કના બેદરકાર કર્મીઓ વિરુદ્ધ કડક પગલાં ક્યારે ભરાશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 11 જાન્યુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment