Wednesday, November 23, 2016

ટુંપાતા શ્વાસ, ધૂંધળી આશ

દિવ્યેશ વ્યાસ


વિશ્વભરમાં વાયુ પ્રદૂષણને કારણે થતાં મોતમાં ભારત ટોચના ક્રમાંકે પહોંચી ચૂક્યું છે. ક્યારે જાગીશું?

(તસવીર ગૂગલ પર શોધીને મેળવી છે)

વિશ્વવિખ્યાત ભૌતિક વિજ્ઞાની સ્ટીફન હૉકિંગ્સે તાજેતરમાં એક ગંભીર આગાહી કરી છે. સ્ટીફન હૉકિંગ્સનું કહેવું છે કે છેલ્લાં પચાસ વર્ષમાં બ્રહ્માંડની તસવીર ઘણી બધી બદલાઈ ગઈ છે. મને નથી લાગતું કે બીજા રહેવાલાયક ગ્રહને શોધ્યા વિના ધરતી પર હવે એક હજાર વર્ષ કરતાં વધારે સમય જીવિત રહી શકાશે! એટલે કે પૃથ્વીની આપણે એવી હાલત કરી મૂકી છે કે ધરતી પર હવે માનવી માંડ એકાદ હજાર વર્ષ ટકી શકશે. આ સ્થિતિ જોતાં આપણી પાસે બે જ માર્ગ છે - એક, પૃથ્વી-કુદરત-પર્યાવરણની જાળવણી માટે સમયસર સભાન તેમજ સક્રિય બનવું અને કાં પછી માનવી માટે રહેવાલાયક બીજા ગ્રહની શોધ આદરવી. હૉકિંગ્સસાહેબના જણાવ્યા મુજબ મંગળ ગ્રહ પર માનવીને રહેવાલાયક વસાહત ઊભી કરવાનું કામ આગામી 100 વર્ષમાં પણ શક્ય બનવાનું લાગતું નથી એટલે આ મામલે વધારે ગંભીર બનવું જ રહ્યું!

માની લઈએ કે મંગળ ગ્રહ પર આગામી 100-150 વર્ષોમાં માનવવસાહત ઊભી કરી દેવામાં આવે તો પણ મંગળ સુધી પહોંચવાની તાકાત દુનિયામાંથી માંડ 100-150 લોકો જ ધરાવતા હશે! આમ, સો વાતની એક વાત પૃથ્વી, આપણા પર્યાવરણની કાળજી લીધા વિના આપણા અસ્તિત્વની આશા બહુ ધૂંધળી ભાસે છે. ગયા સપ્તાહે ગ્રીનપીસ નામની પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત આંતરરાષ્ટ્રીય સંસ્થાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો, જેના આંકડા ભારત માટે આઘાતજનક છે. ગ્રીનપીસના અધ્યયન અનુસાર વર્ષ 2015માં ઝેરી-પ્રદૂષિત હવાને કારણે મરનારાઓમાંથી સૌથી વધારે ભારતીય હતા. વાયુ પ્રદૂષણને કારણે ભારતમાં રોજના 3283 લોકોનાં મોત થાય છે. વાયુ પ્રદૂષણને કારણે થતાં મોતની બાબતમાં ભારત હવે ટોચના ક્રમાંકે આવી ગયું છે. ભારત પછી ચીનનો ક્રમ આવે છે. ચીનમાં વાયુ પ્રદૂષણને કારણે દરરોજ 3233 લોકો મોતને ભેટે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી વાયુ પ્રદૂષણથી મરનારાઓની બાબતમાં ચીન જ નંબર વન રહેતું હતું, પરંતુ વર્ષ 2015માં ભારતમાં મૃત્યુઆંક વધ્યો અને હવે ચીન કરતાં પણ વધારે લોકો આપણે ત્યાં મરવા લાગ્યા છે, એ ખરેખર ચિંતાજનક બાબત છે.

ઓર્ગેનાઇઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)ના અધ્યયન પ્રમાણે વાયુ પ્રદૂષણને કારણે વિશ્વમાં આશરે 2.6 ટ્રિલિયન ડૉલરનું (આશરે 169 લાખ કરોડ રૂપિયા) નુકસાન થાય છે. આ જ સંસ્થાના અંદાજ પ્રમાણે વાયુ પ્રદૂષણની સ્થિતિ નહીં સુધરે તો 2060 સુધીમાં 60થી 90 લાખ લોકો દર વર્ષે મોતના મુખમાં ધકેલાશે. થોડાં વર્ષો પહેલાં અમદાવાદમાં હોર્ડિંગ્સ લાગ્યાં હતાં - ‘અમદાવાદીઓ મરશો, પ્રદૂષણ મારશે’ એ સાવ સાચું ઠરી રહ્યું છે. આપણી આજુબાજુ વાઇરલ ઇન્ફેક્શનથી માંડીને કેન્સરના જે કોઈ દર્દીઓ ઉભરાઈ રહ્યા છે, તેના મૂળમાં પ્રદૂષણ રહેલું છે, એ શું આપણને નથી સમજાતું?

બળાત્કારના મામલે કુખ્યાત એવું દિલ્હી ગયા વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર જાહેર થયું હતું. દિલ્હી ઉપરાંત આપણાં અન્ય મોટાં શહેરોમાં પણ પ્રદૂષણ, એમાંય વાયુ પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક હદે કફોડી છે. પર્યાવરણ અને પ્રદૂષણના મુદ્દા હજુ પણ પર્યાવરણ સંબંધિત સેમિનારો ઉપરાંત ભાગ્યે જ ક્યાંક ચર્ચાય છે. દિલ્હીમાં તાજેતરમાં વ્યાપેલા વાયુ પ્રદૂષણની તસવીરો-વિડિયો જોઈને પણ હજુ આપણાં સરકારી તંત્રો તો ઠીક પણ કમનસીબે ખુદ આપણી પણ આંખો ઊઘડી નથી. ફાલતુ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી કરીને જડબા દુખાડનારા આપણે સૌએ હવે મૂળભૂત મુદ્દાઓ અને તેના ઉકેલો વિશે વિચારવાનું કષ્ટ ઉઠાવવું જરૂરી બન્યું છે. કાળી હવાઓને હવે કોણ નાથશે, એવા સવાલ કરતાં આપણે હવે ક્યારે જાગીશું, એ સવાલ વધારે રચનાત્મક છે. સાચું ને? તો પૂછો ખુદને!

(‘દિવ્ય ભાસ્કર’ની 23મી નવેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment