Wednesday, October 26, 2016

‘ભગવાન કે નામ પે કુછ દે દે!’

દિવ્યેશ વ્યાસ


આ વખતે લક્ષ્મીપૂજનમાં પોતાના ઉપરાંત દેશના ભિખારીઓ પર પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય એવા આશીર્વાદ માગજો!


(તસવીર ગૂગલ પરથી મેળવી છે)

સપ્ટેમ્બર 2012માં ડૉ. પ્રકાશ આમટે પોતાની જીવનકથાની ગુજરાતી આવૃત્તિ ‘પ્રકાશની પગદંડીઓ’ના વિમોચન પ્રસંગે અમદાવાદ આવ્યા હતા. પ્રકાશ આમટે મહારાષ્ટ્રના સાવ અંતરિયાળ આદિવાસી વિસ્તાર ગઢચિરોલીના હેમલકસા ગામમાં રહે છે અને આશરે સાડા ચાર દાયકાથી આ વિસ્તારના આદિવાસીઓની સેવા કરી રહ્યા છે. તેમણે એ સાંજે પોતાના અનુભવો વર્ણવતાં એક જબરદસ્ત વાત કરેલી કે ગઢચિરોલીમાં વસતા આદિવાસીઓ અતિશય નિર્ધન છે. બે ટંક પેટ ભરવા માટે પણ તેમણે સખત પરિશ્રમ કરવો પડે છે, છતાં તેઓ ક્યારેય ભીખ માગતા નથી. કોઈ સામેથી કશું આપે તો પણ તે લેવાનો સ્વાભિમાનપૂર્વક ઇનકાર કરતા હોય છે! એ વિસ્તારમાં અતિશય ગરીબ અને ભૂખમરાથી પીડિત લોકો જોયા, પણ ક્યારેય ભિખારી જોવા મળ્યો નથી. ભીખ માગવી એ આપણી સંસ્કૃતિમાં શરમજનક બાબત ગણાય છે. આજેય ગામડાંઓમાં ગરીબ લોકો મોટી સંખ્યામાં છે, પણ લોકો ભીખ માગતા તો શું કશુંક ઉછીનું માગતાં પણ પારાવાર શરમ અનુભવતા હોય છે. ધાર્મિક સ્થળો ઉપરાંત આપણાં મોટા ભાગનાં નગરો અને શહેરોમાં ભિખારીઓની ભરમાર જોવા મળે છે. શહેરના મુખ્ય ચાર રસ્તાઓના સિગ્નલ પર વાહન રોકાતાં દયામણું મોં કરીને કરગરતા ચહેરાઓ અચૂક જોવા મળી જતા હોય છે.

એક તરફ દેશ સુપરપાવર બનવાનું સપનું જોઈ રહ્યો છે ત્યારે લાખો લોકો માગીભીખીને બે ટંકનું ભોજન માંડ મેળવી રહ્યા છે, એ દેશ માટે શરમજનક છે. જાણીતાં પ્રવાસન કેન્દ્રો, શ્રદ્ધાધામો અને શહેરનાં જાહેરસ્થળો પર મોટી સંખ્યામાં ભિખારીઓની ઉપસ્થિતિ આપણા દેશની આર્થિકની સાથે સાથે સાંસ્કૃતિક દરિદ્રતાનાં પણ દર્શન કરાવે છે. સત્તાવાર આંકડા દેશમાં ભિખારીઓની સંખ્યામાં ઘટાડો દર્શાવે છે. વર્ષ 2001ની વસ્તી ગણતરીના આંકડા અનુસાર દેશમાં 6,30,940 ભિખારીઓ હતા, જેમાં દસ વર્ષમાં મોટો ઘટાડો થયો અને વર્ષ 2011ના સેન્સસ ડેટા મુજબ દેશમાં 3,72,217 ભિખારીઓ હતા. લેટેસ્ટ આંકડા જોઈએ તો ઑગસ્ટ 2015માં એક પ્રશ્નના લેખિત જવાબમાં સામાજિક ન્યાયના રાજ્યમંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે દેશમાં 4,13,670 ભિખારીઓ છે. 2.2 લાખ પુરુષો અને 1.91 લાખ સ્ત્રીઓ ભિક્ષાવૃત્તિથી પેટ ભરી રહ્યાં છે. આ આંકડા સત્તાવાર છે, પરંતુ વાસ્તવિક આંકડો આનાથી મોટો-વિકરાળ હોઈ શકે છે.  દેશમાં સૌથી વધારે ભિખારી ધરાવતું રાજ્ય પશ્ચિમ બંગાળ છે અને દેશમાં સૌથી વધુ ભિખારી ધરાવતું શહેર દિલ્હી છે, જ્યાં 81,000 ભિખારીઓ છે. દેશની રાજધાની દિલ્હીમાં જ મોટી સંખ્યામાં ભિખારીઓ હોવાને કારણે દિલ્હીને ભિખારીમુક્ત બનાવવાની ઝુંબેશ છેલ્લાં કેટલાંય વર્ષોથી ચાલી રહી છે.

ભીખ માગનારા મૂળભૂત રીતે ગરીબ-બેકાર-લાચાર લોકો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ ભિખારીઓના કલ્યાણ (વેલફેર) માટે કેટલાક લોકો અને માનવ અધિકાર માટે કાર્યરત સંસ્થાઓ પ્રયત્નશીલ છે. ભિખારીઓને સન્માનપૂર્વકની જિંદગી આપવા માટે અનેક પ્રયાસોની સાથે સાથે કાયદાની મદદ પણ લેવાઈ રહી છે. તાજેતરમાં જ ભિખારીઓના મૂળભૂત નાગરિક અધિકારો અંગે થયેલી જાહેર હિતની બે અરજીઓની દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. કેન્દ્રના સામાજિક ન્યાય મંત્રાલય અને દિલ્હી સરકારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે અમે ટૂંક સમયમાં પર્સન્સ ઇન ડિસ્ટિટ્યુશન (પ્રોટેક્શન, કેર એન્ડ રિહેબિલિટેશન) મૉડલ બિલ, 2016 લાવી રહ્યા છીએ, જે ભિખારીઓના મૂળભૂત માનવ અધિકારોનું રક્ષણ કરશે, તેમને રક્ષણ પૂરું પાડશે, તેમની સંભાળ લેશે અને તેઓને તાલીમ આપીને રોજગારી પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવશે. કોર્ટને આ વિધેયકની નકલ પણ આપવામાં આવી હતી. ગયા બુધવારે જ આ વિધેયક અંગે ચર્ચા કરવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાયમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી.

ભિખારીઓ અને ઘરબાર કે કશાય આધારવિહોણા લોકો માટેના આ વિધેયકની રચના આમ તો વર્ષ 2015માં જ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેને સંસદમાંથી પસાર કરીને નક્કર કાયદાનું સ્વરૂપ મળી શક્યું નથી. ભિખારી અંગે આપણા દેશમાં કાયદો તો છે, પરંતુ તે વ્યક્તિને ભિખારી બનાવતા સંજોગો કે વ્યવસ્થાની વિરુદ્ધ નહીં, પરંતુ ભિક્ષાવૃત્તિ કરવા મજબૂર લોકોની વિરુદ્ધ છે! વર્ષ 1959માં મુંબઈ સરકારે (એ વખતે મહારાષ્ટ્ર રાજ્ય મુંબઈ સ્ટેટ તરીકે જાણીતું હતું) ધ બૉમ્બે પ્રિવેન્ટિંગ ઑફ બેગિંગ એક્ટ ઘડેલો અને પછી આ કાયદાને લગભગ તમામ રાજ્યોએ અપનાવેલો. આ કાયદો ભિક્ષાવૃત્તિ નાબૂદ કરવા માટે ભિખારીઓને પકડીને કાં તો સંરક્ષણ ગૃહમાં કે પછી જેલમાં ધકેલી દેવાના માર્ગે લઈ જનારો છે. આ કાયદા મુજબ માત્ર ભીખ માગનારા જ નહીં, પરંતુ જાહેર માર્ગો કે સ્થળો પર ગીત ગાઈને, નૃત્ય કરીને કે કરતબ બતાવીને લોકો પાસેથી રૂપિયા મેળવતા લોકોને પણ લાગુ પડે છે. આ કાયદામાં ભીખ માગવાનો ગુનો કરનારને દસ વર્ષ સુધીની જેલ થઈ શકે છે! જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી આ કાયદાનો સખત વિરોધ થઈ રહ્યો છે અને સરકાર આ કાયદાને નાબૂદ કરવા માટે વિચારણા કરી રહી છે. કેન્દ્ર સરકાર જો પર્સન્સ ઇન ડિસ્ટિટ્યુશન એક્ટ વહેલી તકે અમલમાં મૂકે, એવી આશા રાખીએ.

ભિક્ષુકોના હાલહવાલ અને અંગભંગિમાઓ જોઈને સંવેદનશીલ લોકોનું હૃદય પીગળી જતું હોય છે અને તેઓ બે-પાંચ રૂપિયા આપતાં જોવા મળે છે. ઘણા લોકોને ભિખારીઓની દયા આવે છે, પરંતુ તેઓ રૂપિયા આપવાનું પસંદ કરતાં નથી, કારણ કે આજકાલ ભિક્ષાવૃત્તિને વ્યવસાય બનાવી દેનારાની પણ કમી નથી! ભીખ માગવાની રીતો પણ હવે લોકોને ઠગ બનાવવા જેવી સ્માર્ટ થતી જાય છે! છતાં એક વાત સ્વીકારવી અને સમજવી રહી કે આપણો દેશ-સમાજ અને સરકાર જો ધારે તો દરેક હાથને કામ અને રોટી માટે વ્યવસ્થા કરી શકે છે, દરેક નાગરિક સન્માનપૂર્વકની આજીવિકા રળી શકે, એ માટે યોજના બનાવી શકે છે. જોકે, છેવાડેના માણસો માટે હજુ આપણા રાજકીય-સામાજિક નેતાઓની સંવેદના ઓછી પડે છે. દિવાળીના દિવસોમાં તમે લક્ષ્મીપૂજન કરો ત્યારે પોતાની સાથે સાથે દેશના એ લાખો ભિખારીઓ અને કરોડો ગરીબ દેશબાંધવો પર પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય એવા આશીર્વાદ માગજો!

(‘દિવ્ય ભાસ્કર’ની 26મી ઑક્ટોબર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ, બિનસંપાદિત)

No comments:

Post a Comment