Showing posts with label બિહાર. Show all posts
Showing posts with label બિહાર. Show all posts

Wednesday, January 31, 2018

બેન્ડથી બદલાઈ ગઈ જિંદગી

દિવ્યેશ વ્યાસ


પોતાની ગરીબીની બેન્ડ બજાવનાર બિહારના આ મહિલા જૂથે નારી સશક્તિકરણનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે

(સરગમ બેન્ડની આ તસવીરો જુદાં જુદાં અખબારોની વેબસાઇટ્સ પરથી મળી છે.)

‘સશક્તિકરણ’ (Empowerment) શબ્દ પણ ‘વિકાસ’ની જેમ જ  અનેક વિભાવનાઓ (Concepts) અને સિદ્ધાંતો (Theories) ધરાવે છે. વળી, સશક્તિકરણ અને વિકાસને માપવા-મૂલવવાના અનેક માપદંડો છે અને એટલે જ તેની ચર્ચા જરૂરી બનતી હોય છે. આપણે ત્યાં છેલ્લા કેટલાક સમયથી અમુક વંચિત-પછાત સમુદાયોના સશક્તિકરણની તેમજ ખાસ તો મહિલા સશક્તિકરણની વાતો ખૂબ સાંભળવા મળે છે. તાજેતરમાં બિહારના મહાદલિત સમુદાયના એક મહિલા જૂથે અનોખી સિદ્ધિ-પ્રસિદ્ધિ હાંસલ કરીને નારી સશક્તિકરણનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યુું છે.

બિહારની રાજધાની પટનાની નજીક દાનાપુર પંથકમાં ઢિબરા ગામ આવેલું છે. વિકાસથી વંચિત રહી ગયેલું અને માત્ર ખેતીવાડી પર નિર્ભર એવું આ નાનું-ગરીબ ગામ હવે સમગ્ર રાજ્યમાં નહિ, પરંતુ સમગ્ર દેશમાં જાણીતું બન્યું છે. આ ગામની રવિદાસ સમુદાયની દસ મહિલાઓએ પૂર્વ ભારતનું સૌપ્રથમ મહિલા બેન્ડ તૈયાર કરીને નામના અપાવી છે. આપણે ત્યાં બેન્ડવાજા વગાડવવાનું કામ મોટા ભાગે પુરુષો દ્વારા જ કરવામાં આવતું હોય છે ત્યારે આ મહિલાઓએ સંપૂર્ણ મહિલા બેન્ડ ઊભું કરીને નવો ચીલો ચાતર્યો છે. આ બેન્ડનાં વડાં સવિતા દેવીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘અમે બેન્ડ બનાવવાની તૈયારી કરતાં હતાં ત્યારે સમાજના લોકો અમારા પર હસતા હતા અને કહેતા હતા  કે આ તો પુરુષોનું કામ છે, તમે શા માટે કરો છો? અમે જવાબ આપતા કે આજે સ્ત્રીઓ ઑટોથી લઈને ટ્રેન ચલાવવા સુધીનાં તમામ કામો કરવા માંડી છે ત્યારે અમે બેન્ડવાળા કેમ ન બની શકીએ.’  બેન્ડ બનાવ્યું અને તેમનું આ સાહસ સફળ પણ રહ્યું છે  ત્યારે એ અંગે સવિતા દેવી કહે છે, ‘બેન્ડને કારણે અમારી જિંદગી બદલાઈ ગઈ  છે. બેન્ડના દરેક સભ્યને દર મહિને સરેરાશ 15,000ની આવક થઈ રહી છે. મહિલાઓ પોતાના દમ પર કમાતી થતાં પરિવાર અને ગામમાં તેમની પ્રતિષ્ઠા વધી છે. હવે અમારા ગામના લોકો સારી રીતે સમજી ગયા છે કે બેન્ડ વગાડવાનું કામ માત્ર પુરુષોનું જ નથી.’

અંતરિયાળ ગામની મહિલાઓને બેન્ડ બનાવવાનું કોણે સુઝાડ્યું અને કેવી રીતે  સફળતા મળી, એ જાણવું પણ ખૂબ જ રસપ્રદ છે. મૂળ કેરળનાં સુધા વર્ગીસ નામનાં સમાજસેવી બહેન ‘નારી ગુંજન’ નામની સંસ્થા થકી છેલ્લાં બે દાયકાથી બિહારમાં મહિલાઓ, ખાસ કરીને દલિત સમુદાયની સ્ત્રીઓના સશક્તિકરણ માટે કાર્યરત છે. તેમને મહિલા બેન્ડનો વિચાર આવ્યો હતો. ઢિબરા ગામની મહિલાઓએ જ્યારે તેમને ખેતીવાડી ઉપરાંત વધારાની કમાણી થાય એવું કોઈ કામ શરૂ કરાવવા વિનંતી કરી ત્યારે સુધાબહેેને કહ્યું, ગરીબીની બેન્ડ બજાવો. પહેલાં તો મહિલાઓ તેમની  વાત સમજી નહીં, પરંતુ પછી સુધાબહેને સમજાવ્યું કે બેેન્ડ શરૂ કરો અને તેમાંથી કમાણી કરો. શરૂઆતમાં તો કોઈને આ વાત ગળે ન ઊતરી પણ સુધાબહેેનના પ્રયાસો અને પ્રોત્સાહનથી 15 મહિલાઓ બેન્ડ માટે નગારા-ડ્રમ સહિતનાં સાધનો વગાડવાનું શીખવા માટે તૈયાર થઈ.

2014માં મહિલાઓની તાલીમ શરૂ થઈ. જુદાં જુદાં કારણોસર પાંચ મહિલાઓ ખસી ગયાં અને 10 બહેનો વાજિંત્રો વગાડતા શીખી ગયાં અને આખરે એપ્રિલ-2015માં સરગમ મહિલા બેન્ડની રચના થઈ. આજે આ મહિલાઓ લગ્નપ્રસંગો, સામાજિક પ્રસંગો, સરકારી કાર્યક્રમોમાં પણ બેન્ડ વગાડવા જાય છે, બિહારની આજુબાજુુનાં રાજ્યોમાંથી પણ તેમને આમંત્રણ મળી રહ્યા છે અને મહિલા બેન્ડ ધૂમ મચાવે છે.

બેન્ડના સૌથી નાના સભ્ય પંચમ દેવી કહે છે, ‘ગામના લોકો શરૂઆતમાં અમને મહેણાં મારતાં અને અમે શરમાઈ  જતાં. પરંતુ આજે અમારા પતિ જ નહિ, અમારાં બાળકો પણ અમારી સફળતા માટે ગર્વ અનુભવે છે.’ ખેતમજૂરી કરીને રોજના 100 રૂપિયા પણ ન કમાઈ શકનાર મહિલાઓ આજે દર મહિને સરેરાશ 15,000 રૂપિયાની આવક તો આસાનીથી મેળવી લે છે. એક સમય  હતો જ્યારે લોકો તેમની મજાક જ નહોતા ઉડાવતા, પરંતુ તેમનો વિરોધ પણ કરતા હતા.  પરિવાર અને પતિનો પણ  ઉગ્ર વિરોધ સહન કરવો પડેલો. જોકે, આજે આખું ગામ આ બહેનોને સન્માનની દૃષ્ટિએ  જોતું થયું છે.

ભારતમાં દિલ્હી, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં પણ મહિલા બેન્ડ સ્થપાયા છે, ગુજરાત, મહારાષ્ટ્ર અને પંજાબ જેવાં રાજ્યોમાં મહિલા ડીજેની હવે નવાઈ નથી, પરંતુ બિહાર જેવું રાજ્ય અને એમાંય મહાદલિત સમુદાયમાંથી મહિલાઓ પોતાનું બેન્ડ બનાવે અને પ્રતિષ્ઠા હાંસલ કરે નાનીસૂની સિદ્ધિ ન ગણાય.

(‘દિવ્ય ભાસ્કર’ની 31 જાન્યુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, November 8, 2017

વીસ વર્ષની વિદ્યાદાત્રી

દિવ્યેશ વ્યાસ


બિહારની છોટી કુમારી સિંહને મહાદલિત મુસહર જાતિનાં બાળકો માટે શિક્ષણનો યજ્ઞ પ્રગટાવવા બદલ આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે



ગયા સપ્તાહમાં એક સારા સમાચાર મળ્યા કે કેરળમાં કોચીન દેવસ્વમ્ બોર્ડે જાતિવાદી બંધનો અને ભેદભાવોની ભીંતો ભાંગવા માટે દલિત પૂજારીની નિમણૂક કરી છે. મથિલાકમના કુઝુપુલી ઉમેશ કૃષ્ણન હવે પૂજારી તરીકે કોચીન દેવસ્વમ્ બોર્ડના તાબા હેઠળના મહાદેવના મંદિરમાં સેવાપૂજા કરી શકશે. આ અગાઉ કેરળના જ ત્રાવણકોર દેવસ્વમ્ બોર્ડે છ દલિતોને અધિકૃત રીતે પૂજારી તરીકે નિયુક્ત કર્યા હતા. ત્રાવણકોર દેવસ્વમ્ બોર્ડે રાજ્યમાં સંચાલિત પોતાનાં 1,504 મંદિરોના પૂજારીઓની નિયુક્તિમાં સરકારની અનામત નીતિનું પાલન કરવાનો નિર્ણય લીધો અને લેખિત પરીક્ષા તથા ઇન્ટરવ્યૂ જેવી પ્રક્રિયામાંથી છ દલિત પૂજારીની નિયુક્તિ કરવામાં આવી.

કેરળના દલિતોને તેમનો અધિકાર મળી રહ્યો છે, એ ચોક્કસપણે આનંદની વાત છે, પરંતુ ગુજરાત જેવા પ્રગતિશીલ મનાતાં રાજ્યો સહિતના દેશનાં અન્ય રાજ્યોમાં આઝાદીના સાત દાયકા પછી પણ દલિતની આર્થિક, સામાજિક કે રાજકીય સ્થિતિમાં કોઈ ગૌરવલાયક સુધારો જોવા મળતો નથી. બિહાર દેશનું એવું રાજ્ય છે, જ્યાં દલિતોમાં પણ અતિ પછાત હોય એવા સમુદાયો માટે મહાદલિત શ્રેણી ઊભી કરવામાં આવી છે. બિહારનો સૌથી પછાત અને વંચિત સમુદાય છે - મુસહર. બે ટંક ભોજન પણ ન પામી શકે, એવું આર્થિક પછાતપણું ભોગવતા આ સમુદાયના લોકો એક સમયે ઉંદરો પકડીને પેટ ભરતા હતા અને એટલે જ તેમની જાતિનું નામ મુસહર પડ્યું હતું.

મુસહર સમુદાયના લોકો બિહાર, ઉત્તર પ્રદેશ ઉપરાંત નેપાળના તરાઈ પ્રદેશમાં વસે છે. આ સમુદાયના 96.3 ટકા લોકો જમીનવિહોણા છે અને 92.5 ટકા લોકો ખેતમજૂર તરીકે પેટિયું રળે છે. આ સમુદાયમાં સાક્ષરતાનો દર માંડ 9 ટકા છે. આઝાદીનાં 70 વર્ષમાં મુસહર જાતિમાંથી માત્ર એક વ્યક્તિ મેડિકલ ડૉક્ટર બન્યો છે અને એક જ વીરલો પીએચ.ડી. જેવી ઉચ્ચ ડિગ્રી હાંસલ કરી શક્યો છે. આમ, સામાજિક ઉપરાંત આર્થિક અને શૈક્ષણિક રીતે પણ આ સમુદાય અત્યંત પછાત છે.

કોઈ પણ સમુદાયના વિકાસ માટે સાક્ષરતા-શિક્ષણ અનિવાર્ય છે, છતાં આ સમુદાયના લોકોમાં પોતાનાં સંતાનોને શિક્ષણ આપવા બાબતે આજે પણ ઉદાસીનતા જોવા મળે છે. આ સ્થિતિમાં બિહારની 20 વર્ષની છોટી કુમારી સિંહે મુસહર સમુદાયનાં બાળકો માટે શિક્ષણનો યજ્ઞ પ્રગટાવ્યો છે અને તાજેતરમાં છોટી કુમારીની પ્રવૃત્તિ અને પ્રતિબદ્ધતાને આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખવામાં આવી છે. છોટી કુમારીને ‘વિમેન્સ ક્રિએટિવિટી ઇન રૂરલ લાઇફ એવોર્ડ’ અપાયાના સમાચાર ગત 25મી ઑક્ટોબરના રોજ ચમક્યા હતા. સ્વિટ્ઝર્લેન્ડની વિમેન્સ વર્લ્ડ સમિટ ફાઉન્ડેશન નામની સંસ્થા 1994થી આ એવોર્ડ આપી રહી છે. આ એવોર્ડ ગ્રામીણ સમુદાયોના જીવનની ગુણવત્તાને સુધારવા માટે સર્જનાત્મકતા, સાહસ અને પ્રતિબદ્ધતા દર્શાવનારા અને કંઈક હટકે કામગીરી કરનારને અપાય છે. અત્યાર સુધી આ એવોર્ડ હાંસલ કરનારાઓમાં છોટી કુમારીએ પોતાના નામ પ્રમાણે સૌથી નાની વયે જ હાંસલ કરવાની સિદ્ધિ મેળવી છે.

બિહારના ભોજપુર જિલ્લાના રતનપર ગામની છોટીકુમારી આમ તો રાજપૂત પરિવારની દીકરી છે, પરંતુ માતા અમૃતાનંદમયી મઠ સાથે સંકળાયા પછી તેણે પોતાના ગામના મુસહર સમુદાયનાં બાળકોને નિ:શુલ્ક ટ્યુશન આપવાનું બીડું વર્ષ 2014થી ઝડપ્યું છે. શિક્ષણ અંગે બેપરવા માતા-પિતાઓને પોતાનાં સંતાનોને ટ્યુશન માટે મોકલવા માટે રાજી કરવા કંઈ આસાન નહોતું, પરંતુ છોટી કુમારીએ ધીમે ધીમે માતા-પિતાનો વિશ્વાસ અને બાળકોનો પ્યાર હાંસલ કર્યો છે. છોટી કુમારી બાળકોને શિક્ષણ અને સ્વચ્છતાના પાઠ ભણાવવાની સાથે સાથે ગામની મહિલાઓને આરોગ્ય અને આર્થિક સ્વાવલંબનના પાઠ પણ ભણાવી રહી છે. રતનપર હવે ખુલ્લામાં શૌચમુક્ત ગામ બની ગયું છે. આજે રતનપરમાં શિક્ષણ અને સ્વચ્છતા અંગે અભૂતપૂર્વ કહી શકાય, એટલી જાગૃતિ આવી છે, તેમાં છોટી કુમારીની મોટી ભૂમિકા છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 8મી નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)