Showing posts with label એટમ બૉમ્બ. Show all posts
Showing posts with label એટમ બૉમ્બ. Show all posts

Wednesday, October 11, 2017

નોબેલ અને ન્યુક્લિયર બૉમ્બ

દિવ્યેશ વ્યાસ


આ વર્ષે જાહેર થયેલા શાંતિ અને સાહિત્યના નોબેલ પારિતોષિકોમાં પરમાણુ શસ્ત્રોનો મુદ્દો સંકળાયેલો છે

(તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધી છે.)

દર વર્ષે 5 ઑક્ટોબરથી 12 ઑક્ટોબરના દિવસોમાં નોબેલ પુરસ્કારો જાહેર થતા હોય છે. કોઈ પણ પુરસ્કાર કે એવોર્ડ વિવાદોથી પર હોય, એવું આપણે જાણ્યું નથી. નોબેલનું નામ પડતાં જ આપણને તરત રવીન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધી યાદ આવી જતા હોય છે. ટાગોરને એવોર્ડ મળ્યો હતો, એટલા માટે અને મહાત્મા ગાંધીને નહોતો મળ્યો એટલા માટે. ટાગોરને તો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળવો જ જોઈતો હતો, પરંતુ  દુનિયામાં શાંતિના નોબેલ પારિતોષિક માટે જો કોઈ સૌથી વધારે લાયક હોય તો એ ગાંધીજી ગણાય, છતાં તેમને નહોતો મળ્યો અને એટલે જ એ વિવાદનો મુદ્દો આજેય ભૂલ્યે ભુલાતો નથી. અલબત્ત, ગાંધીજીની પ્રેરણાથી આગળ વધેલા કે તેમના વિચારોનું પાલન કરનારા ઘણા લોકો શાંતિનો નોબેલ મેળવી શક્યા છે, એ સંતોષકારક હકીકત છે.

ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, મેડિસિન કે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં અપાતા નોબેલ પારિતોષિક અંગે ભાગ્યે જ વિવાદ પેદા થતો હોય છે, પરંતુ સાહિત્ય અને શાંતિનો નોબેલ પારિતોષિક કોઈ ને કોઈ કારણસર વિવાદમાં આવતો હોય છે. જોકે, આ વર્ષે સાહિત્ય અને શાંતિનો નોબેલ પારિતોષિક જેમને અપાયો છે, તેનો કોઈ ખાસ વિવાદ પેદા થયો નથી. અલબત્ત, ઉલ્લેખનીય મુદ્દો એ છે કે આ બન્ને એવોર્ડ હાંસલ કરનારા કોઈ ને કોઈ રીતે પરમાણુ શસ્ત્રો સાથે જોડાયેલા છે.

‘રિમેઇન્સ ઑફ ધ ડે’ નામની નવલકથા માટે મેન બુકર પ્રાઇઝ જીતેલા બ્રિટિશ સાહિત્યકાર કાઝુઓ ઇશિગુરોને આ વર્ષનું સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મળ્યું છે. દુનિયા સાથે જોડાયેલી આપણી ગૂઢ સંવેદનાઓને શબ્દયાત્રા કરાવનારા કાઝુઓ પાંચ વર્ષની વયથી બ્રિટનમાં રહે છે, પરંતુ તેઓ મૂળ તો જાપાનના છે. કાઝુઓનો પરમાણુ શસ્ત્રો સાથેનો સંબંધ સાહિત્યને લગતો નહીં પણ જીવનને લગતો છે. કાઝુઓનો જન્મ ઈ.સ. 1954માં જાપાનના નાગાસાકી શહેરમાં થયો હતો, આ એ જ શહેર છે, જ્યાં અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ વખતે પરમાણુ બૉમ્બ ઝીંક્યો હતો. તેમના સાહિત્યમાં, ખાસ કરીને ‘રિમેઇન્સ ઑફ ધ ડે’માં બીજા વિશ્વયુદ્ધની વાતો આવે છે.

ખેર, આપણો મૂળ મુદ્દો તો શાંતિનું નોબેલ પારિતોષિકનો છે, જે આ વર્ષે ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ અબોલિશ ન્યુક્લિયર વેપન્સ (ICAN)ને મળ્યો છે. આ વર્ષે શાંતિના નોબેલ માટેના દાવેદારોમાં આ સંસ્થાનો ભાગ્યે જ ક્યાંય ઉલ્લેખ જોવા મળતો હતો, છતાં આ સંસ્થા મેદાન મારી ગઈ છે ત્યારે ઘણા લોકોને આશ્ચર્ય પણ થયું છે. અલબત્ત, આ સંસ્થાને શા માટે પસંદ કરવામાં આવી, એ અંગેની સ્પષ્ટતા નોબેલ પસંદગી સમિતિએ કરી છે. નોર્વેની સમિતિએ 2017ના શાંતિના નોબેલને પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશોને 15000 પરમાણુ હથિયારો નષ્ટ કરી દેવાની અપીલ ગણાવી છે. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે અંટશ વધી રહી છે અને યુદ્ધનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. એમાંય ઉત્તર કોરિયા તો પરમાણુ હુમલાની ધમકીઓ આપ્યા કરે છે. આવા માહોલમાં પરમાણુ શસ્ત્રો જગતની શાંતિ જ નહીં અસ્તિત્વ સામેનો પણ મોટો પડકાર બની ગયો છે. આ સંજોગોમાં એક આંતરરાષ્ટ્રીય સંસ્થા જ્યારે દુનિયાને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરાવવાની ઝુંબેશ ચલાવી રહી છે, પરમાણુ સંપન્ન દેશોને પરમાણુ શસ્ત્રોનો નાશ કરી દેવા સમજાવી રહી છે, એ પ્રશંસનીય અને પોંખવાલાયક પ્રયાસ છે.

ICAN નામની સંસ્થા છેલ્લા એક દાયકાથી દુનિયાને પરમાણુ શસ્ત્રથી મુક્ત કરવા મથી રહી છે અને તેની સાથે દુનિયાના કુલ 101 દેશોની 468 સંસ્થાઓ પણ આ મામલે સક્રિય છે. આ સંસ્થાને હમણાં જુલાઈ-2017માં જ એક મોટી સફળતા મળી હતી. આ સંસ્થાના પ્રયાસોને કારણે જ 7 જુલાઈ, 2017ના રોજ ન્યૂ યૉર્ક ખાતે દુનિયાના 122 દેશોએ યુનાઇટેડ નેશન્સ ન્યુક્લિયર વેપન બાન ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા હતા. અલબત્ત, પરમાણુ હથિયારો ધરાવતા દેશોએ આ સંધિમાં હસ્તાક્ષર કર્યા નહોતા, છતાં આજે દુનિયા પરમાણુ મુક્ત થવા માગે છે, એ વાત વધારે નક્કર રીતે વ્યક્ત થઈ હતી અને પરમાણુ હથિયારો માટે મૂછો મરડનારાને કડક સંદેશો આપવામાં આવ્યો હતો. આ સંસ્થાને નોબેલ મળ્યો, તેની સૌથી વધારે ખુશી જાપાનીઝ લોકોને થઈ છે, કારણ કે તેઓ પરમાણુ શસ્ત્રનો ભોગ બની ચૂક્યા છે. અમેરિકા સહિતના પરમાણુ શસ્ત્રોસમ્પન્ન દેશો પણ શું આવી દુર્ઘટનાનો ભોગ બન્યા પછી જ જાગશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 11મી ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Tuesday, August 9, 2016

સુતોમુની સ્ટોરી : રામ રાખે તેને કોણ ચાખે

દિવ્યેશ વ્યાસ


પરમાણુ બોમ્બના અસરગ્રસ્ત તરીકે સુતોમુ હંમેશાં કહેતા, "પરમાણુ બોમ્બને હું ધિક્કારું છું, કારણ કે તે માનવીય ગરિમાને છાજે એવા નથી."



(તસવીર http://www.npr.org પરથી મેળવી છે.)

આજથી બરાબર ૭૦ વર્ષ પહેલાં (વર્ષ 2015માં લેખ લખાયેલો એટલે એ મુજબ ગણતરી કરવી) જાપાનમાં જ્યારે એક પછી એક બે શહેરો પર પરમાણુ હુમલો કરવામાં આવ્યો ત્યારે માનવ જાતે જે વિનાશ જોયો હતો તે આજે પણ ભુલાયો નથી. આશરે ૨,૫૦,૦૦૦ને એક ક્ષણમાં મોતના મુખમાં ધકેલનારા આ બે બે પરમાણુ વિસ્ફોટોમાંથી એક વ્યક્તિ બચી ગઈ હતી, જેનું નામ છે - સુતોમુ યામાગુચી.

સુતોમુને જાપાન સરકાર દ્વારા સત્તાવાર રીતે બે બે પરમાણુ હુમલામાંથી બચી જનારા એક માત્ર અસરગ્રસ્ત તરીકે જાહેર કરાયા હતા. ૨૦૧૦ની સાલમાં ૯૩ વર્ષની વયે લાંબું આયુષ્ય ભોગવીને સુતોમુનું નિધન થયું ત્યારે નાગાસાકીના મેયરે તેમને શ્રદ્ધાંજલિ આપતાં કહેલું, એક મૂલ્યવાન વાર્તા કહેનાર અમે ગુમાવ્યા છે. દુનિયાના સર્વપ્રથમ પરમાણુ હુમલાને નજરે નિહાળનારા સુતોમુ પરમાણુ શસ્ત્રોની વિનાશકતાને એટલી સચોટ રીતે વર્ણવતા કે પરમાણુ શસ્ત્રો પર રીતસર નફરત થઈ જાય.

સુતોમુની આખી સ્ટોરી જોઈએ તો ૧૬ માર્ચ, ૧૯૧૬ના રોજ નાગાસાકીમાં જ તેમનો જન્મ થયો હતો. સુતોમુ ભણીગણીને એન્જિનિયર બનેલા. તેઓ પરમાણુ હુમલાનો ભોગ બન્યા ત્યારે મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝમાં એન્જિનિયર તરીકે જ નોકરી કરતા હતા. નાગાસાકીના રહેવાસી એવા સુતોમુ કંપનીના કામસર જ હિરોશિમા ગયા હતા. હિરોશિમામાં તેઓ ત્રણ મહિના રોકાયા હતા અને બરાબર છઠ્ઠી ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ તેઓ પોતાના બે સાથી કર્મચારી સાથે નાગાસાકી જવા નીકળ્યા હતા. તેઓ રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ સુતોમુને યાદ આવ્યું કે તેઓ ઓળખ કાર્ડ તો કંપનીની ઓફિસમાં ભૂલી આવ્યા છે. સાથીઓને જવા દઈને પોતે પાછા ફર્યા અને બરાબર એ જ વખતે હિરોશિમા પર અમેરિકા દ્વારા ઝીંકાયો લીટલ બોય નામનો પરમાણુ બોમ્બ અને એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં જીવતું જાગતું શહેર ખંડેરમાં ફેરવાઈ ગયું.

સુતોમુ નજરે નિહાળેલી પરમાણુ વિસ્ફોટની એ ઘટના વિશે કહેતા કે તેઓ પોતાના મિત્રોને રવાના કરીને ઓફિસ તરફ પાછા ફર્યા ત્યારે તેમણે શહેરના આકાશ પર એક વિમાન ઊડતું જોયું. બીજા વિશ્વયુદ્ધના દિવસોમાં હિરોશિમા ઉપર યુદ્ધવિમાનોનું ઊડવું સ્વાભાવિક હતું. સુતોમુએ વિમાનમાંથી પેરાશૂટ નીચે આવતાં જોયાં અને આંખ મટકું મારે ત્યાં સુધીમાં તો તેમણે આંખો આંજી નાખે એવો ધડાકાભેર મોટો ભડકો જોયો અને પછી કાળા ધુમાડાનો મોટો ગોળો ઉછળ્યો. જાણે સળગતો સૂરજ ઉપરથી ધરતી પર પડયો હોય એવું લાગેલું. શહેરની વચ્ચોવચ્ચ ફેંકાયેલા બોમ્બના ત્રણેક કિલોમીટરના ઘેરાવામાં રહેલા સુતોમુનું ઉપરનું અરધું શરીર દાઝી ગયું. માથાના તમામ વાળ બળી ગયા હતા. પરમાણુ બોમ્બની જ્વાળા જોવાને કારણે તેમની આંખે થોડાક કલાકો માટે અંધાપો આવી ગયેલો અને ધડાકાના અવાજને કારણે એક કાનનો પડદો ફાટી ગયો હતો.

એ દિવસે હિરોશિમામાં ૮૦,૦૦૦ લોકો ઓન ધ સ્પોટ મરણને શરણ થયેલા અને રેડિયેશનની અસરને કારણે માત્ર એક મહિનાના ગાળામાં બીજા ૬૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવેલો. ખરા અર્થમાં 'મરદ' એવા સુતોમુ ઘાયલ હોવા છતાં હિંમત નહોતા હાર્યા અને બીજા જ દિવસે પોતાના શહેર નાગાસાકી જવા નીકળી ગયેલા.

નાગાસાકી જઈને તેઓ ૯મી તારીખે તો કંપનીની ઓફિસે પણ પહોંચી ગયેલા. તેઓ ઓફિસમાં પોતાના ઉપરી અધિકારી સાથે હિરોશિમાના પરમાણુ હુમલા અને સર્જાયેલા વિનાશની વાત જ કરતા હતા કે નાગાસાકી પર અમેરિકા દ્વારા ફેટ મેન નામનો બીજો પરમાણુ બોમ્બ ઝીંકવામાં આવ્યો. આ ઘટના અંગે સુતોમુ કહેતા કે મને તો લાગ્યું કે મશરૂમ આકારનો ગોળો હિરોશિમાથી છેક મારી પાછળ પાછળ અહીં પણ આવી પહોંચ્યો. હું જાણે કોઈ નરકમાંથી પસાર થઈ રહ્યો હોય એવો નાગાસાકીનો માહોલ હતો. નાગાસાકીમાં ૭૦,૦૦૦ લોકો માર્યા ગયેલા પણ સુતોમુ બીજી વખત પણ બચી ગયા.

સુતોમુએ પોતાના અનુભવ અંગે પુસ્તક લખેલું છે. પરમાણુ બોમ્બની પીડા અંગે તેમણે અનેક કાવ્યો પણ રચ્યાં હતાં. સુતોમુ આજીવન પરમાણુ શસ્ત્રોની નાબૂદી માટે મથતા રહેલા. સુતોમુ કહેતાં કે "બે બે પરમાણુ વિસ્ફોટોમાંથી મારા ચમત્કારિક બચાવ પછી મારી જવાબદારી બને છે કે દુનિયાના લોકો સુધી સાચી વાત પહોંચાડું."

પરમાણુ બોમ્બના અસરગ્રસ્ત તરીકે તેઓ હંમેશાં કહેતા, "પરમાણુ બોમ્બને હું ધિક્કારું છું, કારણ કે તે માનવીય ગરિમાને છાજે એવા નથી." સુતોમુને લકીએસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ ગણવામાં આવે છે, જોકે તેઓ ખુદને જરાય ભાગ્યશાળી માનતા નહોતા, કારણ કે તેમણે પોતાની નજરે લાખો લોકોને મોતના મુખમાં ધકેલાતા જોયા હતા. બુદ્ધ ધર્મ પાળતા સુતોમુનું સપનું હતું - પરમાણુ શસ્ત્રો-મુક્ત વિશ્વ. સુતોમુનું સપનું સાકાર નહીં થાય અને ફરી પરમાણુ શસ્ત્રો વપરાશે તો સુતોમુ જેવું ભાગ્ય કોની પાસે હશે?

(‘સંદેશ’ની 9મી ઑગસ્ટ, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ, જેને વિપુલભાઈ કલ્યાણીએ ઓપિનિયનની વેબસાઇટ (http://opinionmagazine.co.uk/details/1562/સુતોમુની-સ્ટોરી-:-રામ-રાખે-તેને-કોણ-ચાખે) પર શેર કરેલું તથા વિચારપત્ર ‘નિરીક્ષક’માં પણ આ લેખ રીપ્રિન્ટ કરાયો હતો.)