Wednesday, April 27, 2016

ચર્નોબિલ : ભૂલ ગયે પ્યારે?

દિવ્યેશ વ્યાસ

 

ચર્નોબિલ જેવી દુર્ઘટનાને ભૂલી ન શકાય, એની તીવ્ર પ્રતીતિ તાજેતરમાં ગુજરાતમાં વ્યારા નજીક આવેલ કાકરાપાર પરમાણુ પ્લાંટમાં થયેલી દુર્ઘટના પછી થયા વિના રહેતી નથી

(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

ગઈ કાલે ચર્નોબિલ ખાતે 26મી એપ્રિલ, 1986ના રોજ બનેલી પરમાણુ દુર્ઘટનાને 30 વર્ષ પૂરાં થયાં. વિશ્વની સૌથી મોટી અને ઘાતક પરમાણુ દુર્ઘટનાને ત્રણ ત્રણ દાયકા વીત્યા હોવા છતાં આપણે એમાંથી ભાગ્યે જ કોઈ બોધપાઠ લીધો છે, ઊલટું આપણે પરમાણુ ઊર્જા માટે આંધળી દોડ લગાવી રહ્યા છીએ. ચર્નોબિલ જેવી દુર્ઘટનાને ભૂલી ન શકાય, એની તીવ્ર પ્રતીતિ તાજેતરમાં ગુજરાતમાં વ્યારા નજીક આવેલ કાકરાપાર પરમાણુ પ્લાંટમાં થયેલી દુર્ઘટના પછી થયા વિના રહેતી નથી.

આપણે ત્યાં જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં પરમાણુ મામલે મુશ્કેલી એ છે કે તેના અંગે સરકાર અને તંત્ર દ્વારા એટલી બધી ગોપનીયતા રાખવામાં ‌આવતી હોય છે કે ખરેખર શું બન્યું? કેટલું નુકસાન થયું? લોકોને કેવો ખતરો છે? જોખમથી બચવા માટે લોકોએ  શું ધ્યાનમાં રાખવું? વગેરે સવાલોના ભાગ્યે જ સાચા અને સરળ ઉત્તર મળી શકતા હોય છે. પરમાણુ દુર્ઘટનાની ભયંકર વાત એ છે કે તેનાં દુષ્પરિણામો વર્ષો સુધી ભોગવવા પડતાં હોય છે. વિજ્ઞાનીઓનું માનીએ તો પરમાણુનો અમુક કચરો  તો 2,50,000 વર્ષ સુધી વિઘાતક વિકિરણો ફેલાવતો રહે છે. રેડિયેશનના સંપર્કમાં આવનારા લોકોને વહેલામોડા કોઈને કોઈ પ્રકારનું કેન્સર થઈ જતું હોય છે અને રેડિયોએક્ટિવ પદાર્થોને કારણે બાળકો વિકલાંગ ને વિકૃત દશામાં પેદા થતા હોવાનું પણ જોવા મળે છે.

ચર્નોબિલ અત્યારે તો યુક્રેનમાં છે, પણ એ વખતે રશિયાનો તેના પર કબજો હતો. રશિયન સરકારે આ ઘટનાને દબાવી દેવાની કોશિશ કરેલી. જોકે, ચર્નોબિલથી આશરે 1,100 કિમી દૂર સ્વિડનના એક ન્યુકિલયર પ્લાન્ટના વિજ્ઞાનીઓએ પકડી પાડ્યું હતું કે ચર્નોબિલમાં કંઈક અઘટિત બન્યું છે અને રશિયાનો ભાંડો ફૂટ્યો હતો.

26મી એપ્રિલની પૂર્વ રાતે 1.23 કલાકે ચર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના એક રિએક્ટરમાં વીજપ્રવાહની કોઈ ખામી સર્જાતાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે રિએક્ટરનું એક હજાર ટનનું છાપરું ઊડી ગયું હતું. થોડી ક્ષણો પછી તરત બીજો વિસ્ફોટ થયો, જે પહેલાં કરતાં પણ જોરદાર હતો અને રિએક્ટરની ઈમારતને તહસનહસ કરી નાખી હતી. આ દુર્ઘટનામાં રિએક્ટરના કર્મચારીઓ અને ફાયરના 31 કર્મીઓ સહિત કુલ 64 લોકોનાં મોત થયાં હોવાનું સત્તાવાળાઓનું કહેવું હતું.જોકે, આ અકસ્માતને કારણે રેડિયોએક્ટિવ પદાર્થો જે આજુબાજુના વિસ્તારોમાં ફેલાયા, તેને કારણે મૃત્યુ પામનારા લોકોનો આંકડો લાખોમાં મંડાય છે. રશિયાના એક પ્રકાશન ‘ચર્નોબિલ'ના અંદાજ પ્રમાણે વર્ષ 1986 થી 2004 દરમિયાન રેડિઓએક્ટિવ અસરના કારણે લગભગ 9,85,000 લોકોનાં મોત થયાં છે.

ચર્નોબિલના અકસ્માત માટે કહેવાય છે કે હિરોશિમા અને નાગાસાકી કરતાં 200 ગણા વધારે રેડિયોએક્ટિવ આજુબાજુના વિસ્તારોમાં ફેલાયા હતા. ચર્નોબિલની દુર્ઘટના પછી આજુબાજુના વિસ્તારમાંથી લગભગ ૧ લાખ ૩૫ હજાર નાગરિકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું. દુર્ઘટનાને કારણે પ્રસરેલા પરમાણુ વિકિરણોએ આજે પણ ચર્નોબિલના અમુક ઘેરાવામાં આવેલા યુક્રેન, બેલારૂસ અને રશિયાના વિસ્તારોના લોકોની જિંદગી બેહાલ કરી મૂકી છે.

તાજેતરમાં ગ્રીન પીસ દ્વારા ચર્નોબિલ અંગે જારી કરાયેલા અહેવાલ મુજબ દુર્ઘટનાનાં ત્રીસ વર્ષ પછી પણ આ વિસ્તારમાં રહેતા લોકો રેડિયો એક્ટિવથી દૂષિત ખાદ્યસામગ્રી આરોગવા મજબૂર છે. આ વિસ્તારમાં ઊગતી ખાદ્યસામગ્રી અને વન્ય પેદાશોમાં આજે પણ મર્યાદા કરતાં વધારે અને કેટલાક કિસ્સામાં તો 16 ગણું વધારે રેડિયેશનનું સ્તર જોવા મળે છે. ચર્નોબિલની આજુબાજુ વસતા લોકોને આજેય રેડિયેશન ફ્રી ફૂડ ખાવા મળતું નથી. ભોજન તો જવા દો દૂધ પણ ચોખ્ખું મળતું નથી, દૂધના નમૂનાઓમાં પણ રેડિયેશનનું ઊંચું સ્તર જોવા મળ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ ચર્નોબિલ દુર્ઘટનાને કારણે બેલારૂસ, યુક્રેન અને રશિયામાં નાના બાળકોમાં થાઇરોઇડ કેન્સરના પ્રમાણમાં મોટો વધારો જોવા મળ્યો છે.

વિકાસશીલ દેશ તરીકે આપણે સસ્તી ઊર્જાની ખાસ જરૂર છે, પરંતુ સલામતીના મુદ્દાને અવગણીને, લોકોની જિંદગીઓને જોખમમાં મૂકીને તેની પાછળ આંધળી દોડ ક્યારેક ચર્નોબિલ જેવી ઘાતકી ઘટનામાં પરિણમી શકે છે.
(‘દિવ્ય ભાસ્કર’ની 27મી એપ્રિલ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

1 comment: