Showing posts with label આદિવાસી. Show all posts
Showing posts with label આદિવાસી. Show all posts

Wednesday, April 12, 2017

‘ધરમરાજ’ માટે લડનારા નાયકો

દિવ્યેશ વ્યાસ


સત્તા સામે લડવું આસાન નથી હોતું ત્યારે દોઢસો વર્ષ પહેલાંનો આદિવાસી નાયક સમુદાયનો સંઘર્ષ જુસ્સાપ્રેરક છે

(ડૉ. અરુણ વાઘેલાના પુસ્તક ‘વિસરાયેલા શહીદો’ માટે દીપકભાઈ રાઠોડે દોરેલાં ચિત્રો)

ઇતિહાસ આપણી મહામૂલી મૂડી છે. આપણા દાદા-પરદાદાઓનાં લોહી અને પરસેવામાંથી ઘડાયેલા ઇતિહાસની સંપત્તિનો ઉપયોગ આપણે અહંકારને પોષવા માટે કરવો છે કે અક્કલને વધારવા માટે, એનો નિર્ણય આપણે જ કરવાનો છે. ઇતિહાસ આપણામાં જુસ્સો પણ વધારી શકે અને અધકચરી સમજ સાથે જાણ્યો હોય તો ગુસ્સો પણ વધારી શકે છે. આજે આપણા રાજ્યમાં જ રચાયેલા એક એવા ઇતિહાસની વાત કરવી છે, જે અન્યાય સામે લડવાનો આપણો જુસ્સો વધારી શકે એમ છે. પંચમહાલ જિલ્લાના નાયક આદિવાસીઓએ બ્રિટિશર્સ સામે લડેલા યુદ્ધ અને વહોરેલી શહીદીઓની કથા દરેક ગુજરાતીએ જાણવી જ જોઈએ. આ ઇતિહાસની વાત માંડવાનું એક કારણ એ છે કે તેનાથી મોટાભાગના ગુજરાતીઓ અજાણ છે અને બીજું કારણ એ છે કે આગામી 16મી એપ્રિલના રોજ આ શહાદતની ઐતિહાસિક ઘટનાને 149 વર્ષ પૂરાં થશે અને શૌર્યવાન શહીદીનું 150મું વર્ષ પ્રારંભાશે.

શૌર્યપૂર્ણ સંઘર્ષની વાત કરતા પહેલાં આપણે નાયક શબ્દને સમજી લેવો જોઈએ: નાયક એટલે મુખિયો, નેતા (લીડર), માર્ગદર્શક, સેનાપતિ (કમાન્ડર), કથા-નાટક-ફિલ્મનો હીરો વગેરે અર્થો થતા હોય છે. પંચમહાલમાં વસતો નાયક નામનો આદિવાસીનો સમૂહ પોતાના નામ મુજબના તમામ ગુણો ધરાવે છે. લડાયક મિજાજ ધરાવતા નાયક આદિવાસીઓના વડવાઓનો શૌર્યપૂર્ણ ઇતિહાસ રહ્યો છે. ભારતમાં મોગલો વિસ્તર્યા અને અંગ્રેજો ફાવ્યા એમાં આપણી વિભાજિત સમાજવ્યવસ્થા અને નબળી રાજવ્યવસ્થા મોટા પાયે જવાબદાર હતી. ઇતિહાસ જોઈએ તો શૌર્યપૂર્ણ લડત કરતાં તો શરણાગતિના કિસ્સા વધારે જોવા મળે છે. અંગ્રેજો વિરુદ્ધ ઈ.સ. 1857માં લડવામાં આવેલી આઝાદીની સૌપ્રથમ લડાઈનું નેતૃત્વ દેશના ગણ્યાગાંઠ્યા રાજાઓએ જ લીધું હતું. 1857ની લડાઈમાં ગુજરાતના રાજા-મહારાજાઓની ભૂમિકાની વાત જવા દઈએ, પણ નાયક આદિવાસીઓના સમુદાયે જબરી ઝીંક ઝીલી હતી, જેના તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે. નાયક સમુદાયના સંઘર્ષના ઇતિહાસને ડૉ. અરુણ વાઘેલાએ ‘વિસરાયેલા શહીદો’ નામના પુસ્તકમાં સવિસ્તાર વર્ણવ્યો છે. નાયક, નાયકા કે નાયકડા સમુદાય તરીકે જાણીતા આ આદિવાસી સમુદાયનું નેતૃત્વ લીધું હતું ડાંડિયાપુરના રહેવાસી રૂપસિંહ નાયકે. નારૂકોટ સંસ્થાનની ઝીંઝરી ગામની જાગીરના વારસ રૂપસિંહે તાત્યા ટોપેની લશ્કરી મદદ અને સ્થાનિક મકરાણી લડવૈયાઓનો સાથ મેળવીને હાલોલથી દેવગઢ બારિયા સુધીના વિસ્તારમાં આશરે એકાદ વર્ષ સુધી અંગ્રજોને નાકે દમ લાવી દીધો હતો. રૂપસિંહની આશરે પાંચ હજાર લડવૈયાઓની ફોજ તીરકામઠાં અને દેશી બંદૂકોથી અંગ્રેજોના વહીવટદારો અને પિઠ્ઠુઓને નિશાનો બનાવતા હતા. તેમની ધાક અને પ્રભાવ એટલાં વિસ્તર્યા હતાં કે તેમને નિયંત્રણમાં લેવા અંગ્રેજ અફસરો ઉપરાંત આજુબાજુનાં ત્રણ-ચાર રાજ્યોની સેના બોલાવવી પડી હતી. આખરે ભીલ સેનાની મદદથી રૂપસિંહ પકડાયો પણ હતો. રૂપસિંહે ચતુરાઈપૂર્વક માફી માગીને અંગ્રેજોની ચુંગાલમાંથી છટકી જવામાં સફળતા મેળવી હતી. આમ તો નાયક સમુદાયનો અંગ્રેજો સાથેનો સંઘર્ષ ઈ.સ. 1837થી ચાલ્યો આવતો હતો. જોકે, 1838 અને 1858માં કારણો અને સંજોગોને કારણે હથિયાર હેઠાં મૂકવાં પડ્યાં હતાં, છતાં નાયકોની અંદર આક્રોશ ભડભડતો રહ્યો હતો.

દરમિયાન ડેસર ગામના 30 વર્ષના યુવાન જોરિયા કાલિયા નાયકે ‘ભગત’ થઈને સમાજ-ધર્મ સુધારાનું એક આંદોલન શરૂ કરેલું. જોરિયા નાયક ધીમે ધીમે ઈશ્વરીય શક્તિનું પ્રતીક બની ગયા અને તેઓ સમગ્ર પંથકમાં જોરિયો પરમેશ્વર તરીકે જ ઓળખાવા જ નહીં, પૂજાવા લાગ્યા હતા. જોરિયો પરમેશ્વર અંગ્રેજો અને દેશી રજવાડાંઓની કાર્યપદ્ધતિ તથા વનવાસીઓના શોષણથી ભારે નારાજ હતા. તેમનું લક્ષ્ય હતું ‘ધરમરાજ’ની સ્થાપના કરવાનું, એમાં વળી ‘નાયકી રાજ’ માટે મથતા રૂપસિંહનો સાથ મળ્યો અને 1868માં નાયક આક્રોશનો ત્રીજો તબક્કો પ્રારંભાયો હતો. નાયક સમુદાયની સાથે બારિયા સહિતના અન્ય સમુદાયો પણ આ સંઘર્ષમાં જોડાયા હતા. ફેબ્રુઆરી-1868માં આ સંઘર્ષ ચરમસીમા પર હતો અને એક તબક્કો એવો પણ આવી ગયો હતો કે જાંબુઘોડા પંથકમાંથી અંગ્રેજરાજમાંથી મુક્તિ પણ મળી ગઈ હતી. જોકે, ઓક્ટોપસ જેવા અંગ્રેજોએ લશ્કરીબળે નાયક સમુદાયને કચડી નાખ્યો હતો અને રૂપસિંહ અને જારિયો પરમેશ્વર સહિતના નેતાઓને પકડી લીધા હતા. તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી ચલાવવા જાંબુઘોડા ખાતે ખાસ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી, જેણે 16મી એપ્રિલ, 1868ના રોજ જોરિયો પરમેશ્વર, રૂપસિંહ નાયક સહિત પાંચને ફાંસીની સજા, ભઈજી બારિયા સહિત 23 ક્રાંતિકારીઓને આજીવન કેદની સજા અને અન્ય 16 લડવૈયાઓને 3થી 7 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ લડત પછી અંગ્રેજોએ ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ અમલમાં મૂક્યો હતો, જેને સ્થાનિક ભાષામાં ‘ઢૂંઢીમારો’નો કાયદો કહેવામાં આવ્યો, કારણ કે તે અંતર્ગત નાયક આદિવાસીઓને શોધી શોધીને મારવાનું શરૂ થયું હતું.

અંગ્રેજોએ અને ઇતિહાસે તો આ નાયક આદિવાસી શહીદોને અન્યાય કર્યો છે, શું આપણે પણ તેમની શહીદીને વિસરાવીને અન્યાય જારી રાખીશું?

(‘દિવ્ય ભાસ્કર’ની 12મી એપ્રિલ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Friday, October 28, 2016

આવા 'પ્રકાશ' થકી જ સુધરી શકે દેશની દિવાળી

દિવ્યેશ વ્યાસ


આજે એક એવા માનવદીપકની વાત કરવી છે, જેણે પોતાનું પ્રકાશ નામ સાર્થક કરીને મહારાષ્ટ્રના એક અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં એવો ઉજાસ ફેલાવ્યો છે, જેનો ઝગમગાટ પાવક, પ્રેરક અને પ્રોત્સાહક છે


(તસવીર રીડિફ ડોટ કોમ પરથી મેળવી છે.)

દિવાળી એ અંધકાર પર અજવાળાના વિજયનો ઉત્સવ છે. દિવાળીના દિવસોમાં દીપ પ્રગટાવીને આપણે અંધકાર સામે ઝીંક ઝીલવાનો જુસ્સો દેખાડીએ છીએ. જો કે, દેશ અને સમાજમાં અખંડ દિવાળી લાવવી હોય તો અજ્ઞાન, અંધશ્રદ્ધા, અસમાનતા અને અન્યાયના અંધકાર સામે જંગ માંડવો પડે. આ જંગ પ્રતિબદ્ધ માનવદીપકો વિના કેમ લડી શકાય? આજે એક એવા માનવદીપકની વાત કરવી છે, જેણે પોતાનું પ્રકાશ નામ સાર્થક કરીને મહારાષ્ટ્રના એક અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં એવો ઉજાસ ફેલાવ્યો છે, જેનો ઝગમગાટ પાવક, પ્રેરક અને પ્રોત્સાહક છે. તાજેતરમાં ડો. પ્રકાશ આમટેના જીવન અને કાર્યને રજૂ કરતી ફિલ્મ 'ડો. પ્રકાશ બાબા આમટે - ધ રિયલ હીરો' મરાઠી ઉપરાંત હિંદી અને અંગ્રેજીમાં પણ રિલીઝ થઈ છે. (વાત 2014ની છે) નાના પાટેકર અભિનીત આ ફિલ્મ સારી બની છે, પરંતુ અહીં આ ફિલ્મની નહીં, પણ એ નિમિત્તે ડો. પ્રકાશ આમટેના સાદગીભર્યા જીવન અને સંઘર્ષપૂર્ણ સેવાકાર્યની વાત કરવી છે.

પદ્મશ્રી, પદ્મભૂષણ અને રેમન મેગસેસે જેવાં ખ્યાતિપ્રાપ્ત સન્માનો મેળવનારા મહારાષ્ટ્રના સમાજસેવક બાબા આમટે અને સાધના આમટેના ઘરે ૨૬ ડિસેમ્બર, ૧૯૪૮ના રોજ જન્મેલા ડો. પ્રકાશ આમટેને સમાજસેવા તો જાણે ડી.એન.એ.માં જ મળી હતી. ડો. પ્રકાશ અને તેમના મોટા ભાઈ વિકાસ આમટેએ પિતાના સેવાના વારસાને માત્ર જાળવ્યો અને ઉજાળ્યો નથી, બલકે પોતાની આગલી પેઢીમાં આગળ પણ વધાર્યો છે. આજે આ બે ભાઈઓનાં ઉચ્ચ ડિગ્રીપ્રાપ્ત સંતાનો પણ સમાજસેવાના મિશનમાં સક્રિય છે. ડો. પ્રકાશ આમટે પદ્મશ્રી સન્માન ઉપરાંત પોતાનાં પત્ની ડો. મંદા સાથે એશિયાના નોબેલ પારિતોષિક ગણાતા રેમન મેગસેસે એવોર્ડથી પોંખાયાં છે.

ડો. પ્રકાશ આમટે અને તેમનાં પત્ની ડો. મંદા અભ્યાસે અને વ્યવસાયે ડોક્ટર છે. ડોક્ટરનું ભણ્યા પછી તેમણે ધાર્યું હોત તો લાખો રૂપિયા કમાઈને સુખી-સમૃદ્ધ જીવન જીવી શક્યાં હોત, પણ તેમના લોહીમાં અને દિલમાં રહેલી સમાજસેવાની ભાવનાને કારણે તેમણે સાદગીપૂર્ણ જીવન અને સંઘર્ષભર્યો જનસેવાનો માર્ગ અપનાવ્યો. સેવા કરવા માટે એમણે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશની સરહદો જ્યાં મળે છે, એવા અંતરિયાળ, અતિ પછાત અને અડાબીડ અગવડોવાળા હેમલકસા અને તેની આજુબાજુના વિસ્તાર પર પસંદગી ઉતારી. માર્ચ-૧૯૭૪થી આ દંપતી જ્યાં વસ્યું એ હેમલકસામાં ન તો વીજળી હતી, ન સડક, ન સંદેશાવ્યવહારનાં સાધનો. આટલું અધૂરું હોય એમ તેઓ જે માડિયા ગોંડ આદિવાસી લોકોની સેવા કરવા તત્પર હતા, એ લોકોએ તેમને સહકાર તો ઠીક શરૂઆતના ગાળામાં સ્વીકાર્યા પણ નહોતા ! દુનિયાથી સાવ અલિપ્ત અને પ્રાણીઓનો શિકાર કરીને પેટ ભરનારા આદિવાસી લોકો માટે તેઓ પરગ્રહવાસી જેવા હતા. લોકો તેમને જોઈને સંતાઈ જતા હતા. વળી, તેમની ભાષા અલગ અને સંસ્કૃિત પણ સાવ નોખી. આ લોકો માટે બીમારી એટલે કાં તો દેવીનો કોપ કે પછી કોઈએ મૂઠ મારી હોય, એવી અંધશ્રદ્ધા. સારવાર લેવાનું તો તેમને ગળે જ ન ઊતરે. આવા લોકોની ટાંચાં સાધનો સાથે સારવાર કરવા કરતાં પણ અઘરું કામ હતું, તેમને સારવાર લેતા કરવાનું. જો કે, ડો. પ્રકાશ અને તેમના સાથીઓના વ્યવહાર અને ભાવનાશીલ વર્તનને કારણે ધીમે ધીમે લોકોના વલણમાં પરિવર્તન આવ્યું. ગરીબ અને પછાત આદિવાસીઓ સાથે હમદર્દીની હદ તો જુઓ કે આદિવાસી પાસે પહેરવા માટે પૂરતાં કપડાં નહોતાં, એ જોઈને ડો. પ્રકાશે રોજિંદા જીવનમાં અરધી ચડ્ડી અને બંડ્ડી પહેરવાનું જ અપનાવી લીધું! આખરે ડો. પ્રકાશ અને તેમના સાથીઓની ભાવના અને મહેનત રંગ લાવ્યાં. હેમલકસાનાં લોકો જ નહીં પ્રાણીઓ (ડો. પ્રકાશ પ્રાણીઓ માટે અનાથાલય પણ ચલાવે છે.) સહિત સમગ્ર વિસ્તારે તેમને પોતીકા બનાવી લીધા છે. આજે આશરે ચારેક દાયકાની મહેનત પછી હેમલકસાનો એટલો વિકાસ થયો છે કે ત્યાંની નવી પેઢી સમાજના મુખ્ય પ્રવાહમાં વહેતી થઈ છે. લોક બિરાદરી પ્રકલ્પ અંતર્ગત ચાલતી શાળામાં ભણેલાં બાળકો આજે શિક્ષકો, ડોક્ટરો, પોલીસ, વનરક્ષકો, વકીલો બન્યાં છે.

એક ડોક્ટર તરીકે પ્રકાશભાઈને થયેલા અનુભવો ગમે તેવા કઠણ હૃદયના માણસને હચમચાવે એવા છે, સાથે સાથે પ્રેરણારૂપ પણ છે. ડો. પ્રકાશે પોતાનાં સંભારણાંઓ મરાઠીમાં 'પ્રકાશ વાટા' નામના પુસ્તકમાં સમાવ્યાં છે. જેનો ગુજરાતી અનુવાદ 'પ્રકાશની પગદંડીઓ'ના નામે સંજય શ્રીપાદ ભાવેએ કરેલો છે.

દેશના દરેક પછાત-અંતરિયાળ વિસ્તારને ડો. પ્રકાશ આમટે જેવો ડોક્ટર મળવો જોઈએ. ડો. પ્રકાશ જેવા લોકો સમગ્ર દેશમાં ફેલાય-કાર્યરત થાય તો દેશમાં ન રહે બીમારી, ન રહે અજ્ઞાાન કે અંધશ્રદ્ધાનો અંધકાર કે ન રહે નક્સલવાદ જેવી સમસ્યાઓ.

દેશની દિવાળી સુધારવા માટે આવા અનેક પ્રકાશ પેદા થાય, એવી પરમપ્રભુને પ્રાર્થના.

(‘સંદેશ’ની 19 ઑક્ટોબર, 2014ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, June 8, 2016

બિરસા મુંડાની ખરી મુક્તિ

દિવ્યેશ વ્યાસ


બિરસા મુંડાની ખરી મુક્તિ દેશના વનવાસીઓના રોજિંદા સંઘર્ષના સકારાત્મક અંતમાં છે


(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

કાલે 9મી જૂન છે, અંગ્રેજો સામે અન્યાય વિરુદ્ધ લડનારા વિરલ યોદ્ધા બિરસા મુંડાની પુણ્યતિથિ. તમે નોંધજો એકેય અખબારમાં બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપતી આખા પાના તો ઠીક અરધા કે પોણા પાનાનીય જાહેરખબર જોવા નહીં મળે! (ઝારખંડ અપવાદ હોઈ શકે) બની શકે કે ઘણા વાચકોને બિરસા મુંડા નામ પણ અજાણ્યું લાગ્યું હોય. આમાં સામાન્ય વાચકોનો કોઈ વાંક નથી, આપણે ત્યાં ઇતિહાસ લેખનમાં પણ ધરાર ભેદભાવ અને પૂર્વગ્રહો રખાતા હોય છે. અંગ્રેજો સામે લડનારા યોદ્ધાઓમાં સુપરહીરોની કક્ષાના બિરસા મુંડાનું નામ તમને આઝાદીની લડાઈના લેખો-પુસ્તકો-કાર્યક્રમોમાં ભાગ્યે જ વાંચવા-સાંભળવા મળશે. શું તેમનો એટલો જ વાંક હતો કે તેમણે શહેરી અને ઉજળિયાત વર્ગ માટે નહીં પણ અંતરિયાળ વિસ્તારમાં વસતા વનવાસીઓના અધિકાર માટે શહીદી વહોરી હતી? માત્ર 25 વર્ષની વયે અંગ્રેજોની જેલમાં જ શહીદી પામનારા આ ઐતિહાસિક વીરને આપણે વીસરી ગયા છીએ, એ આપણી જ કમનસીબી છે અને એના પાપે જ આપણે ફાલતુ અને ભ્રષ્ટ લોકોને વીર તરીકે બિરદાવવા પડે છે!


ગયા સપ્તાહે બિરસા મુંડા સમાચારોમાં ચમક્યા હતા. ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો કે બિરસા મુંડાની પ્રતિમાઓ બેડીઓથી મુક્ત થવી જોઈએ. ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું હતું કે બેડીઓથી જકડાયેલી બિરસા મુંડાની પ્રતિમાઓ અંગ્રેજોની ગુલામીની પ્રતીક છે, જેનાથી આજની યુવા પેઢીની મનોભાવના પર ખરાબ અસર પડી શકે છે. એટલે બેડીઓમાં જકડાયેલા બિરસા મુંડાની તસવીરો અને પ્રતિમાઓને તત્કાળ હટાવી દેવામાં આવશે. બિરસા મુંડાના મૃત્યુના આશરે 116 વર્ષ પછી તેમની પ્રતિમાઓને બેડીઓથી મુક્ત કરવામાં આવશે, એ ચોક્કસ આવકાર્ય ઘટના છે. જોકે, વિચારવાનો અને શરમજનક મુદ્દો એ છે ઇતિહાસના આ અવગણાયેલા વીરની પ્રતિમાઓને બેડીઓથી મુક્ત કરવાનો વિચાર આપણને આઝાદીના સાત દાયકા પછી આવ્યો છે!

જોકે, મૂળ મુદ્દો એ છે કે શું મૂર્તિઓની બેડીઓ હટાવી દેવા માત્રથી બિરસા મુંડાને મુક્તિ મળી જશે? શું બિરસા મુંડાનું આદિવાસીઓની શોષણમુક્તિનું સપનું પૂરું થઈ જશે? આજે પણ આપણે ત્યાં આદિવાસીઓની સ્થિતિ એટલી બદતર છે કે તેઓ પોતાના મૂળભૂત અધિકારો માટે પણ હથિયાર ઉપાડવા મજબૂર છે. આપણે નક્સલવાદની સમસ્યાના સમાચાર વાંચીએ કે સાંભળીએ છીએ ત્યારે આપણને આ સમસ્યાનાં મૂળ અંગે ભાગ્યે જ અંદાજ હોય છે. આઝાદીના સાત દાયકા પછી પણ દેશના આદિવાસીઓને મુખ્યધારામાં સમાવી શકાયા નથી, ઊલટું ખાણમાફિયાઓ અને શોષણખોરો દ્વારા તેમની જિંદગી હરામ થઈ રહી છે, એ શરમજનક હકીકત છે.

આદિવાસી સમાજમાં ‘ધરતીબાબા’ તરીકે પૂજાતા બિરસા મુંડાએ અંગ્રેજોની જળ, જમીન અને જંગલમાં ખોટી દખલ અને દાદાગીરી સામે સંઘર્ષ માંડ્યો હતો. બિરસાના નેતૃત્વમાં 1897થી 1900 દરમિયાન મુંડાઓ અને અંગ્રેજી સૈનિકો વચ્ચે અનેક નાની-મોટી લડાઈઓ થઈ હતી અને મુંડાઓએ અનેક લડાઈ જીતી હતી. અંગ્રેજોની બંદૂકો અને તોપો સામે વિષયુક્ત તીરોથી તેમણે શૌર્યપૂર્ણ સંઘર્ષ કર્યો હતો. બિરસાએ માત્ર અંગ્રેજો સામે જ નહિ, સામંતી અને જમીનદારી પ્રથાને કારણે થતાં આદિવાસીઓના શોષણ સામે પણ સંઘર્ષ આદર્યો હતો. બિરસાના ‘ઉલગુલાન’ (ભારે કોલાહલ અને ઊથલપાથલ) આંદોલનનો અંત 3 ફેબ્રુઆરી, 1900ના રોજ તેમની ચક્રધરપુરમાં થયેલી ધરપકડ બાદ આવ્યો હતો. 9મી જૂન, 1900ના રોજ માંડ 25 વર્ષના બિરસાને રાંચીની જેલમાં જ શહીદી પ્રાપ્ત થઈ હતી. કહેવાય છે કે તેમને અંગ્રેજોએ ધીમું ઝેર આપ્યું હતું.

ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને આજે ભગવાન તરીકે પૂજવામાં આવે છે. બિરસા મુંડાની ખરી મુક્તિ ઇચ્છતા હોઈએ તો દેશના આદિવાસીઓને શોષણમુક્ત કરવા પડશે, તેમને તેમના અધિકારો સોંપવા પડશે. તેમને સન્માનપૂર્ણ-ભેદભાવમુક્ત જીવન જીવવાની તક આપવી પડશે. શું આ માટે આપણે પ્રતિબદ્ધ છીએ?

(‘દિવ્ય ભાસ્કર’ની 8 જૂન, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)