Wednesday, January 24, 2018

વ્યક્તિ-વૃક્ષ ભાઈ-ભાઈનો સંદેશો

દિવ્યેશ વ્યાસ


સિક્કિમ નામનું ટચૂકડું રાજ્ય સમગ્ર રાષ્ટ્રને પ્રેરણા પૂરી પાડે છે કે પર્યાવરણ અને પ્રગતિ, બન્નેેને કઈ રીતે એકસાથે સાધી શકાય છે


(તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધીને મૂકેલી છે.)

સિક્કિમ ભારતનાં સૌથી નાનાં રાજ્યોમાં બીજા ક્રમે આવે છે. અંગૂઠા આકારનું કદ (નકશો) ધરાવનારું આ ટચૂકડું રાજ્ય છેલ્લાં કેટલાંક વર્ષથી એક પછી એક અણમોલ સિદ્ધિઓ હાંસલ કરતું રહ્યું છે. એક તો આ રાજ્ય નાનું છે, એમાં તેનો 35 ટકા વિસ્તાર તો કાંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવરી લેવાયો છે. દેશમાં સૌથી ઓછી (સવા છ લાખ કરતાં પણ ઓછી) વસ્તી ધરાવતું આ રાજ્ય જીડીપીની દૃષ્ટિએ પણ સૌથી નબળાં ત્રણ રાજ્યોમાંનું એક ગણાય છે. રાજ્યનું અર્થતંત્ર કૃષિ અને પ્રવાસન પર જ ટકેલું છે. રાજ્યનો સાક્ષરતા દર પણ બહુ વખાણવાલાયક નહીં, એટલો 82.6 ટકા છે. 32 વિધાનસભા બેઠકો ધરાવતા રાજ્યમાં લોકસભા અને રાજ્યસભાની પણ એક-એક બેઠક જ છે. 1975થી ભારત સાથે અધિકૃત રીતે જોડાનારા આ રાજ્યના લોકોએ રાજકીય અસ્થિરતા પણ બહુ જોઈ છે. આમ, આર્થિક અને રાજકીય દૃષ્ટિએ નાનું અને નબળું એવું આ રાજ્ય છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રગતિના પંથે ચાલી રહ્યું છે. ના, એણે રાતોરાત આર્થિક સમૃદ્ધિ હાંસલ કરી લીધી છે, એવું જરાય નથી. સિક્કિમે જે કંઈ પ્રગતિ કરી છે, તે ખરેખર પ્રેરણા આપે એવી છે. સિક્કિમે સમગ્ર દેશને જ નહીં, વિશ્વને બતાવ્યું છે કે પર્યાવરણ અને પ્રગતિ (કે વિકાસ કહો), એ બન્નેને એકસાથે કેવી રીતે સાધી શકાય.

મકરસંક્રાંતિના આગલા દિવસે જ સિક્કિમમાંથી સમાચાર જાણવા મળ્યા હતા કે સરકારે એક પરિપત્ર જાહેર કરીને લોકોને વૃક્ષ સાથે કાયમી નાતો બાંધવા માટે પ્રોત્સાહિત કર્યા છે. સરકારે રાજ્યની દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વૃક્ષને પોતાનાં ભાઈ કે બહેન, (સિક્કિમની સ્થાનિક ભાષામાં મિથ/મિત કે મિતિની) તરીકે દત્તક લેવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. સિક્કિમ રાજ્યના વન, પર્યાવરણ અને વન્યજીવ મંત્રાલય દ્વારા સિક્કિમ ફોરેસ્ટ ટ્રી (એમિટી એન્ડ રેવરન્સ) રૂલ્સ-2017 અનુસાર રાજ્યની કોઈ પણ વ્યક્તિ પોતાની માલિકીની કે જંગલની જમીન પરના વૃક્ષને પોતાના ભાઈ કે બહેન તરીકે દત્તક લઈ શકશે. કોઈ વ્યક્તિ વૃક્ષને પોતાના સંતાન તરીકે પણ દત્તક લઈ શકે છે. વૃક્ષને ભાઈ-બહેન બનાવવા કે સંતાન તરીકે દત્તક લેવા માટે એક સરળ ફોર્મ ભરીને સરકારી કચેરીમાં જમા કરાવવાનું રહેશે. સરકારી અધિકારી દ્વારા વ્યક્તિ અને વૃક્ષની ચકાસણી કરાયા પછી સરકારી ચોપડે એ વૃક્ષ અને વ્યક્તિનો સંબંધ નોંધાઈ જશે. ટૂંકમાં, વૃક્ષો હવે સિક્કિમના લોકોના પરિવારનો  હિસ્સો બની જશે.

આમ તો સિક્કિમના 47.80 ટકા વિસ્તારો પર વૃક્ષો છવાયેલાં છે, પરંતુ બદલાતા સમય મુજબ વૃક્ષોની જાળવણી કરવી જરૂરી બની છે. સિક્કિમે લોકોની સહભાગિતા સાથે વૃક્ષો-વનોની સંભાળ રાખવાની પહેલ કરી છે, જે સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી છે. સિક્કિમ દ્વારા રાજ્યમાં રહેલાં હેરિટેજ વૃક્ષોની જાળવણી માટે પણ કમર કસી છે.

સિક્કિમની અન્ય સિદ્ધિઓ જોઈએ તો તે સમગ્ર દેશનું પહેલું એવું રાજ્ય છે, જેણે 100 ટકા સ્વચ્છતા હાંસલ કરી છે તો વર્ષ 2016માં સિક્કિમ દેશનું પહેલું 100 ટકા સજીવ ખેતી કરનારું રાજ્ય પણ બની ગયું છે. આવી મોટી મોટી બે સિદ્ધિઓ હાંસલ કરીને તે ભારતભરમાં ચર્ચાનું કેન્દ્ર પણ બન્યું છે.

સિક્કિમમાં પ્લાસ્ટિકની પાણીની બોટલ તેમજ સ્ટીરોફોમની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આવાં પગલાં અને પ્રયાસોને કારણે સિક્કિમ દેશના સૌથી વધુ ઇકો-ફ્રેન્ડલી રાજ્ય તરીકે નામના મેળવતું જાય છે. ગ્લોબલ વૉર્મિંગ સહિતના પ્રદૂૂષણના પડકારો વચ્ચે સિક્કિમે એક નિરાળો માર્ગ ચીંધ્યો છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 24 જાન્યુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment