Showing posts with label પિતા. Show all posts
Showing posts with label પિતા. Show all posts

Wednesday, March 22, 2017

વિકાસથી દલાલ સુધી!

દિવ્યેશ વ્યાસ


શેફ વિકાસ ખન્નાએ પિતાના નિધન અંગે લખેલી અને વાઇરલ થયેલી પોસ્ટે જયંતિ દલાલની વાર્તાને યાદ કરાવી દીધી!




કેટલાક સંબંધો બહુ બળૂકા હોય છે, પરંતુ બોલકા હોતા નથી. આવો જ એક સંબંધ છે પિતા અને સંતાનનો. દીકરી તો હજુય લાડ લડી લેતી હોય છે, પરંતુ દીકરા બાપને લાડકા હોવા છતાં, તેમની વચ્ચે વ્યાવહારિક સંબંધો સામાન્ય હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. બાપ-બેટાના સંબંધોમાં અપાર દૃઢતા હોય છે, પરંતુ તેમના વ્યવહારમાં હળવાશ કે મીઠાશ હોય એવું જરૂરી નથી. આટલું લખાણ વાંચીને કોઈ વાચકને થઈ શકે કે ફાધર્સ ડેને તો હજુ ઘણી વાર છે તોપણ આજે પિતાશ્રીની કથા, સોરી કૉલમ કેમ માંડી છે? પહેલું તો, માતા અને પિતાની વાત કરવા માટે આપણે મધર્સ ડે કે ફાધર્સ ડેના ઓશિયાળા ન હોવા જોઈએ, ખરું ને? બીજું કે જાણીતા શેફ વિકાસ ખન્નાએ ગયા સપ્તાહે પોતાના પિતાના નિધન સંદર્ભે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી, જે વાઇરલ બની. આ પોસ્ટ જ આ લેખ લખવા માટેનો ધક્કો પહોંચાડ્યો છે.

આ લેખ માટે વિકાસ ખન્નાની પોસ્ટ નિમિત્ત બની છે ત્યારે સૌથી પહેલાં એ પોસ્ટની જ વાત કરીએ. વિકાસભાઈએ 16મી માર્ચના રોજ પોતાના ફેસબુક પેજ પર લખ્યું હતું: ‘31મી જાન્યુઆરી, 2015ની સવારે મેં મારા નિત્યકર્મ મુજબ ઘરે ફોન કરીને મોમ અને ડેડ સાથે વાત કરી. ડેડ બે કારણસર અતિ ઉત્સાહમાં હતા. એક તો સેરેના વિલિયમ્સ ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં રમી રહી હતી અને બીજું મર્સિડીઝ સાથે મારો કરાર થયો હતો. તેમણે કહ્યું કે દીકરાની મર્સિડીઝમાં ફરવાનું તેમનું સપનું હતું. હું હસવા માંડ્યો અને કહ્યું કે તમે અગાઉ કેમ ન જણાવ્યું? તેઓ પણ હસ્યા અને બોલ્યા, ‘તેં ક્યારેય પૂછ્યું નહોતું.’ અમે હસતાં હસતાં વાત પૂરી કરી.’

‘એ જ દિવસે ઢળતા બપોરે તેમનું નિધન થયું. એકેય સંતાન આવડી મોટી ખોટ માટે ક્યારેય તૈયાર ન હોઈ શકે. આ ઘટના તમારા દિલને ભાંગી જ નાખે. તમે સુન્ન થઈ જાવ. ઈશ્વરે દગો દીધો હોય અને એકાએક અસુરક્ષિત વિશ્વમાં પહોંચી ગયા હોય એવું લાગવા માંડે.’

‘મને આજેય તેમના એ વાક્યનું અચરજ છે કે ‘તેં ક્યારેય પૂછ્યું નહોતું.’

‘એ કમનસીબ દિવસ પછી મને અનેક વાર થયું છે કે હું તેમના માટે એવું ઘણું ઘણું કરી શક્યો હોત કે જેનાથી તેમને ગર્વ અનુભવાય અને તેમની તમામ આશાઓ પૂર્ણ થાત.’

‘જિંદગીએ મને બોધપાઠ ભણાવ્યો - વધુ એક પણ ક્ષણ માટે મોડું ન કરો. આપણાં મા-બાપ ભાગ્યે જ કશું માગશે, જ્યારે તેમણે તો આખી જિંદગી આપણને આપી દીધી હોય છે.’

‘તેમને અચરજ પમાડો, તેમને ખોટા પાડો, તેમને ભેટી પડો, તેમને જઈને પૂછો કે તમારા ઓરતા (સપનાં) શું છે અને તેમને ખૂબ ખૂબ ચાહો, કારણ કે એક દિવસ તમે કારોના થપ્પા કરવા સક્ષમ હશો, પણ તમે સમય નહીં ખરીદી શકો.’

વિકાસ ખન્નાની આ પોસ્ટને હજારો લોકોએ આંસુડે આંસુડે વધાવી છે. ફેસબુક પર મૂકેલી આ પોસ્ટને આશરે લાખેક લોકોએ લાઇક કરી અને ત્રણેક હજાર લોકોએ શેર કરેલી એટલું જ નહીં હજારેક લોકોએ પોતાનાં મા-બાપ અંગેની લાગણી કૉમેન્ટ સ્વરૂપે વ્યક્ત કરી હતી.


વિકાસ ખન્નાની પોસ્ટ વાંચતાં ગુજરાતના વિખ્યાત સાહિત્યકાર જયંતિ દલાલની ‘હું એ? એ હું?’ વાર્તાનું સ્મરણ થઈ આવ્યું. આ વાર્તાના નાયકને મન તેમના પિતા એટલે ‘ઘણા સાંકડા દિલનો માણસ, આપમતલબી, મનસ્વી, તોરીલા, નાનકડા સરમુખત્યાર’. જોકે, પિતાના નિધન પછી તેને બહુ રડવું આવે છે અને એનું કારણ એ સમજી શકતો નથી. આખરે પિતાનો એક પત્ર હાથમાં આવે છે, જેને તે પૂરો વાંચતો પણ નથી, પરંતુ આખરે તેને અહેસાસ થાય છે કે હું તો મારા પિતા જેવો જ છું!

આપણને માતા-પિતાનું મૂલ્ય સમજાય ત્યારે ઘણું મોડું થઈ જતું હોય છે! બસ, હવે એક ક્ષણ પણ મોડું ન કરો, દિલ ખોલીને મા-બાપને મળી લો, જીવતેજીવ ચાહી લો, ફરી આ ક્ષણ મળે ન મળે!

(‘દિવ્ય ભાસ્કર’ની 22મી માર્ચ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Sunday, June 19, 2016

રાષ્ટ્રપિતા નહિ, માત્ર પિતા તરીકે ગાંધીજીની મહાનતા

દિવ્યેશ વ્યાસ



ગાંધીજી એક પિતા તરીકે પણ મહાન હતા અને તેમની મહાનતાના પુરાવા તેમણે પોતાના દીકરાઓ અને પુત્રવધૂઓને લખેલા પત્રોમાંથી સાંપડે છે



(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

મહાત્મા ગાંધીને આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ, સન્માનીએ છીએ. અલબત્ત, માત્ર પિતા તરીકે ગાંધીજી કેવા હતા, એવું પુછાય તો મોટા ભાગના લોકોને ગાંધીજીના વંઠેલા સંતાન હરિલાલની યાદ આવી જાય અને ગાંધીજી એક નિષ્ફળ પિતા હતા એવું અનુમાન બંધાઈ જતું હોય છે. પણ, આવું અનુમાન બાંધી લેવામાં ઉતાવળ કરવા જેવી નથી, કારણ કે હરિલાલે તેમના પિતા સામે બળવો ચોક્કસ કરેલો પણ બાકીના ત્રણેય દીકરાઓ તો ગાંધીજીના માર્ગે જ ચાલ્યા હતા. એટલું જ નહીં તેમનાં ચૌદ પૌત્ર-પૌત્રીઓ અને ગાંધીજીની વર્તમાન પેઢી સુધ્ધાં ગાંધીજીનો વિચાર-આચારનો વારસો બહુ સારી રીતે જાળવતી આવી છે, જેનાં મૂળમાં ગાંધીજી અને કસ્તૂરબાનું સંસ્કારસિંચન જ રહેલું છે. ગાંધીજીનાં પૌત્રી (દીકરા રામદાસની દીકરી) સુમિત્રાબહેન કુલકર્ણીએ પોતાના પુસ્તક 'અણમોલ વિરાસત (ગાંધી : વ્યક્તિત્વ અને પરિવાર)'માં લખ્યું છે, "બાપુજી જીવનભર એટલા બધા પ્રવાસમાં રહ્યા હતા કે કુટુંબને માટે તેમની પાસે ભાગ્યે જ વખત રહેતો. આ કારણે દાદા-દાદીનો નિરંતર સહવાસ અમને મળી શકતો નહીં. અમને યાદ નથી કે દાદાએ અમને પાસે બેસાડીને નિરાંતે વાતો કહી હોય અથવા તો ખોળામાં બેસાડીને લાડ કર્યાં હોય. તેમ છતાં એવી ઊણપની અમને કલ્પનાય નહોતી આવતી." પણ એવી ઊણપ કેમ નહોતી અનુભવાતી તેની સ્પષ્ટતા આગળના લખાણમાં મળે છે, "૧૯૨૪ની ૨૦મી સપ્ટેમ્બરે હિન્દુ-મુસલમાન એકતા માટે બાપુજીએ દિલ્હીમાં ઉપવાસ આદરેલા. ઉપવાસના ચોથા દિવસે તેમણે મારા પિતા રામદાસ ગાંધીને લખેલું કે, 'ઈશ્વરે મને એવા દીકરા આપ્યા છે કે એ દીકરાઓના પુણ્યપ્રતાપે જ હું જીવતો રહેવાનો છું.' આવી અપૂર્વ શ્રદ્ધાને કારણે બાપ અને દીકરાઓ વચ્ચે અગાધ પ્રેમ હતો અને અમને બાળકોને પણ એટલી હદે જ મળ્યો હતો. તેથી તેઓ પાસે હોય કે દૂર, દાદાજી સાથેનો અમારો સંબંધ છૂટનો હતો. આમાં વધારે ફાળો દાદાનો (ગાંધીજીનો) હતો, કેમ કે સતત કામમાં હોવા છતાં લગભગ દર અઠવાડિયે તેઓ અમને પત્ર લખતા અને અમારાં સુખદુઃખની ખબર રાખતા. નવાઈ તો એ વાતની થાય કે આટઆટલા પ્રવાસો અને થોકબંધ કામોની વચ્ચે તેઓ અમને શી રીતે યાદ રાખી શકતા હશે! પત્ર લખવામાં તો શ્રમ, શક્તિ બન્નેની જરૂર પડે, તેમ છતાં મૃત્યુ સુધી કુટુંબ સાથે તેમણે ઘનિષ્ઠ તથા નિર્વ્યાજ પ્રેમનો સંબંધ જાળવી રાખ્યો હતો." ગાંધીજીએ અપાર વ્યસ્તતા વચ્ચે પણ પત્રોના સહારે પોતાનાં પુત્રો, પુત્રવધૂઓ અને પૌત્ર-પૌત્રીઓ સાથે સંપર્ક અને સંબંધનો સેતુ જાળવી રાખ્યો હતો.
ગાંધીજી સાથે કસ્તુરબા
હરિલાલ અને ગાંધીજીના સંબંધો વિશે જાતજાતની વાતો થતી હોય છે પણ હરિલાલનાં પત્ની ગુલાબબહેનના અવસાન પછી ગાંધીજી હરિલાલને લગભગ રોજ પત્ર લખતા! તેમણે એક પત્રમાં લખ્યું હતું, "તમે સ્વસ્થ થાઓ અને રહો એવું કેમ બને એ જ વિચાર્યા કરું છું... તમારા જે કાંઈ ઉદ્ગારો હોય તે તમે વગર સંકોચે મારી પાસે ઠાલવજો. જો મારી પાસે તમે તમારું હ્ય્દય ખાલી ન કરી શકો તો કોની પાસે કરશો? હું તમારો સાચો મિત્ર થઈશ અને તમારી કંઈ પણ યોજનાને વિશે આપણી વચ્ચે મનભેદ થશે તો શી અડચણ છે? આપણે ગોષ્ઠિ કરીશું. છેવટનો નિકાલ તો તમારે હાથ જ રહેશે..."

ગાંધીજીએ પાંચમી નવેમ્બર, ૧૯૨૯ના રોજ નવા વર્ષની શુભેચ્છા આપતાં અલીગઢથી દીકરા રામદાસને લખેલો પત્ર પણ વાંચવા જેવો છે, "આજકાલ કાંઈ વાંચે છે ખરો? પાંચેક મિનિટ તેને માટે રાખી હોય તો તે બહુ ઉપયોગી થઈ પડે છે. એક એક મિનિટનો સંઘરો કરનાર પોતાનું આયુષ્ય વધારે છે, પોતાનો ભાર ઓછો કરે છે અને જ્ઞાન વધારતો જાય છે."

દીકરા મણિલાલે કિશોરલાલ મશરૂવાળાની ભત્રીજી સુશીલા સાથે લગ્ન નક્કી કર્યાં ત્યારે ગાંધીજી તેમને ૮મી ફેબ્રુઆરી, ૧૯૨૭ના રોજ પત્રમાં લખેલું, "હવે તમારી સંમતિની સાથે મારે તમારી પ્રતિજ્ઞા જોઈએ કે, તમે સુશીલાની સ્વતંત્રતા જાળવશો. તેને તમારી સહચરી ગણશો, ગુલામ કદી નહીં." પુત્રવધૂની તેઓ કેટલી કાળજી લેતા એ તેમને લખેલા પત્રોમાં સ્પષ્ટ વર્તાય છે.

ગાંધીજીએ પ્રત્યક્ષ રીતે નહીં પણ પોતાના પત્રો દ્વારા પોતાનાં સંતાનો-વંશજોમાં સંસ્કારસિંચન કર્યું હતું. ગાંધીજીએ પોતાના પુત્ર અને પુત્રવધૂઓને લખેલા પત્રોનું સુંદર સંકલન નીલમ પરીખે 'જ્યાં રહો ત્યાં મહેકતા રહો' નામના પુસ્તકમાં કર્યું છે. ફાધર્સ ડે નિમિત્તે રાષ્ટ્રપિતાને માત્ર પિતા તરીકે ઓળખવામાં આવે તોપણ તેમના પ્રત્યેનું માન અનેકગણું વધી જશે!

(15મી જૂન, 2013ની ‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમનો લેખ)