Wednesday, May 2, 2018

આંખના ઈશારાઓની ભાષા

દિવ્યેશ વ્યાસ


વિશ્વમાં પહેલીવાર ભારતમાં આંખોની ભાષા તૈયાર કરવામાં આવી છે. ‘બ્લિન્ક ટુ સ્પીક’ પુસ્તિકા વાચાહીનો માટે આશીર્વાદસમી છે


(બ્લિન્ક ટુ સ્પીક પુસ્તકનું એક પાન)

ગત ફેબ્રુઆરીમાં વેલેન્ટાઇન્સના દિવસોમાં પ્રિયા પ્રકાશ વરિયરનો આંખોના ઈશારા કરતો  એક વિડિયો જબરદસ્ત વાઇરલ થયો હતો. પ્રિયાના વિડિયો સાથે જ આંખના ઈશારાની ભાષા પણ ચર્ચામાં આવી હતી અને વાત છેક આપણાં પરંપરાગત નૃત્યોમાં આંખોના હાવભાવ સુધી પહોંચી હતી. માનવીના શરીરમાં તેની આંખો સૌથી વધારે બોલકી ગણાય છે. વ્યક્તિ જ્યારે કશું છુપાવવા માગતી હોય ત્યારે તે સામેવાળાથી પોતાની નજરો છુપાવતી હોય છે, કારણ કે આંખોમાં તમે તમારા ભાવ-લાગણીઓને છુપાવી શકતા નથી. ગુજરાતીમાં આંખોને લગતી અનેક કહેવતો પણ છે, જેનાથી ખ્યાલ આવે છે કે સંવાદ સાધવામાં કે સંદેશા પાઠવવામાં આંખોની કેટલી મોટી ભૂમિકા હોય છે.

સંદેશાવ્યવહારમાં આંખોની અસરકારકતાને ધ્યાનમાં રાખીને જ વાચાહીન લોકો માટે આંખોના ચોક્કસ ઈશારા થકી ચોક્કસ પ્રકારનો સંદેશો પહોંચાડવા માટે એક નવી જ ભાષા ઘડવામાં આવી છે. ભારત માટે ગૌરવ લેવા જેવી વાત એ છે વિશ્વની પહેલી આંખ-ભાષા આપણા દેશમાં તૈયાર કરવામાં આવી છે. કેટલાકને સવાલ થઈ શકે કે મૂકબધિર લોકો માટે આપણે ત્યાં હોઠ, આંખો અને હાથના ઈશારાની ભાષા તો છે જ તો પછી આ આંખ-ભાષાની જરૂરિયાત શું છે? આ ભાષા ખાસ કરીને બ્રેઇન સ્ટ્રોક કે સ્પાઇનલ કોડની ઈજાઓને કારણે લકવાગ્રસ્ત સ્થિતિમાં આવી ગયા પછી બોલવા માટે સક્ષમ રહ્યા નથી, એવા લોકો માટે વિકસાવવામાં આવી છે. વળી, આ ભાષા એમિયોટ્રોફિક લેટરલ સ્કલરોસિસ (ALS)અને મોટર ન્યૂટ્રોન ડિસીઝથી (MND) પીડાતા લોકો માટે પણ આશીર્વાદસમી છે. આ બધી બીમારીઓમાં સાજીસારી વ્યક્તિ અચાનક પોતાની વાચા ગુમાવી બેસે છે. હાથ-પગ પણ જ્યારે પેરેલાઇઝ્ડ થઈ ગયા હોય ત્યારે ઈશારો કરવા પણ સક્ષમ હોતા નથી. આવા લોકો માટે વધીને આંખના હાવભાવ થકી સંદેશો આપી શકે, પરંતુ તેઓ એક હદથી વધારે પોતાની વાત કરી શકતા નથી. આંતરરાષ્ટ્રીય એડ એજન્સી TBWA Indiaમાં ક્રિએટિવ ડિરેક્ટર તરીકે કાર્યરત ગીત રાઠીને એએલએસથી પીડિત વ્યક્તિના સંપર્કમાં આવવાનું બન્યું અને તેને વિચાર આવ્યો કેે આંખોના ચોક્કસ ઈશારા થકી ચોક્ક્સ સંદેશા પહોંચાડવા માટે નવી જ આંખ-ભાષા વિકસાવવામાં આવે તો આવા દર્દીઓનું જીવન થોડુંઘણું આસાન થઈ શકે. આ ઉત્સાહી યુવતીએ પોતાનો વિચાર કંપનીના સાથીઓ સમક્ષ રજૂ કર્યો અને તેમણે આંખ-ભાષા વિકસાવવાનો મનસૂબો ઘડ્યો અને આર્શિયા જૈન વગેરે સાથીઓના સહયોગથી પાર પણ પાડ્યો. તેમણે દર્દીઓ, ડૉક્ટર્સ, સારવાર-સંભાળ કરનારા કર્મચારીઓ, દર્દીનાં સગાંસંબંધીઓ સાથે વાતચીતો - ચર્ચાઓ કરીને આંખના એવા પચાસથી વધારે ઈશારા નક્કી કર્યા, જેના થકી દર્દી અને સારવારકર્તા કે સંબંધી વચ્ચેનો વ્યવહાર આસાન થાય.

આંખને પટપટાવી શકાય, એક આંખ બંધ-ખોલ કરી શકાય, આંખની કીકીઓને ડાબે-જમણે કે ઉપર-નીચે લઈ જઈ શકાય છે, કીકીઓને ગોળ ગોળ ફેરવી શકાય. આંખના આવા ઈશારાને જ આંખ-ભાષાના આલ્ફાબેટ્સ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા છે. વ્યક્તિ એક સાથે એક કે એકથી વધુ ઈશારા કરીને પોતાની વાત જણાવી શકે છે. ઉદાહરણ તરીકે, વ્યક્તિ એક વાર આંખ પટપટાવે તો ‘હા’ સમજવાનું અને બે વાર પટપટાવે તો ‘ના’. વ્યક્તિ સતત ત્રણ વખત આંખ પટપટાવીને તેને સારું છે, એમ જણાવી શકે અને આંખની કીકીને પહેલા ડાબી તરફ પછી જમણી તરફ લઈને જો આંખ એક વખત પટપટાવે તો તેને સારું નથી લાગતું, એવું જણાવી શકે છે. આંખ એક વાર પટપટાવીને કીકી જમણી તરફ ફેરવીને ડૉક્ટરને બોલાવવાનું કહી શકે છે... આવા તો પચાસ ઈશારા નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અંગ્રેજીના દરેક મૂળાક્ષર (આલ્ફાબેટ) માટે પણ આંખના જુદા જુદા ઈશારા નક્કી કરાયા છે, જેનાથી વ્યક્તિ પોતાની વાત રજૂ કરી શકે છે.

દર્દીઓ અને ડૉક્ટર સહિતના તેમને સંભાળનારા લોકોને આંખ-ભાષા શીખવતી એક પુસ્તિકા ‘બ્લિન્ક ટુ સ્પીક’ તાજેતરમાં જ પ્રકાશિત કરવામાં આવી છે. આશા એક હોપ ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થા તથા ન્યૂરોજેન બ્રેઇન એન્ડ સ્પાઇન ઇનસ્ટિટ્યૂટ દ્વારા આ પુસ્તિકાનું પ્રકાશન કરવામાં આવ્યું છે. સૌથી સારી વાત એ છે કે આ પુસ્તિકા તમે પીડીએફ સ્વરૂપે ફ્રીમાં ઇન્ટરનેટ (http://www.ashaekhope.com/pdf/blink-to-speak.pdf) પરથી ડાઉનલોડ કરી શકો છો. સંસ્થા ભારતની તમામ ભાષાઓમાં આ માર્ગદર્શક પુસ્તિકાની આવૃત્તિ કરવા માગે છે.

વ્યક્તિની વાચા હણાઈ જાય ત્યારે તે જાણે લાચાર સ્થિતિમાં મુકાઈ જાય છે, પરંતુ આશા રાખીએ આ નવી આંખ-ભાષા તેમના જીવનને આસાન બનાવશે.

(દિવ્ય ભાસ્કરની 2જી મે, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment