દિવ્યેશ વ્યાસ
આ વર્ષે જાહેર થયેલા શાંતિ અને સાહિત્યના નોબેલ પારિતોષિકોમાં પરમાણુ શસ્ત્રોનો મુદ્દો સંકળાયેલો છે
(તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધી છે.)
દર વર્ષે 5 ઑક્ટોબરથી 12 ઑક્ટોબરના દિવસોમાં નોબેલ પુરસ્કારો જાહેર થતા હોય છે. કોઈ પણ પુરસ્કાર કે એવોર્ડ વિવાદોથી પર હોય, એવું આપણે જાણ્યું નથી. નોબેલનું નામ પડતાં જ આપણને તરત રવીન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધી યાદ આવી જતા હોય છે. ટાગોરને એવોર્ડ મળ્યો હતો, એટલા માટે અને મહાત્મા ગાંધીને નહોતો મળ્યો એટલા માટે. ટાગોરને તો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળવો જ જોઈતો હતો, પરંતુ દુનિયામાં શાંતિના નોબેલ પારિતોષિક માટે જો કોઈ સૌથી વધારે લાયક હોય તો એ ગાંધીજી ગણાય, છતાં તેમને નહોતો મળ્યો અને એટલે જ એ વિવાદનો મુદ્દો આજેય ભૂલ્યે ભુલાતો નથી. અલબત્ત, ગાંધીજીની પ્રેરણાથી આગળ વધેલા કે તેમના વિચારોનું પાલન કરનારા ઘણા લોકો શાંતિનો નોબેલ મેળવી શક્યા છે, એ સંતોષકારક હકીકત છે.
ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, મેડિસિન કે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં અપાતા નોબેલ પારિતોષિક અંગે ભાગ્યે જ વિવાદ પેદા થતો હોય છે, પરંતુ સાહિત્ય અને શાંતિનો નોબેલ પારિતોષિક કોઈ ને કોઈ કારણસર વિવાદમાં આવતો હોય છે. જોકે, આ વર્ષે સાહિત્ય અને શાંતિનો નોબેલ પારિતોષિક જેમને અપાયો છે, તેનો કોઈ ખાસ વિવાદ પેદા થયો નથી. અલબત્ત, ઉલ્લેખનીય મુદ્દો એ છે કે આ બન્ને એવોર્ડ હાંસલ કરનારા કોઈ ને કોઈ રીતે પરમાણુ શસ્ત્રો સાથે જોડાયેલા છે.
‘રિમેઇન્સ ઑફ ધ ડે’ નામની નવલકથા માટે મેન બુકર પ્રાઇઝ જીતેલા બ્રિટિશ સાહિત્યકાર કાઝુઓ ઇશિગુરોને આ વર્ષનું સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મળ્યું છે. દુનિયા સાથે જોડાયેલી આપણી ગૂઢ સંવેદનાઓને શબ્દયાત્રા કરાવનારા કાઝુઓ પાંચ વર્ષની વયથી બ્રિટનમાં રહે છે, પરંતુ તેઓ મૂળ તો જાપાનના છે. કાઝુઓનો પરમાણુ શસ્ત્રો સાથેનો સંબંધ સાહિત્યને લગતો નહીં પણ જીવનને લગતો છે. કાઝુઓનો જન્મ ઈ.સ. 1954માં જાપાનના નાગાસાકી શહેરમાં થયો હતો, આ એ જ શહેર છે, જ્યાં અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ વખતે પરમાણુ બૉમ્બ ઝીંક્યો હતો. તેમના સાહિત્યમાં, ખાસ કરીને ‘રિમેઇન્સ ઑફ ધ ડે’માં બીજા વિશ્વયુદ્ધની વાતો આવે છે.
ખેર, આપણો મૂળ મુદ્દો તો શાંતિનું નોબેલ પારિતોષિકનો છે, જે આ વર્ષે ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ અબોલિશ ન્યુક્લિયર વેપન્સ (ICAN)ને મળ્યો છે. આ વર્ષે શાંતિના નોબેલ માટેના દાવેદારોમાં આ સંસ્થાનો ભાગ્યે જ ક્યાંય ઉલ્લેખ જોવા મળતો હતો, છતાં આ સંસ્થા મેદાન મારી ગઈ છે ત્યારે ઘણા લોકોને આશ્ચર્ય પણ થયું છે. અલબત્ત, આ સંસ્થાને શા માટે પસંદ કરવામાં આવી, એ અંગેની સ્પષ્ટતા નોબેલ પસંદગી સમિતિએ કરી છે. નોર્વેની સમિતિએ 2017ના શાંતિના નોબેલને પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશોને 15000 પરમાણુ હથિયારો નષ્ટ કરી દેવાની અપીલ ગણાવી છે. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે અંટશ વધી રહી છે અને યુદ્ધનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. એમાંય ઉત્તર કોરિયા તો પરમાણુ હુમલાની ધમકીઓ આપ્યા કરે છે. આવા માહોલમાં પરમાણુ શસ્ત્રો જગતની શાંતિ જ નહીં અસ્તિત્વ સામેનો પણ મોટો પડકાર બની ગયો છે. આ સંજોગોમાં એક આંતરરાષ્ટ્રીય સંસ્થા જ્યારે દુનિયાને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરાવવાની ઝુંબેશ ચલાવી રહી છે, પરમાણુ સંપન્ન દેશોને પરમાણુ શસ્ત્રોનો નાશ કરી દેવા સમજાવી રહી છે, એ પ્રશંસનીય અને પોંખવાલાયક પ્રયાસ છે.
ICAN નામની સંસ્થા છેલ્લા એક દાયકાથી દુનિયાને પરમાણુ શસ્ત્રથી મુક્ત કરવા મથી રહી છે અને તેની સાથે દુનિયાના કુલ 101 દેશોની 468 સંસ્થાઓ પણ આ મામલે સક્રિય છે. આ સંસ્થાને હમણાં જુલાઈ-2017માં જ એક મોટી સફળતા મળી હતી. આ સંસ્થાના પ્રયાસોને કારણે જ 7 જુલાઈ, 2017ના રોજ ન્યૂ યૉર્ક ખાતે દુનિયાના 122 દેશોએ યુનાઇટેડ નેશન્સ ન્યુક્લિયર વેપન બાન ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા હતા. અલબત્ત, પરમાણુ હથિયારો ધરાવતા દેશોએ આ સંધિમાં હસ્તાક્ષર કર્યા નહોતા, છતાં આજે દુનિયા પરમાણુ મુક્ત થવા માગે છે, એ વાત વધારે નક્કર રીતે વ્યક્ત થઈ હતી અને પરમાણુ હથિયારો માટે મૂછો મરડનારાને કડક સંદેશો આપવામાં આવ્યો હતો. આ સંસ્થાને નોબેલ મળ્યો, તેની સૌથી વધારે ખુશી જાપાનીઝ લોકોને થઈ છે, કારણ કે તેઓ પરમાણુ શસ્ત્રનો ભોગ બની ચૂક્યા છે. અમેરિકા સહિતના પરમાણુ શસ્ત્રોસમ્પન્ન દેશો પણ શું આવી દુર્ઘટનાનો ભોગ બન્યા પછી જ જાગશે?
(‘દિવ્ય ભાસ્કર’ની 11મી ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)
No comments:
Post a Comment