Friday, November 11, 2016

વિશ્વશાંતિના 'મનુ'નીય વિચારો

દિવ્યેશ વ્યાસ


મનુભાઈએ અત્યંત આત્મવિશ્વાસપૂર્વક સમજાવેલું છે કે બાળકોના ઉછેર અને કેળવણીમાં વિશેષ કાળજી રાખીને જ વ્યક્તિગત અને વૈશ્વિક સ્તરે શાંતિની સ્થાપના શક્ય બનશે


 (મનુભાઈ પંચોળી ‘દર્શક’ના ચિત્રની છબિ ડૉ. અશ્વિન ચૌહાણે લીધેલી છે.)

 દુનિયાએ પહેલી વખત જોયેલું વિશ્વવ્યાપી અને અત્યંત વિનાશક એવા પ્રથમ વિશ્વયુદ્ધને વર્ષ 2014માં 100 વર્ષ પૂરાં થયેલાં. પહેલું વિશ્વયુદ્ધ 11 નવેમ્બર, 1918ના રોજ પૂર્ણ જાહેર થયેલું. ઇ.સ. 1914થી 1918 સુધી, એમ ચારેક વર્ષ લાંબા ચાલેલા આ યુદ્ધમાં એક અંદાજ પ્રમાણે આશરે 85 લાખથી વધુ સૈનિકો અને 70 લાખ જેટલા સામાન્ય લોકોનાં મોત થયાં હતાં. પ્રથમ વિશ્વયુદ્ધને લીધે વેરાયેલા જાન-માલના વિનાશ પછી દુનિયાને ડહાપણ લાધ્યું હતું કે યુદ્ધ માનવજાત માટે કેટલું ખતરનાક છે. ફરી ક્યારે ય યુદ્ધ ન થાય એ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે કરારો કરવામાં આવ્યા હતા અને જર્મની સહિતના દેશો પર અમુક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જોકે, આ શરતો અને સંધિઓએ જ બીજા વિશ્વયુદ્ધનાં બીજ વાવ્યાં હોવાનું કહેવાય છે. દુનિયાએ થોડાં જ વર્ષો પછી બીજા વિશ્વયુદ્ધના સાક્ષી અને પીડિત બનવું પડયું. બીજા વિશ્વયુદ્ધ પછી વચ્ચેના ગાળામાં શીત યુદ્ધ દરમિયાન દુનિયા બે જૂથમાં વહેંચાઈ હતી, પણ સામસામી આવી નહોતી. આમ તો આજ દિન સુધી ત્રીજું વિશ્વયુદ્ધ થયું નથી, પરંતુ દુનિયાભરમાં ઠેકઠેકાણે ચાલતાં નાનાં-મોટાં યુદ્ધ કે સંઘર્ષને કારણે રોજેરોજ અનેક લોકો જાન ગુમાવી રહ્યા છે, એ દુઃખદ સચ્ચાઈ છે. દુનિયાએ વાર્યે નહીં તો હાર્યે એક ને એક દિવસ તો યુદ્ધ અને સંઘર્ષનો માર્ગ છોડીને રચનાનો, સર્જનનો, શાંતિનો માર્ગ શોધવો જ પડશે.

પ્રથમ વિશ્વયુદ્ધની શતાબ્દીની સમાંતરે રણજિતરામ સુવર્ણચંદ્રકથી લઈને પદ્મભૂષણ જેવા પુરસ્કારોથી પોંખાનારા કેળવણીકાર અને સાહિત્યકાર મનુભાઈ પંચોળી 'દર્શક'ની જન્મ શતાબ્દી પણ 2014માં ઊજવાઈ હતી. 'સોક્રેટિસ' અને 'ઝેર તો પીધાં જાણી જાણી' જેવી મહાન નવલકથા લખનારા મનુભાઈ મૂળે તો ઇતિહાસ અને સંસ્કૃિતના જાણતલ હતા. ગાંધી વિચારોમાં પ્રબળ નિષ્ઠા ધરાવતા મનુભાઈએ શિક્ષણ અને સાહિત્ય થકી સમાજને ઢંઢોળવા અને કેળવવાનું કાર્ય આજીવન કર્યું હતું. પરમ દિવસે પ્રથમ વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિની વર્ષગાંઠ છે ત્યારે દર્શકદાદાના વિશ્વશાંતિ અંગેના વિચારોને વાગોળવાની એક તક ઝડપવા જેવી છે. યુદ્ધના ઉકેલ અને વિશ્વશાંતિ સ્થાપવાનાં સૂચનો રજૂ કરતાં મનુભાઈનાં ચાર વ્યાખ્યાનોને સંપાદિત કરીને મોહન દાંડીકર અને પ્રવીણભાઈ શાહે 'વિશ્વશાંતિની ગુરુકિલ્લી' નામે એક પુસ્તિકા તૈયાર કરેલી છે. આ પુસ્તિકામાં મનુભાઈએ અત્યંત આત્મવિશ્વાસપૂર્વક સમજાવ્યું છે કે બાળકોના ઉછેર અને કેળવણીમાં વિશેષ કાળજી રાખીને જ વ્યક્તિગત અને વૈશ્વિક સ્તરે શાંતિની સ્થાપના શક્ય બનશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે બાળકનો ઉછેર અને કેળવણી એ રીતે થવાં જોઈએ કે તેના મનમાં અજંપો કે અપરાધનાં નહીં પણ સંવેદના અને સર્જનનાં બીજ રોપાય. એક પ્રવચનમાં દર્શકદાદાએ કહ્યું છે, "બાળકને સ્વાનુભવની બારાક્ષરી પર અનંતનો પરિચય થાય છે. અનુભવે એને ભાન થશે કે જગતમાં સજીવ-નિર્જીવ બે વસ્તુ છે. ઝાડને પાણી પાવું પડે છે. દેડકા, કીડીને પણ સુખ-દુઃખનો અનુભવ થાય છે. હું અને આ કૂતરું બંને સગાં છીએ. બંનેનાં સુખદુઃખ સમાન છે. આવી સંવેદના બાળકમાં જાગશે તો જગતમાં શાંતિ થશે. આપણે શાંતિ સ્થાપવા માટે અનેક પ્રયત્નો કરીએ છીએ, આંદોલનો ચલાવીએ છીએ, પણ છતાં ય શાંતિ સ્થપાતી નથી, કારણ કે બાળપણમાં માણસના ચિત્તમાં આ સમભાવના, સંવેદનાને પ્રગટ થવાની તક મળી નથી, ક્રમિકતાનો અનુભવ નથી મળ્યો, ચિત્તમાં પરભાવના ઉછરતી રહી છે. પછી મોટી ઉંમરે ઘણી ય મથામણ કરો, ભાગવત-ગીતાની પારાયણો કરો, પણ ખેતરના દાણા ચરી ગયા પછી ખેડૂત ઘણા ય હોંકારા-પડકારા કરે તેવી આ વાત છે."

બાળકોમાં આક્રમકતાને ઉત્તેજન નહીં આપવાની અપીલ કરતાં મનુભાઈએ કહ્યું હતું, "માસ્તર બાળકની હથેળીમાં આંકણી મારે છે ત્યારે વિદ્રોહનાં બીજ ચિત્તમાં વવાઈ જાય છે. બેઝિક રૂટ્સ ઓફ એગ્રેસન બાળચિત્તમાં વાવીએ અને પછી શાંતિ માટે રાત'દી દોડા કરીએ તો કેમ ચાલે? જે ચિત્તમાં વિરોધોનાં, વિદ્રોહનાં જાળાં નથી, તે લડવા માટે ઉત્સુક નહીં થાય. એટલે શાંતિનું સાચું ક્ષેત્ર બાળપણ છે. તમે (શિક્ષકો) સાચા શાંતિસૈનિક છો."

મનુભાઈ માને છે, "અવકાશયાનો, ઉપગ્રહો, આઈસીબીએમ એ બધાએ શિવનું ક્ષેત્ર નથી વધાર્યું. શક્તિનું વધાર્યું છે ... શક્તિ વધી તેના પ્રમાણમાં શિવત્વ વધ્યું નથી. આથી મેં કહ્યું કે મોટી શોધ અણુ કે પરમાણુ શક્તિને હું નથી ગણતો. છેલ્લાં પચાસ વર્ષમાં થયેલી મોટામાં મોટી શોધ હું બાલશિક્ષણશાસ્ત્રની ગણું છું. મારી અફર શ્રદ્ધા છે કે જો માનવજાતને મુક્તિનો અનુભવ લેવો હશે, તો તેણે બાલશિક્ષણની આ શોધ પાસે આવવું પડશે. ત્યારે જ શાંતિનું ક્ષેત્ર વિસ્તરશે, ત્યારે જ મુક્તિનું સાચું પ્રભાત ઊઘડશે."

"યુદ્ધ પહેલાં માણસોના હૃદયમાં શરૂ થાય છે ને ત્યાં જ તેને ડામવું જોઈએ. વ્યક્તિઓના હૃદયમાં જ પરિવર્તન કરવાની રીત માનવજાત જમાનાઓથી શોધતી આવી છે, કારણ કે વ્યક્તિ પોતે આક્રમણ ન કરે, કે આક્રમક ન હોય તો તોપો જાતે કાંઈ ફૂટવા માંડતી નથી." મનુભાઈનો કહેવાનો સાર એટલો જ હતો કે બાળકનો ઉછેર અને કેળવણી એ રીતે થવાં જોઈએ કે તેના મનમાં અજંપો, અપરાધનાં કે આક્રમકતાનાં નહીં પણ સંવેદના અને સર્જનનાં બીજ રોપાય તો અને ત્યારે જ વિશ્વશાંતિનું સપનું સાકાર થશે.

(‘સંદેશ’ની 9મી નવેમ્બર, 2014ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ, થોડા સુધારા સાથે)

No comments:

Post a Comment