Wednesday, November 30, 2016

નાલંદા ઇતિહાસમાં જ રહેશે?

દિવ્યેશ વ્યાસ

 

 નાલંદા વિદ્યાપીઠ ફરી વૈશ્વિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એવા સંજોગો દિવસે દિવસે નબળા પડતા જાય છે

(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

ભારતની નવી પેઢી દેશને દુનિયાની મહાસત્તા તરીકે જોવા માગે છે. જોકે, ભારતવર્ષનું સદીઓ જૂનું સપનું દેશને વિશ્વગુરુ તરીકે સ્થાપિત કરવાનું રહ્યું છે. એક જમાનો હતો જ્યારે અખંડ ભારતમાં નાલંદા અને તક્ષશિલા જેવાં વિદ્યાધામો ધમધમતાં હતાં. એક સમયે બનારસ વિદ્યાભ્યાસી યુવકોના મંત્રોચ્ચારથી ગુંજતું રહેતું હતું. જ્ઞાન અને વિદ્યાને સૌથી મૂલ્યવાન અને પવિત્ર ગણતી આપણી સંસ્કૃતિમાં બાહ્ય (વિદેશી-વિધર્મી શાસકો) અને આંતરિક (જાતિ-જ્ઞાતિવાદ વગેરે) પરિબળોના પાપે આપણી શિક્ષણ વ્યવસ્થાનું સતત અધ:પતન થતું ગયું.

આજે તક્ષશિલા વિદ્યાપીઠ પાકિસ્તાનમાં સ્મારક બનીને ધૂળ ખાય છે, બનારસ વિદ્યાધામને બદલે યાત્રાધામમાં ફેરવાઈ ગયું છે, પરંતુ નાલંદાનું નસીબ થોડું વધારે બળૂકું નીકળ્યું. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામને નાલંદાનું નવસર્જન કરવાનું સૂઝ્યું! નાલંદાની જ્ઞાનોજહાલી પાછી લાવવાના પ્રયાસમાં એશિયાના અન્ય દેશોએ પણ રસ દાખવ્યો. વર્ષ 2006માં ભારત ઉપરાંત ચીન, જાપાન, સિંગાપોર, થાઇલેન્ડ સહિત બાર દેશોએ નાલંદાના નવસર્જન માટે એક કરાર કર્યો, એટલું જ નહીં અમુક દેશોએ આર્થિક સહયોગ પણ પૂરો પાડ્યો. ભારત અને બિહાર સરકારની પ્રતિબદ્ધતા અને અમર્ત્ય સેન જેવાના પ્રબુદ્ધ નેતૃત્વને પરિણામે વર્ષ 2014માં આશરે 800 વર્ષ કરતાં લાંબા અંતરાલ પછી નાલંદામાં શિક્ષણ કાર્યનો પુન: પ્રારંભ થયો. એક સપનું સાકાર થતું હોય એવો ભાસ થયો. જોકે, માત્ર બે વર્ષના ગાળામાં રાજકીય-શાસકીય પરિબળોનો એવો ઉપાડો શરૂ થયો છે કે હવે નાલંદા વિદ્યાપીઠ ફરી વૈશ્વિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એવા સંજોગો દિવસે દિવસે નબળા પડતા જાય છે.

અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકથી સન્માનિત એવા ‘ભારત રત્ન’ અમર્ત્ય સેનને નાલંદા યુનિવર્સિટીના પહેલા કુલપતિ (ચાન્સેલર) બનાવાયા હતા. જોકે, વર્તમાન શાસકો સાથે સૈદ્ધાંતિક મતભેદોને પગલે તેમને આ પદ પર વધુ ટકી રહેવાનું મુનાસિબ ન લાગ્યું, છતાં નાલંદાની ગવર્નિંગ બોડી તથા નાલંદા મેન્ટર ગ્રૂપના સભ્ય તરીકે કાર્યરત હતા. જોકે, કેન્દ્ર સરકારે તાજેતરમાં નાલંદા યુનિવર્સિટીની નવી ગવર્નિંગ બોડીની રચના કરી અને અપેક્ષિત રીતે જ અમર્ત્ય સેનની તેમાંથી બાદબાકી કરી દેવામાં આવી. સરકારના આવા વલણ અને નિર્ણય સામે વિરોધ જતાવીને નાલંદા યુનિવર્સિટીના કુલપતિ જ્યોર્જ યોએ રાજીનામું ધરી દીધું છે. આ ઘટનાક્રમ અફસોસજનક છે. જ્યોર્જ યોએ પોતાની નારાજગી માટેનું સ્પષ્ટ કારણ દર્શાવ્યું છે કે યુનિવર્સિટીની સ્વાયત્તતા જોખમમાં છે અને આવી બાબતો શિક્ષણ સંસ્થાના વિકાસને અવરોધે છે.

આપણે ત્યાં આજકાલ સ્વાયત્તતા જાણે કે સરકાર સામે બળવો કરવાનું લાઇસન્સ હોય, એ દૃષ્ટિએ તેને જોવામાં આવે છે. સંતાન હોય કે સંસ્થા, તેના વ્યક્તિત્વની પૂર્ણ ખીલવણી કે સંપૂર્ણ વિકાસ માટે તેને સ્વતંત્રતા-સ્વાયત્તતા આપ્યા વિના ચાલે નહીં, પણ કમનસીબે અસણસમજુ પિતા કે અસલામત સત્તાધીશને આ વાત ગળે ઉતારવી મુશ્કેલ છે.

નાલંદા મહાવિહારને હજુ ગત જુલાઈ-2016માં જ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. નાલંદાની જ્ઞાનોજહાલી ઇતિહાસવસ્તુ નહિ, પણ વર્તમાન વાસ્તવિકતા બનાવવાનું સપનું સેવાયું હતું, પરંતુ હાલના સંજોગોમાં સવાલ જાગે છે કે નાલંદા શું ઇતિહાસ જ બની રહેશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 30મી નવેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ - બિનસંપાદિત)

No comments:

Post a Comment