Wednesday, February 21, 2018

માતૃભાષા માટે શહાદત

દિવ્યેશ વ્યાસ


વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી વચ્ચે યાદ કરી લઈએ માતૃભાષા માટે પોતાનો જીવ ન્યોછાવર કરનારા શહીદોને


(તસવીરો ઇન્ટરનેટ પરથી જુદી જુદી વેબસાઇટ્સ પરથી લીધેલી છે.)

ભાષાના ઉદભવ પછી માનવી અન્ય પ્રાણીઓ કરતાં ચડિયાતો અને વધારે શક્તિશાળી બની શક્યો. માનવ સંસ્કૃતિના વિકાસમાં પણ ભાષાએ મહામૂલો ફાળો આપ્યો છે. કોઈ પણ સંસ્કૃતિ ભાષા રૂપી સરોવરમાં જ હિલોળા લેતી હોય છે. ભાષા વિના સંસ્કૃતિની હાલત જલ બિન મછલી જેવી બની જતી હોય છે. આજનો આધુનિક માનવી ત્રણથી વધારે ભાષાઓનો જાણકાર બન્યો છે, પરંતુ દરેકને પોતાની માતૃભાષા વિશેષપણે પ્યારી હોય છે. માતાના મુખેથી સાંભળેલી અને દુનિયામાં સૌથી પહેલા શીખેલી ભાષા એટલે માતૃભાષા. માતૃભાષાને એટલે દૂધભાષા પણ કહે છે. સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી થશે. માતૃભાષા દિવસ માટે  21મી ફેબ્રઆરી જ શા માટે પસંદ થઈ, એની પાછળ એક લોહિયાળ કહાણી છે. શું તમે માની શકો કે કોઈ સમાજ પોતાની માતૃભાષા માટે માર્ગ પર ઊતરીને આંદોલન કરે? શું તમે ધારી શકો કે તરુણો-યુવાનો પોતાની ભાષા માટે મોતની પણ પરવા કર્યા વિના સામી છાતીએ બંદૂકોની ગોળીઓ ઝીલે? હા, આવું જ થયું હતું પૂર્વ પાકિસ્તાનમાં (હાલના બાંગ્લાદેશમાં).

ઈ.સ. 1947માં ભારતના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાન બે હિસ્સામાં વહેંચાયેલું હતું. હાલનું બાંગ્લાદેશ ત્યારે પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું. પૂર્વ પાકિસ્તાન મુસ્લિમ બહુમતી ધરાવતો જ પ્રદેશ હતો, પરંતુ ત્યાંના લોકોની ભાષા અને સંસ્કૃતિ બંગાળી હતાં. ધર્મના  આધારે રચાયેલા પાકિસ્તાનના વડાઓએ નક્કી કર્યું કે દેશનો વહીવટ ઉર્દુમાં જ ચાલશે, જ્યારે પૂર્વ પાકિસ્તાનના લોકોની લાગણી હતી કે બંગાળી પણ રાષ્ટ્રની ભાષા બનવી જોઈએ. કટ્ટરતાના ઝેરથી સિંચાયેલી પાકિસ્તાની માનસિકતા ઉર્દુ ઉપરાંતની અન્ય કોઈ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે કઈ રીતે સ્વીકારી શકે! ઑગસ્ટ-1947માં આઝાદી મળી અને ડિસેમ્બર-1947માં તો પૂર્વ પાકિસ્તાનમાં રાષ્ટ્રભાષા સંઘર્ષ પરિષદની રચના કરવાની નોબત આવી ગયેલી. પ્રારંભિક વર્ષોમાં તો આશ્વાસનો આપીને ચલાવાયું, પરંતુ ધીમે ધીમે પૂર્વ પાકિસ્તાનના લોકોને સમજાયું કે આપણી લાગણી અને માગણીની સતત અવગણના જ થઈ રહી છે ત્યારે આંદોલન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. અનેક રજૂઆતો છતાં જ્યારે 27 જાન્યુઆરી, 1952ના રોજ જ્યારે પૂર્વ પાકિસ્તાનના મુખ્યમંત્રી ખ્વાજા નજીમુદ્દીને ઢાંકામાં જાહેર કર્યું કે આપણી રાષ્ટ્રભાષા તો માત્ર ઉર્દુ જ રહેશે ત્યારે લોકોની સહનશક્તિની હદ આવી ગઈ. ઢાંકા યુનિવર્સિટી અને અન્ય મહાવિદ્યાલયોમાં ‘રાષ્ટ્રભાષા બાંગ્લા ચાઇ’નો નારો બુલંદ બન્યો. સેંકડો યુવાનો આ સંઘર્ષમાં જોડાવા તલપાપડ હતા. ભાષા-સાહિત્યિક, સાંસ્કૃતિ, સામાજિક અને રાજકીય સંસ્થાઓના પ્રતિનિધિઓની 31 જાન્યુઆરીના રોજ મળેલી બેઠકમાં નક્કી થયું કે બાંગ્લાને રાષ્ટ્રભાષા બનાવવાની માગણી સાથે 21 ફેબ્રુઆરીના રોજ હડતાળ પાડવી.

વિરોધ પ્રદર્શનો  અને સભા-સરઘસોને અટકાવવા માટે કલમ 144 લાગુુ પાડી દેવાઈ. હથિયારબંધ સૈનિકો ખડકી દેવાયા છતાં ઢાકા યુનિવર્સિટી અને અન્ય કૉલેજોમાં વિદ્યાર્થીઓના ટોળા ઊમટી પડ્યાં. વિરોધ પ્રદર્શન અટકાવવા માટે યુવાનો પર ગોળીઓ વરસાવવામાં આવી, ડઝનબંધ યુવાનો ઘાયલ થયા અને પાંચ યુવાનોએ માતૃભાષા માટે હસતાં મોંએ  મોતને વહાલું  કર્યું. 23મી ફેબ્રુુઆરીએ શહીદોની યાદમાં સ્મારક બનાવવામાં આવ્યું, જેને સરકારે તોડાવી નાખ્યું.

યુવાનોની શહીદી પછી આંદોલન વધારે ઉગ્ર અને વ્યાપક બન્યું. આખરે પાકિસ્તાને ઝૂકવું પડ્યું. 7મી મે, 1954માં બંગાળીને રાષ્ટ્રભાષા બનાવવાનો ખરડો પસાર કરવામાં આવ્યો અને 29 ફેબ્રુઆરી, 1956ના રોજ પાકિસ્તાનના બંધારણમાં સુધારો કરીને બંગાળીને અધિકૃત રીતે પાકિસ્તાનની રાષ્ટ્રભાષાનો દરજ્જો મળ્યો. જોકે, આગળ જતાં લશ્કરી સરમુખત્યાર અયુબ ખાને 1959માં ફરી બંધારણમાં કુધારો કરીને બંગાળીનો રાષ્ટ્રભાષાનો દરજ્જો રદ કર્યો અને એ સાથે જ પાકિસ્તાનના ભાગલા અને અલગ બાંગ્લાદેશનાં બીજ વવાયાં હતાં.

પોતાની ભાષા માટે આવો પ્રેમ, આવો સંઘર્ષ અને આવી શહીદીનો બીજો દાખલો મળવો મુશ્કેલ છે, એને ધ્યાનમાં રાખીને જ યુનેસ્કોએ 17 નવેમ્બર, 1999ના રોજ 21 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કર્યો હતો. બાંગ્લાદેશમાં 21મી ફેબ્રુઆરી શહીદ દિવસ તરીકે પણ મનાવાય છે.

ભાષા સંવાદનો સેતુ રચવાનું ઉત્તમ માધ્યમ છે, પરંતુ કેટલાંક લુચ્ચાં સ્થાપિત હિતો અને ખંધા રાજકારણીઓ તેનો વિવાદ હેતુ ઉપયોગ કરતા આવ્યા છે. આને કારણે જ ભાષાવાદનાં વરવાં સ્વરૂપો જોવા મળતાં હોય છે. કદાચ આ બાબતને ધ્યાનમાં રાખીને જ વર્ષ 2018ના માતૃભાષા દિવસની થીમ ‘ટકાઉ વિકાસ માટે ભાષાકીય વિવિધતા અને બહુભાષાવાદનું યોગદાન’ પસંદ કરવામાં આવી છે.

ભાષાને સમૃદ્ધ કરીને રળીયામણી બનાવવાની  હોય, તેના નામે રાજકારણ ન રમવાનું હોય. ગુજરાતી ભાષા જિંદાબાદ!
(‘દિવ્ય ભાસ્કર’ની 21મી ફેબ્રુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કટારની મૂળ પ્રત)

No comments:

Post a Comment