Wednesday, December 14, 2016

રોહિંગ્યાનું ‘અરણ્ય’ રુદન

દિવ્યેશ વ્યાસ


ટ્રમ્પના જમાનામાં મ્યાનમારના લઘુમતી સમુદાય રોહિંગ્યા પર થઈ રહેલા સીતમની ભાગ્યે જ કોઈ નોંધ લે છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે)

કોઈ તમને પૂછે કે તમને યુદ્ધ ગમે કે શાંતિ? મોટાભાગના લોકોનો રોકડો જવાબ હશે - શાંતિ. આપણે શાંતિ ઇચ્છીએ છીએ, એની ના નહીં, પરંતુ આપણી ચર્ચા-વિચારણામાં તો યુદ્ધની જ બોલબાલા હોય છે. આ વાત સાચી લાગતી ન હોય તો જરા વિચાર કરજો કે તમે આતંકવાદ, સરહદ પરની તડાફડી બાબતે જેટલી ચર્ચા કે ચિંતા કરતા હશો, એટલી ચિંતા કે ચર્ચા શાંતિપૂર્ણ અને સુખચેનની જિંદગી માટે વલખાં મારતાં લોકો માટે કરો છો? શાંતિ અને ભાઈચારાની વાતો હવે જાણે આદર્શ બનીને રહી ગઈ છે ત્યારે દુનિયામાં આતંકવાદ જેટલી જ વિકરાળ સમસ્યા વિસ્થાપનની પેદા થઈ છે. લાખો લોકો ઘરબાર છોડી હિજરત કરવા લાચાર બન્યા છે, પણ આ અંગે બહુ ઓછા સમાચાર કે લેખો લખાય-છપાય છે.

આજના સમયમાં મુખ્ય ચાર કારણોથી લોકો વિસ્થાપન કરવા મજબૂર બને છે: એક, યુદ્ધ અને સરહદ પરની તંગદિલી. બીજું, આતંકવાદ, ત્રીજું, કોમી-વંશીય રમખાણો અને ચોથું, આર્થિક પ્રકલ્પો. વિવિધ કારણોથી થતાં વિસ્થાપનોમાં એક નોંધપાત્ર સામ્યતા એ છે કે ગરીબ, વંચિત, દલિત અને આદિવાસી સમુદાયો જ તેના સૌથી વધારે ભોગ બને છે. આ લોકો પહેલેથી હાંસિયામાં ધકેલાયેલા છે અને કદાચ એટલે જ મુખ્યધારાની ચિંતાઓમાં તેમનાં દુ:ખ-દર્દ ભાગ્યે જ પડઘાય છે. વિસ્થાપિતો માટે આપણા સમાજમાં પહેલેથી જ ઓછી સંવેદના જોવા મળે છે અને એટલે જ મુદ્દો કાશ્મીરી પંડિતોનો હોય, 2002ના કે મુઝ્ઝફરનગરના રમખાણગ્રસ્તોનો હોય કે બાંગ્લાદેશના શરણાર્થીઓનો હોય કે પછી ઇરાક-સીરિયાના હિજરતીઓનો હોય... યાદી લાંબી થઈ શકે, પણ મુખ્ય મુદ્દો એ છે કે આ વિસ્થાપિતોના પુન:સ્થાપન માટે, તેમની જિંદગીનાં બરબાદ થયેલાં નહીં તોય બાકી બચેલાં વર્ષોમાં ખુશહાલી લાવવા માટે, તેમનાં સંતાનોના શિક્ષણ અને વિકાસ માટે આપણો સમાજ કે સરકાર બહુ દરકાર લેતો નથી. માનવ અધિકારવાળાઓ ‘બખાળો’ કરે કે પછી ચૂંટણીમાં લાભ લેવા માટે થોડુંઘણું વળતર જાહેર કરી દેવાય છે, પણ લાંબા ગાળાની ન્યાયી અને નક્કર યોજનાઓ તૈયાર કરીને તેનો ચુસ્ત અમલ ભાગ્યે જ થતો જોવા મળ્યો છે. લેખમાં આગળ જોઈ એ વિસ્થાપિત સમુદાયની યાદીમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વધુ એક સમુદાયનું નામ જોડાયું છે - મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો.

આપણે એવી સૂફિયાણી વાતો સાંભળેલી છે કે દુનિયાએ યુદ્ધ કે બુદ્ધમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે, વાત બિલકુલ સાચી છે, પરંતુ એક વરવી વાસ્તવિકતા એ છે કે બુદ્ધને પૂજતા લોકોની બહુમતી ધરાવતા મ્યાનમારમાં જ લઘુમતી સમુદાય રોહિંગ્યા સાથે એવા અન્યાય અને અત્યાચાર થાય છે કે સંયુક્ત રાષ્ટ્રના મતે રોહિંગ્યા સૌથી વધારે પીડિત-પ્રતાડિત વિસ્થાપિત સમુદાય બની ગયો છે. વિશ્વના દર 7 વિસ્થાપિતોમાંથી એક વિસ્થાપિત રોહિંગ્યા સમુદાયનો હોય છે.

મ્યાનમારમાં રખાઇન વિસ્તારમાં વસતા રોહિંગ્યા સમુદાયની હિજરત 1970ના દાયકાથી જારી છે, પરંતુ વર્ષ 2012માં કોમી રમખાણો પછી લોકો મોટી સંખ્યામાં મ્યાનમાર છોડવા મજબૂર બન્યા છે. હમણાં ઑક્ટોબરમાં મૌંગડોવ સરહદે 9 સુરક્ષા કર્મચારીઓની હત્યા થઈ હતી. રોહિંગ્યા સમુદાયના લોકોએ જ હત્યા કરી હોવાનો આરોપ લગાવીને લશ્કરે મોટા પાયે ઑપરેશન શરૂ કર્યું છે, જેમાં કહેવાય છે કે રોહિંગ્યા સમુદાયના 100થી વધારે લોકોની કત્લેઆમ કરી દેવાઈ છે. નરસંહાર ઉપરાંત રોહિગ્યા સ્ત્રીઓ પર સામૂહિક બળાત્કાર સહિતના અમાનુષી અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. સેટેલાઇટ તસવીરો થકી જાણવા મળ્યું છે કે છેલ્લાં 6 સપ્તાહમાં રોહિંગ્યાનાં 1200 જેટલાં ઘરોને નષ્ટ કરી દેવાયાં છે. હજારો રોહિંગ્યા પોતાના દેશમાં જ વિસ્થાપિત બની ગયા છે.

ઐતિહાસિક કારણો અને ધાર્મિક કટ્ટરતાને કારણે મ્યાનમારના બહુમતી બૌદ્ધ લોકો લઘુમતી રોહિંગ્યાઓને ધિક્કારે છે, તેમને વિદેશથી અહીં આવી વસેલા જ ગણે છે. સદીઓથી વસતા આ સમુદાયના લોકોને આજે પણ વિદેશી જ ગણવામાં આવે છે. હદ તો એ છે કે મ્યાનમારમાં સૈન્ય સરકારના કાર્યકાળમાં ઈ.સ. 1982માં રોહિંગ્યાઓનું નાગરિકત્વ જ છીનવી લેવાયું હતું અને ત્યાર પછી તેમના જમીન-મકાનની માલિકી જેવા અધિકારો પણ છીનવી લેવાયા હતા. રોહિંગ્યા સમુદાય પર છાશવારે સાચા ખોટા આળ મૂકીને તેમને એ હદે રંજાડવામાં આવી રહ્યા છે કે તેઓ દેશ છોડીને ચાલ્યા જાય. મ્યાનમારના અધિકારીઓ આંતરરાષ્ટ્રીય મંચ પર એવાં નિવેદનો કરે છે કે રોહિંગ્યાની સમસ્યાનો એક જ ઇલાજ છે કે તેઓ મ્યાનમાર છોડીને ચાલી જાય! આજે લાખો રોહિંગ્યાઓએ બાંગ્લાદેશ, મલેશિયા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન અને ભારત જેવા દેશોમાં શરણ લીધું છે. આજે કોઈ દેશ આટલા બધા લોકોને શરણ આપવા સક્ષમ ન હોય, એ સમજાય એવી વાત છે.

દુનિયાના લોકશાહી દેશોમાં પણ બહુમતીવાદ માઝા મૂકી રહ્યો છે, ભારતમાં જમણેરી વિચારધારાનું સત્તારોહણ અને યુરોપમાં બ્રેક્ઝિટ પછી આનું તાજું અને તોરીલું ઉદાહરણ અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પના વિજયથી મળ્યું છે. લઘુમતી સમુદાય અને એ પણ જો અન્ય ધર્મનો હોય તો તેની સમસ્યાઓ કે તેમના પરના સિતમો પર દુર્લક્ષ્ય સેવવું જાણે સામાન્ય થતું જાય છે, જેનું સૌથી વરવું ઉદાહરણ મ્યાનમારે પૂરું પાડ્યું છે. આજના માહોલમાં રોહિંગ્યા સમુદાયના લોકોનો વિલાપ અરણ્ય રુદન સાબિત થઈ રહ્યો છે.
મ્યાનમારમાં તાજેતરનાં વર્ષોમાં જ અઢી દાયકા પછી ચૂંટાયેલી સરકાર સત્તામાં આવી છે. શાંતિનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અને ગાંધીથી પ્રભાવિત મનાતાં આંગ સાન સૂ કીનો પક્ષ જ સત્તા પર છે, છતાં એક લઘુમતી સમુદાયે આ હદે સહન કરવું પડે છે, એ આઘાતજનક છે.

સૂ કી વ્યક્તિગત રીતે રોહિંગ્યા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય તોપણ તેમની મુશ્કેલી એ છે કે દેશની સુરક્ષા અને સરહદી સમસ્યાનો હવાલો આજે પણ સૈન્યના હાથમાં છે. સૈન્યને બહુમતી જનતાનું પીઠબળ મળેલું છે ત્યારે સૂ કી પણ કંઈ ખાસ કરી શકવા સક્ષમ હોય એવું લાગતું નથી. જોકે, સંયુક્ત રાષ્ટ્રે સૂ કીને રખાઇન વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિને થાળે પાડવા માટે સલાહ આપી છે. સૂ કી બહુમતીવાદમાં તણાઈને પાક્કા રાજકારણી પુરવાર થશે કે સત્તામોહને ત્યાગીને લઘુમતી સમુદાયના માનવ અધિકારોનું રક્ષણ કરીને મહાન નેતા પુરવાર થશે, એ તો સમય જ જણાવશે.

(‘દિવ્ય ભાસ્કર’ની 14મી ડિસેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment