Wednesday, June 8, 2016

બિરસા મુંડાની ખરી મુક્તિ

દિવ્યેશ વ્યાસ


બિરસા મુંડાની ખરી મુક્તિ દેશના વનવાસીઓના રોજિંદા સંઘર્ષના સકારાત્મક અંતમાં છે


(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

કાલે 9મી જૂન છે, અંગ્રેજો સામે અન્યાય વિરુદ્ધ લડનારા વિરલ યોદ્ધા બિરસા મુંડાની પુણ્યતિથિ. તમે નોંધજો એકેય અખબારમાં બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપતી આખા પાના તો ઠીક અરધા કે પોણા પાનાનીય જાહેરખબર જોવા નહીં મળે! (ઝારખંડ અપવાદ હોઈ શકે) બની શકે કે ઘણા વાચકોને બિરસા મુંડા નામ પણ અજાણ્યું લાગ્યું હોય. આમાં સામાન્ય વાચકોનો કોઈ વાંક નથી, આપણે ત્યાં ઇતિહાસ લેખનમાં પણ ધરાર ભેદભાવ અને પૂર્વગ્રહો રખાતા હોય છે. અંગ્રેજો સામે લડનારા યોદ્ધાઓમાં સુપરહીરોની કક્ષાના બિરસા મુંડાનું નામ તમને આઝાદીની લડાઈના લેખો-પુસ્તકો-કાર્યક્રમોમાં ભાગ્યે જ વાંચવા-સાંભળવા મળશે. શું તેમનો એટલો જ વાંક હતો કે તેમણે શહેરી અને ઉજળિયાત વર્ગ માટે નહીં પણ અંતરિયાળ વિસ્તારમાં વસતા વનવાસીઓના અધિકાર માટે શહીદી વહોરી હતી? માત્ર 25 વર્ષની વયે અંગ્રેજોની જેલમાં જ શહીદી પામનારા આ ઐતિહાસિક વીરને આપણે વીસરી ગયા છીએ, એ આપણી જ કમનસીબી છે અને એના પાપે જ આપણે ફાલતુ અને ભ્રષ્ટ લોકોને વીર તરીકે બિરદાવવા પડે છે!


ગયા સપ્તાહે બિરસા મુંડા સમાચારોમાં ચમક્યા હતા. ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો કે બિરસા મુંડાની પ્રતિમાઓ બેડીઓથી મુક્ત થવી જોઈએ. ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું હતું કે બેડીઓથી જકડાયેલી બિરસા મુંડાની પ્રતિમાઓ અંગ્રેજોની ગુલામીની પ્રતીક છે, જેનાથી આજની યુવા પેઢીની મનોભાવના પર ખરાબ અસર પડી શકે છે. એટલે બેડીઓમાં જકડાયેલા બિરસા મુંડાની તસવીરો અને પ્રતિમાઓને તત્કાળ હટાવી દેવામાં આવશે. બિરસા મુંડાના મૃત્યુના આશરે 116 વર્ષ પછી તેમની પ્રતિમાઓને બેડીઓથી મુક્ત કરવામાં આવશે, એ ચોક્કસ આવકાર્ય ઘટના છે. જોકે, વિચારવાનો અને શરમજનક મુદ્દો એ છે ઇતિહાસના આ અવગણાયેલા વીરની પ્રતિમાઓને બેડીઓથી મુક્ત કરવાનો વિચાર આપણને આઝાદીના સાત દાયકા પછી આવ્યો છે!

જોકે, મૂળ મુદ્દો એ છે કે શું મૂર્તિઓની બેડીઓ હટાવી દેવા માત્રથી બિરસા મુંડાને મુક્તિ મળી જશે? શું બિરસા મુંડાનું આદિવાસીઓની શોષણમુક્તિનું સપનું પૂરું થઈ જશે? આજે પણ આપણે ત્યાં આદિવાસીઓની સ્થિતિ એટલી બદતર છે કે તેઓ પોતાના મૂળભૂત અધિકારો માટે પણ હથિયાર ઉપાડવા મજબૂર છે. આપણે નક્સલવાદની સમસ્યાના સમાચાર વાંચીએ કે સાંભળીએ છીએ ત્યારે આપણને આ સમસ્યાનાં મૂળ અંગે ભાગ્યે જ અંદાજ હોય છે. આઝાદીના સાત દાયકા પછી પણ દેશના આદિવાસીઓને મુખ્યધારામાં સમાવી શકાયા નથી, ઊલટું ખાણમાફિયાઓ અને શોષણખોરો દ્વારા તેમની જિંદગી હરામ થઈ રહી છે, એ શરમજનક હકીકત છે.

આદિવાસી સમાજમાં ‘ધરતીબાબા’ તરીકે પૂજાતા બિરસા મુંડાએ અંગ્રેજોની જળ, જમીન અને જંગલમાં ખોટી દખલ અને દાદાગીરી સામે સંઘર્ષ માંડ્યો હતો. બિરસાના નેતૃત્વમાં 1897થી 1900 દરમિયાન મુંડાઓ અને અંગ્રેજી સૈનિકો વચ્ચે અનેક નાની-મોટી લડાઈઓ થઈ હતી અને મુંડાઓએ અનેક લડાઈ જીતી હતી. અંગ્રેજોની બંદૂકો અને તોપો સામે વિષયુક્ત તીરોથી તેમણે શૌર્યપૂર્ણ સંઘર્ષ કર્યો હતો. બિરસાએ માત્ર અંગ્રેજો સામે જ નહિ, સામંતી અને જમીનદારી પ્રથાને કારણે થતાં આદિવાસીઓના શોષણ સામે પણ સંઘર્ષ આદર્યો હતો. બિરસાના ‘ઉલગુલાન’ (ભારે કોલાહલ અને ઊથલપાથલ) આંદોલનનો અંત 3 ફેબ્રુઆરી, 1900ના રોજ તેમની ચક્રધરપુરમાં થયેલી ધરપકડ બાદ આવ્યો હતો. 9મી જૂન, 1900ના રોજ માંડ 25 વર્ષના બિરસાને રાંચીની જેલમાં જ શહીદી પ્રાપ્ત થઈ હતી. કહેવાય છે કે તેમને અંગ્રેજોએ ધીમું ઝેર આપ્યું હતું.

ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને આજે ભગવાન તરીકે પૂજવામાં આવે છે. બિરસા મુંડાની ખરી મુક્તિ ઇચ્છતા હોઈએ તો દેશના આદિવાસીઓને શોષણમુક્ત કરવા પડશે, તેમને તેમના અધિકારો સોંપવા પડશે. તેમને સન્માનપૂર્ણ-ભેદભાવમુક્ત જીવન જીવવાની તક આપવી પડશે. શું આ માટે આપણે પ્રતિબદ્ધ છીએ?

(‘દિવ્ય ભાસ્કર’ની 8 જૂન, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment