Tuesday, October 11, 2016

જયપ્રકાશ નારાયણ : કાલીઘેલી વાતોના નહિ, પણ ક્રાંતિના લોકનાયક

દિવ્યેશ વ્યાસ


યુવાનીમાં આઝાદી આંદોલનમાં ઝુકાવનારા અને જીવનના ઉત્તરાર્ધમાં દેશની અવળે માર્ગે ચડી જઈને તાનાશાહીમાં ફેરવાતી લોકશાહીને ટકાવનારા નેતા તરીકે જયપ્રકાશ નારાયણ ખરા અર્થમાં 'ભારત રત્ન' હતા



બિહાર વિધાનસભાની ચૂંટણીની ચર્ચા સમગ્ર દેશમાં ચાલી રહી છે. બિહારની ચૂંટણીમાં વારંવાર લેવાતું એક નામ છે - જયપ્રકાશ નારાયણ, ટૂંકમાં જેપી. એક તરફના નેતાઓ ખુદને જેપીના શિષ્યો ગણાવી રહ્યા છે તો બીજી તરફનાં લોકો પણ જયપ્રકાશનું સપનું સાકાર કરવાનો દાવો કરી રહ્યા છે. અલબત્ત, ખુદને જેપીના શિષ્યો ગણાવનારા હોય કે જેપી માટે ભારોભાર માન હોવાનો દાવો કરનારા હોય, તમામને જેપીનાં નામે 'સારા' દેખાઈને મતો મેળવવા છે, બાકી લોકનાયક જયપ્રકાશ નારાયણે કલ્પેલી સંપૂર્ણ ક્રાંતિ અંગેની સમર્પણભરી સમજ કે પછી સંપૂર્ણ ક્રાંતિ માટે જરૂરી સંઘર્ષ આદરવાનું સાહસ ભાગ્યે જ કોઈનામાં શોધ્યું જડે એમ છે.

યુવાનીમાં આઝાદી આંદોલનમાં ઝુકાવનારા અને જીવનના ઉત્તરાર્ધમાં દેશની અવળે માર્ગે ચડી જઈને તાનાશાહીમાં ફેરવાતી લોકશાહીને ટકાવનારા નેતા તરીકે જયપ્રકાશ નારાયણ ખરા અર્થમાં 'ભારત રત્ન' હતા. ૧૯૭૦ના દાયકામાં દેશભરમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી અને રાજકીય અંધાધૂંધી પ્રવર્તતી હતી એવા માહોલમાં દેશના યુવાનો અકળાઈ ઊઠયા હતા. યુવાનોની અકળામણ અને આક્રોશની એ આગને યોગ્ય દિશા દઈને દેશહિતમાં વાળનારા જયપ્રકાશ જેવા નેતાની ખોટ આજે 'આંદોલનમય' ગુજરાતને પણ સાલી રહી છે ત્યારે ચાલો, આજે ૧૧મી ઓક્ટોબરે જયપ્રકાશ નારાયણના જન્મદિવસ નિમિત્તે તેમનાં વ્યક્તિગત કદ અને કાર્યક્ષેત્રની વિશાળતાની ઝલક મેળવવા સાથે તેમના ક્રાંતિકારી વિચારો વાગોળીએ ...


આજીવન રાજકીય ક્ષેત્રે સક્રિય અને લોકપ્રિય છતાં સત્તાનો મોહ તેમને ભાગ્યે જ ચળાવી શક્યો હતો. જયપ્રકાશના ક્રાંતિકારી જીવે તેમને ક્યારે ય સત્તાકારી બનવા જ ન દીધા. બાકી ભારતને હજુ આઝાદી નહોતી મળી ત્યારે જ તેઓ પોતાનાં વિચારો અને કાર્યોથી આંતરરાષ્ટ્રીય સ્તરે  ખ્યાતિ ધરાવતા હતા. ૧૯૪૨ના આંદોલન વખતે તેઓ 'યુવાહૃદય સમ્રાટ'નું બિરૂદ પામેલા. એક જમાનામાં જવાહરલાલ પછી ભારતના વડા પ્રધાન તરીકે તેમની જ યોગ્યતાનાં ગુણગાન ચારેકોર ગવાતાં હતાં. જેપી થોડીક 'વ્યાવહારિકતા' દાખવીને કોંગ્રેસમાં જ રહ્યા હોત તો વડા પ્રધાનપદ માટે તેમણે કોઈ ખાસ પ્રયાસો કરવાની જરૂર પડી ન હોત પણ તેમની દૃષ્ટિ ક્યારે ય ખુરશી-સત્તા તરફ રહી જ નહીં, દેશના આમ આદમીની ભલાઈ પર રહી અને તેઓ સામાન્ય જનતાની સેવા માટે અવિરત કાર્યરત રહ્યા. જેપી ક્રાંતિદૃષ્ટા હતા. જેપી ઝુઝારુ લડવૈયા ખરા પણ એ ઉપરાંત તેમનામાં બાહોશ સેનાપતિના ગુણો અને ચતુર મંત્રી તથા શાણા રાજા પેઠે દેશનું લાંબા ગાળાનું ભલું વિચારવાની કુનેહ પણ હતી અને એને કારણે જ તેઓ કાલીઘેલી ને ઠાલી વાતો નહિ ક્રાંતિના 'લોકનાયક' પુરવાર થયા હતા.

સ્વાતંત્રોત્તર ભારતમાં આંદોલનોનો ઇતિહાસ લખાશે ત્યારે જેપીનું સંપૂર્ણ ક્રાંતિનું આંદોલન સુવર્ણ અક્ષરે લખાશે. જેપીએ આદરેલું દરેક આંદોલન વિશાળ પટે ફેલાયેલું રહેતું, તે કદી એકાંગી જોવા ન મળે. જયપ્રકાશ નારાયણે જ્યારે બિહાર સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં ચાલી રહેલા આંદોલનનું સુકાન સંભાળ્યું ત્યારે તેમણે માત્ર નેતાઓ અને સરકારી અધિકારીઓ જ ભ્રષ્ટ છે, એ દૃષ્ટિએ નહીં પરંતુ સમગ્ર સમાજમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે અને દરેક સ્તરેથી તેને દૂર કરવો જરૂરી છે, એવી દીર્ઘદૃષ્ટિ સાથે આંદોલન આગળ વધારેલું. બિહાર આંદોલન સંદર્ભે ગુજરાતે ગર્વ લેવા જેવી વાત એ છે કે ગુજરાતના યુવાનોએ મોંઘવારી અને ભ્રષ્ટાચાર બાબતે ચીમનભાઈ પટેલની સરકાર વિરુદ્ધ ચલાવેલા નવનિર્માણ આંદોલ થકી જેપીને આશા અને દિશા સાંપડેલી. નવનિર્માણ આંદોલનથી સફળતા બાદ દેશના યુવાનોમાં ચેતના વ્યાપી ગયેલી. ૧૯૭૪ના પ્રારંભમાં બિહારમાં પણ કોંગ્રેસી સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓએ પોતાની મેળે આંદોલન શરૂ કરેલું, જેની કુલ ૧૨ માગણીઓ હતી. આઠ માગણીઓ શિક્ષણ અને વિદ્યાર્થીઓને સંબંધિત હતી જ્યારે બાકીની ચાર માગણીઓ રાષ્ટ્રજીવન સંબંધિત હતી, જેમાં ભ્રષ્ટાચાર દૂર કરો, મોંઘવારી દૂર કરો, બેકારી દૂર કરો અને શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવાની માગણી સામેલ હતી. બિહાર સરકારે વિદ્યાર્થી આંદોલનને લક્ષ્યમાં લીધું નહોતું અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર કાળો કેર વર્તાવ્યો હતો. લાઠીચાર્જ તો ઠીક ગોળીબારો પણ કરાયા હતા. જેપીની તબિયત સાથ નહોતી આપતી છતાં તેમણે વિદ્યાર્થીઓની વિનંતીઓ અને સરકારનાં અમાનુષી વલણ-વર્તન જોઈને આંદોલનનો દોર પોતાના હાથમાં સંભાળ્યો હતો.

તેમણે આંદોલન પૂર્ણપણે અહિંસક રાખવા માટે લોકો-યુવાનોનું ઘડતર શરૂ કરેલું. તેમણે પટનામાં મૌન સરઘસ યોજ્યું અને જાહેરસભામાં જે વાત કરેલી એ યાદ રાખવા જેવી છે, "આ શાંતિમય આંદોલનનો પ્રારંભ છે, હવે પછી આપણે સત્યાગ્રહની ભૂમિકામાં કામ કરવાનું છે. એક સરકાર જશે અને બીજી સરકાર આવશે તેટલા માત્રથી આપણું કામ સરવાનું નથી, એ તો ભૂત જશે અને પલીત જાગશે! માટે આપણે સમાજના રોગોનાં મૂળમાં જવાનું છે. હું તમારી સામે કાર્યક્રમ રજૂ કરીશ, પરંતુ આ લાંબી યાત્રા છે. આ કાંઈ અમુક પ્રધાનમંડળને ઊથલાવવાનું કામ નથી." અહિંસક આંદોલનની નીંભર સરકાર પર કોઈ અસર જ નહોતી જોવા મળતી, ઊલટું સરકાર તો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આંદોલનને કચડવા અને જેપીને બદનામ કરવા પર ઊતરી આવી હતી, આખરે જેપીને વિધાનસભા વિસર્જનની માગણી કરવાનું ઉપયુક્ત લાગ્યું હતું.

પાંચ જૂન, ૧૯૭૪ના રોજ પટણામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું. રાજ્યભરમાં લાખો લોકોએ વિધાનસભાનાં વિસર્જનનાં આવેદનપત્રો પર સહીઓ કરી હતી. સહી કરેલાં આવેદનપત્રોની એક આખી ટ્રક ભરાયેલી જે રાજ્યપાલને સોંપવામાં આવેલી ત્યાર બાદ જનસભામાં જયપ્રકાશ નારાયણે સંપૂર્ણ ક્રાંતિનું એલાન કર્યું હતું. તેમણે પોતાનાં ભાષણમાં કહેલું કે "હવે આ સંઘર્ષ માત્ર વિદ્યાર્થીઓના બાર મુદ્દા પૂરતો અને સરકારની બરતરફી અને વિધાનસભાનાં વિસર્જન પૂરતો જ મર્યાદિત રહેતો નથી, આ હવે સમગ્ર જનતાની સંપૂર્ણ ક્રાંતિ માટે લડત બને છે." જેપીનું બિહાર આંદોલનથી સરકાર ઊથલવા જેવું દેખીતું મોટું પરિવર્તન નહીં આવેલું, પરંતુ આ આંદોલને દેશની ચેતનાને જગાડી હતી. દેશનો યુવાન સરકારના અનાચાર-ભ્રષ્ટાચાર સામે જાગ્રત થઈ ગયો હતો, જેણે કેન્દ્રમાં ઇન્દિરા ગાંધીની ઊંઘ પણ હરામ કરી હતી.

જયપ્રકાશ નારાયણની સંપૂર્ણ ક્રાંતિને સપ્તક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં સમાજનાં સર્વ અંગોના ઝડપી પરિવર્તનની આહ્લેક હતી, જેપી માત્ર રાજકીય પરિવર્તન જ નહીં, પરંતુ મૂલ્યોનું, મનોવૃત્તિનું, સંબંધોનું, માળખાનું પરિવર્તન ઇચ્છતા હતા. જેપીએ કહેલું કે "સાત પ્રકારની ક્રાંતિઓ મળીને એક સંપૂર્ણ ક્રાંતિ બને છે - સામાજિક ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, રાજનૈતિક ક્રાંતિ, સાંસ્કૃિતક ક્રાંતિ, વૈચારિક અથવા બૌદ્ધિક ક્રાંતિ, શૈક્ષણિક ક્રાંતિ અને નૈતિક કે આધ્યાત્મિક ક્રાંતિ. આ ક્રાંતિ શબ્દમાં પરિવર્તન અને નવનિર્માણ બંને અભિપ્રેત છે." આમ, જેપી જડમૂળમાંથી પરિવર્તન આવે એવી ક્રાંતિમાં માનનારા હતા.

સંપૂર્ણ ક્રાંતિના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા હતા, તેવામાં ઇન્દિરા ગાંધીએ ૨૬ જૂન, ૧૯૭૫ના રોજ દેશ પર કટોકટી લાદી. જયપ્રકાશ જેવા મોટા મોટા તમામ નેતાઓને રાતોરાત જેલભેગા કરી દેવામાં આવેલા, જો કે જયપ્રકાશે જગાવેલી આંદોલનની જ્યોતિને પ્રતાપે ઇન્દિરાજીએ ઝૂકવું પડયું અને કટોકટી હટાવીને ચૂંટણીઓ જાહેર કરવી પડી, જેમાં ઇન્દિરા ગાંધી ખરાબ રીતે હારી ગયેલાં. દેશમાં મોરચા સરકાર આવેલી, જે આંતરિક ડખાઓને કારણે લાંબું ટકી શકેલી નહીં અને જેપીનું ભ્રષ્ટાચાર નાબૂદીનું સપનું રોળાઈ ગયેલું.

જેપીનું આ સપનું સાકાર કરવાની દાનત આજે કોનામાં દેખાય છે?

(‘સંદેશ’ની 11 ઑક્ટોબર, 2015ની ‘સંદેશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment