Wednesday, June 1, 2016

હેલન કેલરની હૃદયસ્પર્શી વાતો

દિવ્યેશ વ્યાસ


હેલન કેલરની પુણ્યતિથિ નિમિત્તે તેમના કેટલાક હૃદયસ્પર્શી વિચારોને સંભારી લેવાની તક ઝડપવી જોઈએ


(તસવીર ગૂગલ પરથી મેળવી છે)

આજે પહેલી જૂનના રોજ હેલન કેલરની પુણ્યતિથિ છે. 1968માં હેલનબહેને 87 વર્ષનું આયુષ્ય ભોગવીને હસતાં મોંએ દુનિયાની વિદાય લીધી હતી, પરંતુ તેમનાં જેવા પ્રેરક વ્યક્તિત્વનું જવું દુનિયાના લાખો લોકો માટે દુ:ખદાયક હતું. હેલન કેલર એક એવી વ્યક્તિ હતી, જેમના પ્રત્યેનો આદર અને અહોભાવ તેમના મૃત્યુનાં આટલાં વર્ષો પછી પણ ટકી રહ્યો છે. નાની વયે આંખો અને કાન ગુમાવનારાં હેલને એવું જીવન જીવી બતાવ્યું હતું, જેે સમગ્ર વિશ્વના પ્રજ્ઞાચક્ષુ અને મૂક-બધીર લોકો માટે પ્રેરણાસ્રોત બની રહ્યું છે. આજે પણ હેલન કેલર અનેક વિકલાંગ લોકો માટે રોલ મૉડલ તરીકે વિખ્યાત છે.
હેલન કેલરનાં શિક્ષિકા એની સુલિવને તેમના વ્યક્તિત્વ ઘડતર અને વિકાસમાં સિંહફાળો આપ્યો હતો અને શિક્ષક ક્યારેય સાધારણ ન હોઈ શકે, એ વાત પશ્ચિમમાં પણ પુરવાર કરી હતી. હેલને શિક્ષણ મેળવ્યું અને આગળ જતાં સાહિત્યકાર અને વક્તા તરીકે બહુ નામના મેળવેલી. આજે હેલનની પુણ્યતિથિ છે ત્યારે તેમના કેટલાક હૃદયસ્પર્શી વિચારોને સંભારી લેવાની તક ઝડપવી જોઈએ.

હેલન કેલરનું એક હૃદયસ્પર્શી ક્વૉટ છે, ‘દુનિયાની સૌથી ખૂબસૂરત વસ્તુઓ ન જોઈ શકાય છે અને ન સ્પર્શી શકાય, તેને તો બસ દિલથી મહેસૂસ કરી શકાય છે.’ આ એક જ વાક્ય વિકલાંગ અને સામાન્ય વ્યક્તિ વચ્ચેનો ભેદ ઓગાળી નાખવા પૂરતું છે. ખરેખર સૌથી ખૂબસૂરત વસ્તુને તો દિલથી મહેસૂસ જ કરી શકાતી હોય છે. આમેય અદ્્ભુત પ્રકારના અહેસાસ માટે ચર્મચક્ષુઓ કે અન્ય ઇન્દ્રિયો વામણા પુરવાર થતા હોય છે.

ટીમ વર્કની વાતો કરનારાઓથી માંડીને રાષ્ટ્રીય એકતા માટે ચિંતા કરનારાઓને ગમે એવું હેલન કેલરનું એક જાણીતું વાક્ય છે, ‘આપણે એકલા તો કેટલું ઓછું હાંસલ કરી શકીએ, પણ એકસાથે હોઈએ તો કેટલું બધું હાંસલ કરી શકાય છે.’ સાથે રહેવાથી, સંગઠિત રીતે મથવાથી આપણી શક્તિ અનેક ગણી વધી જતી હોય છે. મોટાં લક્ષ્યો હાંસલ કરવાં હોય ત્યારે ‘સબ કા સાથ’ વિના ચાલતું નથી.

હેલન કેલરે બીજી એક સુંદર વાત કરેલી, ‘વિજ્ઞાને કદાચ તમામ દુશ્મનો પર વિજય હાંસલ કરી લીધો હોય, પરંતુ સૌથી ખતરનાક શત્રુ આજે પણ અવિજિત છે અને એ છે - મનુષ્યની ઉદાસીનતા’ કેટલી મોટી વાત છે! ઓશો રજનીશ હંમેશાં કહેતા કે પ્રેમનો વિરોધી શબ્દ ઘૃણા કે નફરત નથી, પરંતુ ઉદાસીનતા છે. આ શબ્દ આપણને ભાગ્યે સમજાતો હોય છે, જ્યાં કશું કરવાનો ઉત્સાહ સાવ શૂન્ય હોય ત્યાં ઉદાસીનતા હોય છે અને પ્રેમ એવું તત્ત્વ છે, જે તમારામાં ઉત્સાહનો સંચાર કરતું હોય છે. તમારો ઉત્સાહ ત્યારે જ ઠંડો પડે જ્યારે પ્રેમ ઘટતો હોય છે. આમ, ઉદાસીનતાને કારણે જ આપણી સક્રિયતા ઘટતી હોય છે. દુનિયાને પ્રેમ કરનારા દુનિયા માટે કંઈક કરી છૂટવા તૈયાર હોય છે, પરંતુ ઉદાસીન વ્યક્તિ તો ખુદ પોતાના માટે પણ કંઈ વિચારવા માગતી હોતી નથી.

લોકોની સેવામાંથી જ ખરો આનંદ મળતો હોય છે. હેલન કેલરે એક સરસ વાત કરેલી કે, ‘આપણને સાચી ખુશી ત્યાં સુધી નથી મળતી જ્યાં સુધી આપણે અન્યની જિંદગીમાં આનંદ-ખુશી લાવવાની કોશિશ નથી કરતા.’

અહીં નોંધનીય છે કે હેલન કેલરે અભ્યાસની સાથે સાથે મહાન લોકોનાં પુસ્તકો વાંચ્યાં હતાં, જેમાં મહાત્મા ગાંધી અને ટાગોરનો પણ સમાવેશ થાય છે. હેલન કેલરથી જવાહરલાલ પણ પ્રભાવિત હતાં.
માર્ક ટ્વેઇને હેલન કેલરને દુનિયાનું સૌથી મોટું સર્ટિફિકેટ આપતાં કહેલું, ‘19મી સદીના બે સૌથી
રસપ્રદ મહાનુભાવ છે - નેપોલિયન અને હેલન કેલર’. ખરે જ બન્ને લડવૈયા હતા. હેલન કેલરે જે લડાઈ લડેલી એ કદાચ નેપોલિયનની લડાઈ કરતાં પણ મહાન હતી. તમે શું માનો છો?

(‘દિવ્ય ભાસ્કર’ની 1 જૂન, 2015ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment