Wednesday, November 16, 2016

બંદૂકવાલી ચાચી

દિવ્યેશ વ્યાસ


બંદૂક યુદ્ધ અને યાતનાનું જ પ્રતીક છે, પરંતુ એ જ બંદૂક યાતનાના અંત અને શાંતિના આરંભ માટે નિમિત્ત બન્યાનો કિસ્સો જોવા મળ્યો છે!


(તસવીરો મેલઓનલાઇન પરથી લેવામાં આવી છે)


‘મારી બંદૂક હવે મારો બીજો શૌહર છે. આ બંદૂક જ મારો સાથીદાર છે અને મને તેના વિના સહેજ પણ ચાલતું નથી. જ્યાં સુધી આ બંદૂક મારા હાથમાં છે, કોઈ પુરુષ મને તો શું અમારા જિલ્લાની કોઈ સ્ત્રીને હેરાન કરી નહીં શકે. એમને ખબર છે કે સ્ત્રીઓને રંજાડનારને હું ભડાકે દઈ દઉં!’ આ શબ્દો છે, 42 વર્ષનાં શહાના બેગમના. શહાના બેગમે આ વાત મેલઓનલાઇન નામની વિદેશી વેબસાઇટના પત્રકાર ગરેથ ડેવિડ્સ સમક્ષ કરી હતી, જેના આધારે તૈયાર થયેલાે અહેવાલ ચર્ચિત બન્યો હતો. ઉત્તરપ્રદેશના શાહજહાંપુરનાં શહાના બેગમ તેમના વિસ્તારમાં ‘બંદૂકવાલી ચાચી’ના નામે જાણીતાં છે.

એક મુસ્લિમ પરિવારની મહિલા કઈ રીતે બંદૂકવાલી ચાચી બની, એ કહાણીમાં કરુણતા જરૂર છે, પરંતુ તેના કરતાં પણ ધ્યાનમાં ખેંચે એવી બાબત આ બહેનની ખુમારી અને ખુદ્દારી છે. ચાર સંતાનોનાં માતા એવાં શહાના બેગમના પતિનું મૃત્યુ આજથી 17 વર્ષ પહેલાં થયેલું. કૌટુંબિક ઝઘડામાં સગા ભાઈએ જ તેમના પતિને ગોળી મારેલી. જોકે, ગોળી વાગવાથી તેઓ નહોતા મર્યા, પણ થોડા દિવસ પછી અચાનક તેમને પેટમાં દુખાવો ઉપડેલો અને તેને કારણે તેમનું નિધન થયેલું. પતિના મૃત્યુ વખતે શહાના બેગમનો સૌથી નાનો દીકરો માત્ર ત્રણ દિવસનો હતો! તેમના દુ:ખના દહાડા શરૂ થયેલા. માહોલ એટલો તંગ હતો કે તેઓ એકલાં ઘરની બહાર પગ પણ ન મૂકી શકે, જીવનું જોખમ હતું! ગામમાં તેમને કોઈ મદદ કરવા પણ તૈયાર નહોતું. ન કોઈ ઘરમાં કમાનારું હતું, ન કોઈ પરિવારને સંભાળનારું હતું. સંતાનોની માતાની સાથે સાથે પરિવારના મોભી બન્યા વિના ચાલે એમ નહોતું. આખરે એક દિવસ તેમણે હિંમતે મર્દા તો મદદે ખુદા જેવો અભિગમ અપનાવ્યો. વર્ષ 1999માં સ્વરક્ષા માટે લાઇસન્સ મેળવીને તેઓ બંદૂકધારી બની ગયાં. બંદૂકે શહાના બેગમનું જીવન બદલી નાખ્યું.


બંદૂક આમ તો યુદ્ધ અને યાતના-અત્યાચારનું પ્રતીક ગણાય છે, પરંતુ ક્યારેક બંદૂક યાતનાના અંત અને કોઈના જીવનમાં શાંતિનું નિમિત્ત પણ બની શકે, એ વાત બંદૂકવાલી ચાચી એટલે કે શહાના બેગમના કિસ્સામાં પુરવાર થઈ. બંદૂકનો સાથ શહાના બેગમ માટે નવો નહોતો, કારણ કે તેમના પિતા તથા પતિ પણ બંદૂક રાખતા હતા. જોકે, શહાના બેગમને ક્યારેય બંદૂક ચલાવતાં આવડતું નહોતું. પછી તેઓ જાતે જ બંદૂક ચલાવતાં શીખ્યાં. બંદૂકે તેમને આત્મરક્ષણ પૂરું પાડવાની સાથે સાથે આત્મવિશ્વાસ અને આત્મસન્માન સાથે જીવતાં કર્યાં અને એટલે જ તેઓ આજે બંદૂકને જ પોતાનો બીજો ‘ધણી’ ગણે છે.

બંદૂકની સાથે શહાના બેગમની અને તેમનાં ચાર સંતાનો-બે દીકરીઓ, બે દીકરાઓની જિંદગી તો સુરક્ષિત બની જ, પરંતુ ધીમે ધીમે શહાના બેગમે પોતાની બંદૂકની ધાકનો ઉપયોગ આસપાસના વિસ્તારમાં રહેતી મહિલાઓ-બાળકોની જિંદગીને સુરક્ષિત બનાવવા માટે શરૂ કર્યો. જ્યાં પણ કોઈ સ્ત્રી પર અત્યાચાર થાય ત્યાં પહોંચી જઈને તેમણે પીડિતાને ન્યાય અપાવવાનું શરૂ કર્યું. શહાના બેગમે આજ સુધી કોઈ પર ગોળીબાર કર્યો નથી, છતાં ધીમે ધીમે તેમના જિલ્લામાં તેમની ધાક એટલી વધી ગઈ છે કે બળાત્કાર સહિતના સ્ત્રીઅત્યાચારો માટે કુખ્યાત ઉત્તર પ્રદેશના આ જિલ્લામાં કોઈ મરદનો બચ્ચો હવે કોઈ સ્ત્રી પર કુદૃષ્ટિ કરવાની હિંમત પણ કરતો નથી.

બંદૂકથી સ્ત્રીસશક્તીકરણ કંઈ આદર્શ ગણાય નહીં, છતાં શહાના બેગમનાં સાહસ અને હિંમતને સલામ કરવી જ રહી!

(‘દિવ્ય ભાસ્કર’ની 16 નવેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ. શહાના બેગમ વિશે વધુ જાણવા માટેની લિંક http://www.dailymail.co.uk/news/article-3923518/Shotgun-wedding-rapists-Rifle-wielding-mother-takes-streets-seeking-justice-victims-Indian-s-spiralling-sex-attacks-forcing-marry.html)

No comments:

Post a Comment