Thursday, May 5, 2016

સ્ત્રીનાં વસ્ત્રો, સમાજના વહેમો

 દિવ્યેશ વ્યાસ


સ્ત્રીએ કેવાં કપડાં પહેરવાં, એનો કકળાટ કમનસીબે એકવીસમી સદીમાં પણ શમ્યો નથી


આજની યુવતી અન્યાય-અત્યાચાર સામે મૂંગી રહેવાની નથી. આજની યુવતી શરમના નામે શોષાવાની નથી. આજની યુવતીને સ્વતંત્રતા નહીં આપો તો તે છીનવી લેવાની છે. આજની યુવતીઓ એરાગેરાઓનું સાંભળી લેવાની નથી, એટલું નહીં, એવા લોકોને મોઢેમોઢ સંભળાવી દેવાનું પણ ચૂકવાની નથી. આનું લેટેસ્ટ ઉદાહરણ ગયા સપ્તાહમાં બેંગલુરુ ખાતે જોવા મળ્યું. પોતાનાં વસ્ત્રો અંગે ટિપ્પણી કરનારા એક રિક્ષા ડ્રાઇવરને યુવતીએ જાહેરમાં તો ઝાટકી નાખ્યો, સાથે સાથે તેણે આ કિસ્સો સોશિયલ સાઇટ પર શેર કર્યો અને હોબાળો મચી ગયો. યુવતીની ગુસ્સામાં રાતીચોળ પોસ્ટને આશરે 1700થી વધુ લોકોએ પસંદ કરી છે અને હજારો લોકોએ યુવતીને બિરદાવી છે, જે સમાજ અંગે શુભ સંકેતો આપે છે.

ગત 24મી એપ્રિલ અને રવિવારની બપોરની ઘટના છે. બેંગલુરુમાં રહેતી ઐશ્વર્યા સુબ્રહ્મણ્યન નામની પત્રકાર યુવતી શ્રીકાંત નામના ડ્રાઇવરની ઑટોરિક્ષામાં બેસીને પોતાના ઘરે આવે છે. રિક્ષાભાડું 40 થતું હોય છે, પણ તે આવા કાળા તકડામાં પોતાને સહીસલામત પહોંચાડવા બદલ ખુશ થઈને 50 રૂપિયાની નોટ આપી દે છે. પેલો રિક્ષાવાળો દોઢડાહ્યો થાય છે કે તમારી જેવી યુવતીએ આવાં અભદ્ર કપડાં પહેરીને ઘરબહાર ન નીકળવું જોઈએ. પેલી યુવતી સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે તમે તમારા ભાડાથી મતલબ રાખો, મારાં વસ્ત્રોની વાત કરવી રહેવા દો, પણ પેલા ભાઈ તો છાલ છોડતા નથી અને યુવતીઓએ આવાં વેશ્યા જેવાં વસ્ત્રો ન પહેરવાં જોઈએ, એવી ફિલોસોફી ઝાડવા બેસી જાય છે. જોવાની વાત છે કે રિક્ષાવાળા અને યુવતીની ચર્ચામાં આજુબાજુના લોકો પણ જોડાય છે. યુવતીને સારું લાગે, માફક આવે, યોગ્ય  લાગે તે પહેરે, એમાં આપણે પડવાનું ન હોય - એવી રિક્ષાવાળાને સલાહ આપવાને બદલે બધા તેનો પક્ષ ખેંચે છે! યુવતીને ભારોભાર શરમ આવે છે, પોતાનાં વસ્ત્રો પર નહીં, પોતે જે સમાજ વચ્ચે જીવી રહી છે, એના પર. તે વધુ કશું બોલતી નથી, પણ રિક્ષાવાળાની તસવીરો લે છે અને આ કિસ્સાને ફેસબુક પર મૂકવાની ચીમકી આપે છે. રિક્ષાવાળો ત્યારે પણ બિન્ધાસ્ત રહીને કહે છે, જરૂર મૂકજો, તમારા કરતાં મારી વાતને સમર્થન આપનારા વધુ મળી રહેશે! આવા લોકોનો વિશ્વાસ આપણે ખોટો પાડવો રહ્યો.

આપણે ત્યાં પોષાકની બાબતે ખાસ કરીને સ્ત્રીઓ હંમેશાં શોષાતી આવી છે. તેમણે શું પહેરવું અને શું ન પહેરવું, પુરુષપ્રધાન સમાજ નક્કી કરતો આવ્યો છે. ધર્મ-સંસ્કૃતિથી લઈને મર્યાદાના નામે સ્ત્રીને પોતાનાં ઇચ્છિત-અનુકૂળ વસ્ત્રો પહેરવાની પણ સ્વતંત્રતા હોતી નથી. ધર્મસ્થળોમાં પણ માત્ર યુવતી-સ્ત્રીઓ માટે જિન્સ પહેરીને ન આવવું, ફલાણું પહેરવું-ઢીંકણું ન પહેરવું, એવી વાતો 'હુકમથી' લખાતી હોય છે. વસ્ત્રો શોખની વસ્તુ હોઈ શકે, પણ જ્યારે તે શેખીનો (ફેશનનો) કે સંસ્કૃતિના રક્ષણનો મુદ્દો બની જાય ત્યારે અનેક સમસ્યાઓ પેદા થાય છે અને તે મોટાભાગે સ્ત્રીઓએ સહેવી પડે છે. ફરજિયાત બુરખો પહેરવાની વાત હોય કે લાજ કાઢવાની પ્રથા હોય, બધું જ્યારે સ્ત્રીઓ પર થોપવામાં આવે છે ત્યારે નિંદનીય બની જાય છે.
કોણે શું પહેરવું શું ન પહેરવું, જે તે વ્યક્તિનો અધિકાર છે. વ્યક્તિગત સ્વતંત્રતાના પાયા પર આપણી લોકશાહી વ્યવસ્થા ઊભી છે, ભૂલવું ન જોઈએ. કોણે કેવાં કપડાં પહેરવાં આપણે નક્કી કરવાનું ન હોય, એટલો વિવેક તો આપણે સૌએ કેળવવો પડશે. વસ્ત્રો અને ખાસ કરીને મહિલાઓનાં વસ્ત્રો બાબતે આપણો સમાજ બહુ વહેમીલો છે. અમુક પ્રકારનાં વસ્ત્રો પહેરતી સ્ત્રીઓને લોકો ચરિત્રહીન ગણી લેતા હોય છે, આનો કોઈ ઇલાજ ખરો?

(‘દિવ્ય ભાસ્કર’ની 4 મે, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ. યુવતીની પોસ્ટ તમે ફેસબુક પર તેની વૉલ ઉપરાંત આ લિંક - http://www.dailymail.co.uk/femail/article-3559292/Woman-exposes-men-slut-shamed-wearing-summer-dress.html પરથી વાંચી શકો છો.)

No comments:

Post a Comment