Thursday, April 14, 2016

નર્યા આદર્શો નહિ, નક્કર અધિકારોની વકીલાત કરનારા ડૉ. આંબેડકર

દિવ્યેશ વ્યાસ


ડૉ. આંબેડકર નામના 'ભારત રત્ન'ને માત્ર દલિત રત્ન તરીકે મૂલવવાની ભૂલ વહેલીતકે સુધારી લેવા જેવી છે.


(ડૉ. આંબેડકરની આ જાણીતી તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

દર વર્ષે ૧૪ એપ્રિલના રોજ આંબેડકર જયંતી ઊજવાય છે. આ વર્ષે (વર્ષ 2014) આંબેડકર જયંતી બહુ રંગેચંગે ઊજવાશે, કારણ કે (લોકસભાની રાષ્ટ્રીય) ચૂંટણીઓના માહોલમાં દેશના ૨૦ કરોડથી વધારે દલિત મતોની લાયમાં નાના નેતાઓથી માંડીને મોટાં માથાંઓની આંબેડકરભક્તિ જોર પડકશે. અહીં નોંધનીય વાત એ છે કે ૧૪ એપ્રિલ,૧૮૯૧ પોતાનો સાચો જન્મ દિવસ છે કે નહીં, એ બાબતે ખુદ આંબેડકર આશંકિત હતા! તેમણે પોતાના એક આત્મકથનાત્મક લખાણમાં જણાવ્યું છે, "મારા જન્મની કોઈ નોંધ નથી. એમને (પિતાજીને) મારી જન્મતારીખ લખી રાખવાની જરૂર નહીં લાગી હોય. હકીકતમાં એ બહુ સામાન્ય બાબત હતી. તેમ છતાં એટલું પણ એમનાથી થઈ શક્યું નહીં. એટલે આજે મારી જે જન્મતારીખ છે, તે સાચી હોવાનો દાવો હું કરી શકતો નથી." ખેર, આંબેડકર ૧૪મી એપ્રિલે જન્મ્યા હતા કે નહીં એના કરતાં આવા મહાનુભાવને આપણે કોઈ ને કોઈ નિમિત્ત ઊભું કરીને પણ યાદ કરવા જોઈએ, એ વધારે મહત્ત્વપૂર્ણ છે.

ડૉ. ભીમરાવ આંબેડકરને આપણે સૌ બંધારણના ઘડવૈયા તરીકે કે પછી આઝાદ ભારતના પ્રથમ કાયદા પ્રધાન તરીકે કે વધુમાં વધુ દલિત મસિહા તરીકે ઓળખીએ છીએ અને દુઃખની વાત એ છે કે એમના વિશેની જાણકારી આટલેથી પૂરી થઈ જતી હોય છે. આંબેડકરના સંઘર્ષમય જીવન કે ક્રાંતિકારી કાર્યો વિશે બહુ ઓછા લોકો જાણે છે. ડૉ. આંબેડકરને માત્ર દલિત નેતા તરીકે ઓળખીને આપણે તેમની સાથે બહુ મોટો અન્યાય કરતાં આવ્યા છીએ. દલિત કર્મશીલો અને દલિત મતદારો પર આધારિત રાજકીય પક્ષો ડૉ. આંબેડકરનું નામ આગળ કરતાં હોવાથી ડૉ. આંબેડકરની છબિ સંકુચિત રહી જવા પામી હશે, પણ ખરેખર તો સામાજિક સમાનતા માટે આજીવન મથનારા બાબાસાહેબનું ભારતીય સમાજમાં મહાન પ્રદાન રહ્યું છે, જેને કોઈ અવગણી શકે નહીં. બાબાસાહેબે દલિતો-વંચિતોના ઉદ્ધાર કે તેમના ન્યાય માટે જે સંઘર્ષ આદર્યો હતો તે આખરે તો આપણા સમાજને વધારે તંદુરસ્ત, સંગઠિત, સશક્ત અને ન્યાયપૂર્ણ બનાવવા માટે જ હતો ને!

ડૉ. આંબેડકરના જીવન અને સંઘર્ષ વિશે અનેક પુસ્તકો લખાયાં છે. આંબેડકરની જીવનકથા આલેખતાં પુસ્તકો પણ ઉપલબ્ધ છે, પણ તેમની આત્મકથા નથી. જોકે, તેમના આત્મકથનાત્મક લેખો, લખાણો અને પ્રવચનોનો ગુજરાતીમાં અનુવાદ કરીને ચંદુભાઈ મહેરિયા અને ઉર્વીશ કોઠારી દ્વારા 'દિલના દરવાજે દસ્તક' નામનું એક પુસ્તક તૈયાર કરાયું છે. આ પુસ્તકમાં આંબેડકરના બાળપણના પ્રસંગો ઉપરાંત વડોદરા અને અન્ય જગ્યાએ અછૂત તરીકે થયેલા કડવા અનુભવો જાણવા મળે છે. આ લખાણોના આધારે અંદાજ આવે છે કે બાબાસાહેબે એક દલિત તરીકે કેટકેટલું વેઠવું પડયું હતું.

'દિલના દરવાજે દસ્તક'માં આંબેડકરના બાળપણ વિશે કેટલીક રસપ્રદ વાતો જાણવા મળે છે. તેમના જન્મ પછી કોઈ જ્યોતિષે કહેલું કે આ છોકરો અપશુકનિયાળ છે. જોકે, પોતાની પ્રતિભા અને પ્રચંડ કાર્યો થકી આંબેડકર દેશના કરોડો દલિતો માટે શુકનિયાળ સાબિત થયા છે! કોલંબિયા યુનિર્વિસટી, યુનિર્વિસટી ઓફ લંડન અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ જેવી વિશ્વવિખ્યાત યુનિર્વિસટીઓમાં ભણેલા આંબેડકર નાના હતા ત્યારે તેમને ભણવાનું ગમતું નહોતું. આંબેડકરના શબ્દોમાં જ આ વાત જોઈએ : "શરૂઆતના વર્ષોમાં મને ભણવામાં રસ પડતો ન હતો. એ વખતે મને થતું, 'ભણીને શું ફાયદો?' છ મહિના સુધી મેં બાગકામ કર્યું... આજે વિચારતા લાગે છે કે કેવી હતી મારી એ જિંદગી!" તમને તરત પ્રશ્ન થશે તો પછી ભણવામાં રસ કેવી રીતે પડયો? આંબેડકરે લખ્યું છે, "મારા પિતાજી ઘણી વાર કહેતા, છાંયડામાં થાય એવું જ કામ કરજે." તેમના પિતાજી માત્ર શીખામણ આપીને અટકી ગયા નહોતા પણ બાબાસાહેબ જે કોઈ પુસ્તકની માગણી કરે તે બહેનોનાં ઘરેણાં ગિરવે મૂકીને પણ તેમને લાવી આપતા હતા!

આંબેડકરને બાળપણમાં અસ્પૃશ્યતાના અનેક આકરા અનુભવો થયેલા પરંતુ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરીને સ્વદેશ આવ્યા પછી તેમની લાયકાત, વિદ્વતા અને ક્ષમતા છતાં તેમને વડોદરા સહિતનાં સ્થળોએ જે કડવા અનુભવો થયા તેણે તેમના જીવનની દિશા બદલી નાખી. આંબેડકરે સમાજના બહિષ્કૃત લોકોના ન્યાય માટે લાંબી અને સંઘર્ષપૂર્ણ લડત આપી.

છૂતાછૂતને કારણે અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ આંબેડકરે આહલેક જગાવી હતી. ગાંધીજી પણ અશ્પૃશ્યતા નિવારણ માટે મથતા હતા. જોકે, આપણે ત્યાં મહાત્મા ગાંધી અને ડો. આંબેડકર એકબીજાના વિરોધી હોવાનું ચિતરવામાં આવે છે. તેમની વચ્ચે મતભેદ ચોક્કસપણે હતા. પણ અહીં યાદ રાખવું જોઈએ કે ડો. આંબેડકરે દલિતોને થતાં અન્યાય સામે ક્યારેય હથિયાર ઉપાડવાની હિમાયત કરી નહોતી, ઊલટું તેમણે ગાંધીચીંધ્યા માર્ગે અહિંસામય આંદોલનો જ ચલાવ્યાં હતાં. ગાંધી અને આંબેડકર બન્ને દલિતોનો ઉદ્ધાર અને સામાજિક-આર્થિક સમાનતા ઇચ્છતા હતા, પણ બન્નેના અભિગમમાં મુખ્ય તફાવત એ હતો કે ગાંધીજી મૂલ્યસ્થાપનામાં માનતા હતા, જ્યારે આંબેડકર માળખા (સામાજિક-આર્થિક-રાજકીય વ્યવસ્થા)માં ફેરફાર કરવાની હિમાયત કરતા હતા. ગાંધીજી આદર્શવાદી વિચારો ધરાવતા હતા, જ્યારે આંબેડકર અધિકારો થકી સશક્તિકરણની વકાલત કરતા હતા. ગાંધીજી આંબેડકરના આ અભિગમને બરાબર પામ્યા હતા અને એટલે જ તેમણે આંબેડકરને બંધારણ સભામાં સમાવવાનો આગ્રહ રાખ્યો હતો.

ડૉ. આંબેડકર નામના 'ભારત રત્ન'ને માત્ર દલિત રત્ન તરીકે મૂલવવાની ભૂલ વહેલીતકે સુધારી લેવા જેવી છે.

(મારી ‘સમય સંકેત’ કૉલમનો આ પહેલો લેખ છે, જે આંબેડકર જયંતી નિમિત્તે લખેલો. 
આ કૉલમ ‘સંદેશ’ની રવિવારની ‘સંસ્કાર’ પૂર્તિમાં 13મી એપ્રિલ, 2014ના રોજ પ્રકાશિત થયેલી.)

No comments:

Post a Comment