Wednesday, April 13, 2016

ખુશીઓને ઘણી ખમ્મા!

દિવ્યેશ વ્યાસ


ખૌફ અને ખુશી વચ્ચે ઝૂલતી દુનિયામાં આનંદ માટે જે સભાનતા વધી છે, એ આવકાર્ય છે


 (તસવીરો ગૂગલ પરથી મેળવી છે)

આપણાં ઉપનિષદ અનુસાર 'આનંદ બ્રહ્મ છે. આનંદ સાચું જ્ઞાન છે.' શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણને થયેલાં સંબોધનોમાંનું એક સંબોધન 'સચ્ચિદાનંદઘન' છે. આપણી સંસ્કૃતિમાં આનંદને કેન્દ્રમાં રાખીને તત્ત્વવિચાર કરાયો છે. આમ તો દરેક ધર્મનો ઉદ્દેશ માનવજાતની ખુશહાલી રહ્યો છે. આજના વિશ્વમાં આતંક અને આનંદ વચ્ચે જંગ જામ્યો છે. જોકે, ખૌફ અને ખુશી વચ્ચે ઝૂલતી દુનિયામાં આનંદ માટેની સભાનતા વધી રહી છે, એ આવકાર્ય છે. આનંદ માટેની વ્યાપક સભાનતાના બે પુરાવા એપ્રિલના પહેલા સપ્તાહમાં મળ્યા. એક, મધ્યપ્રદેશમાં હેપીનેસ મંત્રાલય સ્થપાયું અને બીજા, સ્પેનના વડાપ્રધાને કામના કલાકોમાં કાપ મૂકવાની જાહેરાત કરી. બન્ને જાહેરાતોનો દેખીતો ઉદ્દેશ તો જનતાની ખુશહાલી છે.


મધ્યપ્રદેશ દ્વારા સ્થાપિત હેપીનેસ મંત્રાલય દેશનું પ્રથમ આવું મંત્રાલય બન્યું છે. જોકે, યુએઈમાં સરકાર દ્વારા હેપીનેસ મંત્રાલય ચાલે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક વિકાસના ઇન્ડેક્સની જેમ હેપીનેસ ઇન્ડેક્સની પણ આકારણી શરૂ થઈ છે અને જીડીપીની સાથે સાથે હેપીનેસ ઇન્ડેક્સને પણ મહત્ત્વ મળવા લાગ્યું છે. ભૂતાન જેવો ભારતનો પાડોશી દેશ આર્થિક રીતે સધ્ધર નથી, પણ લોકોનાં સુખ-સંતોષનું સ્તર એટલું ઊંચું છે કે તે હેપીનેસ ઇન્ડેક્સમાં મેદાન મારી જાય છે. આર્થિક વિકાસદર અને ઝડપથી વિકસતા અર્થતંત્રમાં ભારત ટોચના પાંચ દેશોમાં સામેલ છે, પરંતુ હેપીનેસ ઇન્ડેક્સમાં આપણે 118મા ક્રમે છીએ. આવા સમયે મધ્યપ્રદેશ સરકારની પહેલ આવકાર્ય છે.



સ્પેનના વડાપ્રધાને પણ એક શકવર્તી નિર્ણય કરીને કામના કુલ કલાકોમાંથી બે કલાકનો કાપ મૂકીને લોકો વહેલાસર ઘરે પરત ફરી શકે એવી વ્યવસ્થા અમલમાં મૂકી છે. સ્પેન જનારા જાણે છે કે ત્યાં રોજ બપોરે 'રાજકોટવાળી' થતી હોય છે, એટલે કે બપોરના ત્રણ કલાક વામકુક્ષી માટે ફાળવાય છે. લોકો સવારે 10 વાગ્યે કાર્યસ્થળે પહોંચે ને રાતે આઠ વાગ્યે છૂટા થાય, પણ વચ્ચે ત્રણ કલાક આરામના મળે. સ્પેન સરકારે હવે ત્રણ કલાકમાંથી બે કલાકનો કાપ મૂકીને કર્મચારીને સાંજે વહેલા ઘરે જવાની સુવિધા કરી આપી છે, જેથી તેઓ પરિવાર સાથે વધારે સમય વિતાવી શકે અને પરિવારમાં ખુશહાલી પ્રવર્તે.
સ્વિડન પણ સપ્તાહમાં 6 દિવસોમાં માત્ર 36 કલાક કામ કરાવવાની યોજના પર વિચારણા કરી રહ્યું છે. અમુક સંસ્થાઓમાં કામના 8ને બદલે 6 કલાક કરી દેવાથી કર્મચારીના વર્તન અને કાર્યક્ષમતા બાબતે સકારાત્મક પરિણામો સાંપડ્યાં છે ત્યારે તેઓ દિશામાં આગળ વધવા ઉત્સુક છે.


(આનંદ-ઉત્સાહને વ્યક્ત કરતું પિંકી પુનિયાનું પેઇન્ટિંગ)

દુનિયામાં દરેક વ્યક્તિને સુખી-ખુશહાલ જીવન મળે માટેનાં સંસાધનોની કમી નથી, અસલી સમસ્યા આપણી માનસિકતા અને મેનેજમેન્ટની છે. લોકોને કામના કલાકો ઘટતાં સુખ મળી જશે કે પછી હેપીનેસ મંત્રાલય સૌની જિંદગીને હેપી હેપી કરી દેશે, એવી અપેક્ષા રાખી શકાય નહીં. આમેય સરકારી વ્યવસ્થા થકી ઘરે નળમાંથી ટપકતું પાણી વરસાદ જેવો આનંદ કે આહ્લાદકતા ક્યારેય આપી શકે નહીં. સત્યના સૂરજથી તપેલાં ભલાઈનાં વૃક્ષોની તપસ્યા થકી બંધાયેલાં સ્નેહનાં વાદળાં જ્યારે કરુણા રૂપે વરસે છે ત્યારે સાચું સુખ અને આનંદ અનુ‌ભવાય છે. આનંદ વિશે ઓશો રજનીશે કહેલી વાત યાદ રાખવા જેવી છે, 'આનંદ એવી વસ્તુ છે, જે તમારી પાસે હોય તોપણ તમે ધારો તો બીજાને આપી શકો છો.' આનંદ વહેંચવાથી વધે છે, તો તમે જાણો છોને?
(‘દિવ્ય ભાસ્કર’ની 13મી એપ્રિલ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ) 

No comments:

Post a Comment