Tuesday, June 28, 2016

તમે નરસિંહ રાવને ઓળખો તો છોને?

દિવ્યેશ વ્યાસ


28 જૂન, 1921ના રોજ જન્મેલા પી.વી. નરસિંહ રાવનો આજે જન્મ દિવસ છે, પણ ભાગ્યે જ તેમનો જન્મ દિવસ કે પુણ્ય તિથિ મનાવાતી હોય છે. આવું શા માટે?



(નરસિંહ રાવનું આ સુંદર ચિત્ર www.kostalife.com પરથી લેવામાં આવ્યું છે.)


આઝાદી પછી ભારતને મળેલા શક્તિશાળી, વ્યવહારુ અને ટ્રેન્ડસેટર ગણાય એવા વડાપ્રધાનોમાં પી.વી. નરસિંહ રાવનો અચૂક સમાવેશ કરવો પડે, પણ દેશના આ દસમા વડાપ્રધાનની પીએમ પદેથી ઊતર્યા પછી એવી દશા બેઠી કે જાહેરજીવનમાં ભાગ્યે જ તેમનો નામોલ્લેખ કરવામાં આવે છે. તમે જ યાદ કરો નરસિંહ રાવનો જન્મદિવસ કે પુણ્યતિથિ કોઈ દ્વારા મનાવવામાં આવી હોય, તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હોય એવું ક્યારેય સાંભળ્યું કે જોયું છે? કપરા સંજોગોમાં કૉંગ્રેસને નેતૃત્વ પૂરું પાડવા ઉપરાંત કૉંગ્રેસની લઘુમતી સરકારને પૂરાં પાંચ વર્ષ ટકાવવાની સાથે સાથે તેમના નેતૃત્વમાં આપણા દેશે જે આર્થિક અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં હરણફાળ ભરી હોવા છતાં ખુદ કૉંગ્રેસ પક્ષ દ્વારા પણ ભાગ્યે જ તેમને સન્માનપૂર્વક યાદ કરવામાં આવ્યા છે. હા, વર્તમાન એનડીએ સરકારે તેમના યોગદાનની કદર કરીને નવી દિલ્હીમાં તેમનું સ્મારક બનાવવાનો નિર્ણય ગયા માર્ચ મહિના (2015)માં કર્યો છે, એ આવકાર્ય બાબત છે. બાકી નરસિંહ રાવ તો સાવ ભુલાઈ ગયા હતા. યોગ્યતા અને યોગદાન છતાં નરસિંહ રાવની તેમના જ પક્ષ અને તેમના પક્ષની સરકાર દ્વારા પણ શા માટે અવગણના કરવામાં આવે છે, તે સંશોધનનો વિષય છે. નરસિંહ રાવ જ નહીં પણ કૉંગ્રેસના જ અન્ય મોટા નેતાઓ જેમ કે, લાલ બહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈની પણ દેશમાં ભારે અવગણના થઈ છે, એ યાદ આવ્યા વિના રહેતું નથી.

ખેર, આજે નરસિંહ રાવનો જન્મદિવસ છે, ત્યારે કડવી વાસ્તવિકતાની લાંબી ચર્ચા કરવાને બદલે દેશના વિકાસમાં તેમણે આપેલા નોંધનીય પ્રદાન અને યોગદાનની નોંધ લઈને તેમનું સ્મરણ કરી લેવાની તક ચૂકવા જેવી નથી.

૨૮ જૂન, ૧૯૨૧ના રોજ હાલના તેલંગણા રાજ્યના વારંગલ જિલ્લાના લાકિનેપલ્લી ગામમાં તમિલ બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમણે કાયદાશાસ્ત્રમાં પારંગતની પદવી (માસ્ટર ડિગ્રી) મેળવી હતી. કાયદાના અભ્યાસ પછી વ્યવસાયે વકીલાત કરનારા નરસિંહ રાવ બહુ ઓછું બોલનારા વડાપ્રધાન તરીકે જાણીતા બનેલા. જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ પોતાની માતૃભાષા તેલુગુ ઉપરાંત મરાઠી, હિન્દી, ઓરિયા, બંગાળી, તમિલ અને ઉર્દૂ જેવી કુલ સાત ભારતીય ભાષા પર કમાંડ ધરાવતા હતા. એટલું જ નહીં તેઓ અંગ્રેજી, ફ્રેન્ચ, અરેબિક, સ્પેનિશ, જર્મન અને ફારસી જેવી વિદેશી ભાષામાં પણ ધાણીફૂટ બોલી શકતા હતા. જોકે, તેમણે વડાપ્રધાન તરીકે કે પછી વડાપ્રધાન પદ છોડયા પછી પણ ભાગ્યે બોલવાનું પસંદ કર્યું હતું, કારણ કે તેઓ બોલવામાં નહીં કામ કરવામાં માનનારા નેતા હતા.

નરસિંહ રાવ વડાપ્રધાન બન્યા એ પહેલાં તેમણે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારોમાં ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય તથા વિદેશ મંત્રાલય જેવાં મહત્ત્વપૂર્ણ મંત્રાલયોમાં ફરજ બજાવી હતી. એટલું જ નહીં તેમણે દોઢેક વર્ષના ટૂંકા ગાળા માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી અને જમીન મર્યાદા કાયદાનું સખત પાલન કરાવીને સામાન્ય લોકોને જમીન અપાવી હતી. તેમના આ યોગદાનને આજે પણ યાદ કરવામાં આવે છે.

નરસિંહ રાવને વડાપ્રધાનનું પદ આકસ્મિક રીતે મળી ગયું હતું. તેમણે રાજકીય સંન્યાસ લેવાનું નક્કી કરી લીધેલું, પરંતુ રાજીવ ગાંધીની હત્યા બાદ કૉંગ્રેસની સરકારને સંભાળવાની જવાબદારી તેમના માથે આવી પડી અને તેઓ કૉંગ્રેસની લઘુમતી સરકારના વડાપ્રધાન બની ગયા. એ રીતે નરસિંહ રાવ પણ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર જ હતા. ૨૧ જૂન, ૧૯૯૧થી ૧૬ મે, ૧૯૯૬ દરમિયાન દસમા વડાપ્રધાન તરીકે કામ કરવું આસાન નહોતું. એક તરફ સરકાર પાસે પૂરતી બહુમતી નહોતી તો બીજી તરફ દેશ આર્થિક સંકટોથી ઘેરાયેલો હતો, પરંતુ નરસિંહ રાવે બ્રિલિયન્ટ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહને દેશના નાણા મંત્રાલયનું સુકાન સોંપ્યું અને વિરોધી પક્ષોના (ભાજપ અને ડાબેરીઓના) આકરા વિરોધ છતાં આર્થિક સુધારા અમલી બનાવીને દેશને વિકાસના પંથે આગળ ધપાવ્યો હતો. આર્થિક ઉપરાંત વિદેશ સંબંધોની બાબતમાં પણ નરસિંહ રાવે એક વડાપ્રધાન તરીકે ખાસ્સું મોટું યોગદાન આપ્યું છે. અયોધ્યામાં બાબરી ધ્વંસ વખતે તેમની શંકાસ્પદ ભૂમિકાને કારણે કૉંગ્રેસ નેતૃત્વ તેમનાથી અંતર રાખતું હોવાનું ચર્ચાય છે, પરંતુ કોઈ એક વિવાદાસ્પદ બાબત માટે વ્યક્તિનું સમગ્ર યોગદાન અવગણવું એ ક્યાંનો ન્યાય? આશા રાખીએ ઇતિહાસ નરસિંહ રાવને અન્યાય નહીં કરે!

(‘સંદેશ’ની 28મી જૂન, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment