Wednesday, November 9, 2016

ટાર્ગેટ તણાવમુક્તિ

દિવ્યેશ વ્યાસ


આધુનિક સમયનો સૌથી મોટો અભિશાપ છે તણાવ. નવા વર્ષે તણાવમુક્તિ માટે સંકલ્પ અને સાધના જરૂરી છે



(આ તસવીર બિગસ્ટોક (Bigstock)ની છે.)

માનવજાતે વિકાસના નામે જે વાટ પકડી છે, તેણે કહેવાતી આધુનિકતા જરૂર બક્ષી છે, પરંતુ સાથે સાથે આપણા જીવનમાં અવલંબન અને આત્યંતિકતા વધારી દીધાં છે. આધુનિક જીવનશૈલીમાં વહેલા જાગવા માટે સ્માર્ટફોનમાં મૂકેલા એલાર્મથી માંડીને આધ્યાત્મિકતા માટેની એપ, એમ લગભગ દરેક બાબત માટે આપણે અન્ય પર અવલંબિત રહેવા માંડ્યા છીએ. ‘અતિ સદા વર્જયતે’, અતિની કોઈ ગતિ નહીં, જેવી શાણી પંક્તિઓ આપણે વિસરી ગયા છીએ અને અન્યથી આગળ નીકળી જવાની લાયમાં આપણે દરેક બાબતે આત્યંતિકતા તરફ ધસી રહ્યા છીએ. આ અવલંબન અને આત્યંતિકતાભરી આધુનિક જીવનશૈલીના પરિણામે માનસિક તણાવ (સ્ટ્રેસ) આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. તણાવ આધુનિક સમયનો સૌથી મોટો અભિશાપ બની ગયો છે. વૈશ્વિક સ્તરે જેમ ત્રાસવાદ સૌને પજવે છે, એ જ રીતે વ્યક્તિગત સ્તરે તણાવ ખતરનાક પુરવાર થઈ રહ્યો છે.

તણાવને કારણે આજનો માનવી શારીરિક તથા માનસિક બીમારીઓનો ભોગ બની રહ્યો છે. આજે નાની વયના યુવાનોમાં મોટી વયે કે વૃદ્ધાવસ્થામાં થતી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. તણાવ લોકોની જિંદગીમાંથી સુખ-ચેન છીનવી રહ્યો છે. આજે સુખ-સુવિધા-સગવડો વધી છે, પરંતુ તેને ભોગવવા, તેને માણવા માટેના સમય અને શાંતિનો અભાવ પ્રવર્તે છે. કોઈ પણ ભોગે સફળ થવાની આંધળી દોડમાં આપણે ઘણું બધું કમાઈએ છીએ, લખલૂંટ સંપત્તિ અર્જિત કરીએ છીએ, પણ જીવનનો આનંદ લગભગ ગુમાવી દેતા હોઈએ છીએ. નવું વિક્રમ સંવત શરૂ થયું છે ત્યારે આપણે જીવનને સારી રીતે માણવા માટે તણાવમુક્ત થવા માટે સંકલ્પ અને સાધના કરવા જરૂરી છે. તણાવમુક્તિ માટે જીવન અને કાર્ય પ્રત્યેના અભિગમમાં ધરમૂળથી બદલાવ જરૂરી છે, સાથે સાથે સ્વભાવમાં પણ સકારાત્મક રીતે સુધારા કરવા આવશ્યક
બને છે.

ગયા સપ્તાહમાં 2 નવેમ્બરના રોજ ઇંગ્લેન્ડમાં રાષ્ટ્રીય તણાવ જાગૃતિ દિવસ (નેશનલ સ્ટ્રેસ અવેરનેસ ડે) ઊજવાઈ ગયો. આ નિમિત્તે વનપોલ (OnePoll) દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 2000 બ્રિટિશર્સની મુલાકાતના આધારે નિષ્કર્ષ તારવવામાં આવ્યા છે. આ સર્વે અનુસાર એક વ્યક્તિ પોતાની જિંદગીમાં આશરે સાડા પાંચ વર્ષ તણાવને કારણે બરબાદ કરી નાખે છે. દરેક વ્યક્તિ દરરોજ સરેરાશ બે કલાક અને 11 મિનિટ્સ તણાવમાં પસાર કરતી હોય છે. આ હિસાબે દરેક માણસ દર અઠવાડિયે 15 કલાક અને વર્ષે 33 દિવસ સ્ટ્રેસનો ભોગ બનતો હોય છે. આ સર્વેક્ષણના એક તારણ મુજબ વ્યક્તિ 36 વર્ષની વયે સૌથી વધારે સ્ટ્રેસ ભોગવતી હોય છે. આ સર્વેક્ષણ આમ તો બ્રિટનમાં થયેલું છે, પરંતુ આપણે ત્યાં, એમાંય ખાસ કરીને શહેરી વિસ્તારોમાં મોટા ભાગે બ્રિટન જેવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. નોકરી-વ્યવસાયના સ્ટ્રેસ ઉપરાંત આર્થિક અસુરક્ષાની ભાવના બળતામાં ઘી હોમવાનું કામ કરતી હોય છે. વિભક્ત પરિવારના વધતાં ચલણને કારણે સામાજિક-પારિવારિક તણાવમાં પણ વધારો થયો છે. આજના સ્પર્ધાના જમાનામાં તો બાળકો અને વિદ્યાર્થીઓ પણ સ્ટ્રેસથી બચી શકતાં નથી. સ્ટ્રેસને કારણે ઘણા યુવાનો વ્યસનના રવાડે ચડી જતા હોય છે અને તેની અનેક આડઅસરોનો ભોગ બનતા હોય છે. આપણી ટ્રાફિકથી માંડીને અન્ય અવ્યવસ્થાઓને કારણે પણ આપણું રોજિંદું જીવન વધારે તણાવપૂર્ણ બની રહ્યું છે.

તણાવથી બચવું મુશ્કેલ છે, પણ અશક્ય નથી. વ્યક્તિ ધારે તો પોતાની રોજિંદી જિંદગીમાં તણાવને નાબૂદ ન કરી શકે તો પણ ન્યૂનતમ (ઓછામાં ઓછો) તો કરી જ શકે છે. જીવનમાં પેદા થતા બિનજરૂરી તણાવ અંગે જાગૃતિ કેળવીને તેને દૂર કરવા મથવું જોઈએ. મોટા ભાગે તો આપણા ટાઇમ મેનેજમેન્ટના અભાવને કારણે પણ બિનજરૂરી તણાવ પેદા થતો હોય છે. વ્યક્તિ ધારે તો નિયમિતતા કેળવી, માનસિકતાને સકારાત્મક બનાવી, સ્વભાવમાં સુધારા કરીને ઘણા તણાવને ટાળી શકે એમ છે. નવા વર્ષે તણાવ અંગે સભાન થવાની સાથે સાથે તણાવમુક્તિ જીવન માટે સંકલ્પબદ્ધ થવાની અને તેના માટે સાધના કરવાની જરૂર છે. તમે નક્કી કરી લો, તણાવયુક્ત જીવન ઇચ્છો છો કે તરોતાજા જિંદગી?

No comments:

Post a Comment