Thursday, December 1, 2016

રોઝા પાર્ક્સને યાદ કરવાનો તકાજો

દિવ્યેશ વ્યાસ


ડોનલ્ડ ટ્રમ્પના વિજય પછી અમેરિકામાં લઘુમતી, અશ્વેત અને વિદેશથી વસેલા લોકોની સ્થિતિ તંગ બનવાના એંધાણ વચ્ચે રોઝા પાર્ક્સનો વારસો વધુ પ્રસ્તુત બન્યો છે


(તસવીરનો સ્રોત : http://pedrawofficial.deviantart.com/art/Rosa-Parks-399050865)

વીતેલા સપ્તાહમાં અમેરિકાનાં એક ડઝનથી વધારે મુખ્ય શહેરોનો માહોલ ઉગ્ર બન્યો હતો. એમાં ય, ફર્ગ્યુસન ઉપરાંત ઓકલેન્ડ, કેલિફોર્નિયા વગેરે જગ્યાએ રમખાણો ફાટી નીકળ્યાંહતાં. આ રમખાણો પાછળનું કારણ હતું, ફર્ગ્યુસનના ૧૮ વર્ષીય અશ્વેત તરુણ માઇકલ બ્રાઉનનું કમોત. ૯ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ એક પોલીસે માઇકલ પર માત્ર શંકાના આધારે ધડાધડ બાર ગોળીઓ છોડીને તેને ઠાર માર્યો હતો અને એ કેસમાં કોર્ટે પોલીસ અધિકારીને નિર્દોષ છોડી મૂકતાં ફર્ગ્યુસનના લોકો અકળાયા હતા અને આક્રોશની આગ સમગ્ર અમેરિકામાં ફેલાઈ ગઈ. અમેરિકાએ આજે ભલે એક અશ્વેતને રાષ્ટ્રપ્રમુખ બનાવ્યા છે, છતાં વંશીય ભેદભાવમાંથી અમેરિકા સાવ બહાર આવી ગયું નથી, તેનો આ તાજો પુરાવો છે. જો કે, આજે એક સકારાત્મક વાત કરવી છે અને એ પણ એક ઐતિહાસિક સંઘર્ષની. કાલે એટલે કે (2014ની) પહેલી ડિસેમ્બરે એ ઘટનાને ૬૦મું વર્ષ બેસશે.

આ ઘટના છે, અલબામાના મોન્ટગોમરી શહેરની. ૧ ડિસેમ્બર, ૧૯૫૫ની સાંજે શહેરના લોકો નોકરી-ધંધા પરથી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. એક સિટી બસમાં ૪૨-૪૩ વર્ષનાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં દરજીકામ કરતાં એક અશ્વેત બહેન ચડયાં અને ગોરાઓ માટે આરક્ષિત રાખેલી સીટ ખાલી હોવાથી બેસી ગયાં. આગળ જતાં ગોરા મુસાફરો બસમાં ચડયા પણ જગ્યા નહોતી. બસના ડ્રાઇવરે ગોરાઓ માટે આરક્ષિત રાખેલી બેઠકોમાં બેસી ગયેલા અશ્વેત લોકોને તિરસ્કારપૂર્વક સીટ ખાલી કરીને બસની પાછળની તરફ ચાલ્યા જવાનું કહ્યું. અન્ય અશ્વેત મુસાફરો ઊભા થઈને બસની પાછળ ગયા પણ પેલા બહેન ઊભાં ન થયાં, એ જોઈને ડ્રાઇવર અકળાયો અને બસ ઊભી રાખીને બહેનને ધમકાવવા લાગ્યો. જો કે, પેલા બહેને તો નમ્રતાપૂર્વક કહી દીધું કે હું સીટ પરથી ઊભી નહીં થાઉં ! ધૂંઆપૂંઆ થયેલો ડ્રાઇવર બસમાંથી ઊતરીને પોલીસવાળાને લઈ આવ્યો, જેમણે પેલાં બહેનને પકડીને જેલમાં લઈ ગયાં.

બહેનને થોડા કલાકોમાં જામીન તો મળી ગયા, પણ પાંચમી ડિસેમ્બરે તેમના પર કેસ શરૂ થવાનો હતો. આ ઘટનાએ શહેરના અશ્વેત લોકોને ભેદભાવયુક્ત વ્યવસ્થા અને કાયદા સામે સંઘર્ષ કરવા સાબદા કર્યા. પાંચમી ડિસેમ્બરે એક તરફ પેલાં માનુની પર કેસ ચાલ્યો અને બીજી તરફ સિટી બસના બહિષ્કાર સાથે શરૂ થયું નાગરિક અધિકાર આંદોલન. કોર્ટે જિમ ક્રો લો નામના અશ્વેત લોકો સાથે ભેદભાવ કરતા કાયદા અંતર્ગત સજા અને દંડ ફટકાર્યો, પણ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. એક તરફ સુપ્રીમમાં કોર્ટ ચાલ્યો અને બીજી તરફ બસનો બહિષ્કાર, જેનું નેતૃત્વ ગાંધીજીના અહિંસક વિચારોમાં માનનારા માર્ટિન લ્યુથર કિંગને સોંપવામાં આવ્યું હતું. મોન્ટગોમરીમાં વસતાં ૧૭,૦૦૦ આફ્રિકન-અમેરિકન લોકોએ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ લગભગ એક વર્ષ સુધી બસનો બહિષ્કાર ચાલું રાખ્યો.

આખરે સુપ્રીમ કોર્ટે ભેદભાવયુક્ત કાયદો ગેરબંધારણીય હોવાનો ચુકાદો આપ્યો અને અશ્વેત લોકો સાથેની ભેદભાવપૂર્વ વ્યવસ્થા નાબૂદ કરવામાં આવી. ભેદભાવમુક્ત સિટી બસમાં સૌથી પહેલાં પેલા બહેનને બેસાડવામાં આવ્યાં, જેમણે અન્યાય સામે નમ્ર છતાં મક્કમપણે વ્યક્તિગત જંગ છેડી હતી. એ ગૌરવવંતા-ગૌરવદાતા મહિલાનું નામ છે - રોઝા પાર્ક્સ, જેમને અમેરિકામાં 'મધર ઓફ ધ સિવિલ રાઇટ્સ મૂવમેન્ટ' તરીકે આજે પણ સન્માનવામાં આવે છે અને યુએસ કેપિટલના સ્ટેચ્યુટરી હોલમાં તેમની પૂર્ણકદની પ્રતીમા ઊભી કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં નાગરિક આંદોલન ક્ષેત્રે રોઝા પાર્ક્સ એક પ્રભાવી અને પ્રેરણાદાયી નામ છે, જેમને નેલ્સન મંડેલા પણ પોતાના 'હીરો' ગણતા હતા.

રોઝા પાર્ક્સના એક નાનકડા અને સહજ પગલાંએ અશ્વેત લોકોને થતાં અન્યાય વિરુદ્ધના સંઘર્ષને ચિનગારી પૂરી પાડી હતી, જે માર્ટિન લ્યુથર કિંગના નેતૃત્વમાં ઐતિહાસિક અહિંસક આંદોલન બન્યું હતું. બસ બહિષ્કાર સમયે કિંગના ઘર પર બોમ્બ ફેંકાયો હતો અને છતાં કિંગે અશ્વેત લોકોને હિંસાનો સામનો અહિંસાથી કરવા સમજાવ્યા હતા. આજે ફરી અમેરિકામાં અશ્વેત લોકો અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે રોઝા પાર્ક્સ અને માર્ટિન લ્યુથર કિંગના સંઘર્ષ અને સંદેશને યાદ કરી લેવાનો તકાજો ઊભો થયો છે.

(‘સંદેશ’ની 30મી નવેમ્બર, 2014ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment