Wednesday, August 17, 2016

સ્મરણ રાજીવનું, વાત સરહદની

દિવ્યેશ વ્યાસ


દેશનાં સરહદી ગામોના વિકાસમાં ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું યોગદાન ભાગ્યે જ કોઈના ધ્યાનમાં આવ્યું છે

(અહીં મૂકેલા ગ્રાફિકની ડિઝાઇન શોએબ મન્સુરીએ કરેલી છે.)

જુલાઈ મહિનામાં ગુજરાત રાજ્યના સરહદી ગામોમાં જવાનું થયું. ધારણા તો એવી હતી કે સાવ સરહદને અડીને આવેલાં છેવાડાનાં ગામડાંઓની હાલત તો કેવીય ગંભીર હશે. અગવડો અપાર હશે અને સમસ્યાઓ પારાવાર હશે. નહીં હોય રસ્તાનાં ઠેકાણાં, નહીં મળે વાહનવ્યવહારની સુવિધા, શિક્ષણ અને આરોગ્ય ‘દૂર’ની વાત હશે, લોકો પાણી અને વીજળીના નામે તોબા પોકારતા હશે, પણ ધાર્યા કરતાં ચિત્ર ઘણું ઊજળું નીકળ્યું. મોટા ભાગનાં ગામો સુધી પાક્કા-ડામરના રસ્તાઓ હતા અને પ્રમાણમાં સારી સ્થિતિમાં હતા. ગામોની અંદર આરસીસી રોડ હતા. કોઈ ગામ એવું નહોતું જ્યાં વીજળીની સુવિધા ન હોય. શાળાઓ હતી અને પૂરતા વર્ગખંડો પણ હતા. જોકે, શિક્ષકોનો અભાવ હતો, પરંતુ વિદ્યાર્થીઓની જરાય અછત નહોતી! એસટી એકાદ આવતી હોય કે એકેય આવતી જ ન હોય છતાં બસસ્ટેન્ડ બંધાયેલાં હતાં. પાણીની સમસ્યા છે, છતાં સરકાર દ્વારા રણકાંઠાનાં ગામોમાં ક્યાંક પાઇપલાઇનથી તો ક્યાંક ટેન્કરથી પાણી પહોંચતું હતું. એકંદરે એવું લાગ્યું કે 70 વર્ષ જૂની આઝાદીનાં ફળ સરહદી ગામોમાં ‘વિશેષ’ પહોંચ્યાં છે! આ ‘વિશેષ’નું રહસ્ય ઉકેલવા મથતાં હતાં ત્યાં રાપર તાલુકાના બેલા ગામના આગેવાન લક્ષ્મણસિંહ વાઘેલાને મળવાનું થયું.

58 વર્ષના લક્ષ્મણસિંહે વાત વાતમાં આઝાદીનાં ફળ સરહદી ગામોમાં ‘વિશેષ’ કઈ રીતે પહોંચ્યાં તેનું રહસ્ય ખોલી આપ્યું. તેમણે BADP નામની કેન્દ્ર સરકારની યોજના અમને સમજાવી. BADPનું પૂરું નામ થાય છે - બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ચલાવાતી આ યોજના અંતર્ગત સરહદથી 1-10 કિલોમીટરના વિસ્તારમાં આવેલાં ગામોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે વિશેષ નાણાં ફાળવવામાં આવે છે. 100 ટકા કેન્દ્ર સરકારના ભંડોળથી ચાલતી આ યોજનાનો વહીવટ સીધો જિલ્લા કલેક્ટર દ્વારા થાય છે અને તેને કારણે પ્રોજેક્ટ અંતર્ગતનાં વિકાસ-કાર્યોમાં ભ્રષ્ટાચારની શક્યતાઓ પણ ઘટી જાય છે. કેન્દ્ર સરકાર દર વર્ષે સરહદી ગામોની આ યોજના માટે માતબર રકમ ફાળવતી આવી છે, એટલે સરહદનાં ગામોમાં રોડ, વીજળી, પાણી સહિતની મૂળભૂત જરૂરિયાતની સુવિધાઓ તથા ખેતીમાં સિંચાઈ માટે આવશ્યક ચેકડેમ, ડેમ, તળાવ વગેરે માટે પણ પૂરતાં નાણાં મળી રહે છે. લક્ષ્મણસિંહ કહે છે કે અમને આ યોજનાનો લાભ મળતો હોવાથી અમારા જ તાલુકાનાં અન્ય ગામના લોકો અને નેતાઓને અમારી ઈર્ષા આવતી હોય છે!


યોજનાની વાત જાણીને ‘વિશેષ’નું રહસ્ય ખૂલ્યું ત્યાં લક્ષ્મણસિંહે વધુ એક ધડાકો કર્યો કે આ યોજના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ શરૂ કરાવી હતી. આ વાત જાણીને અમને આશ્ચર્ય થયું એટલે આ અંગે ખરાઈ માટે રાપર વિસ્તારના રાજકીય નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર બાબુ મેઘજી શાહ સાથે વાત કરી. બાબુભાઈએ જાણકારી આપી કે 80ના દાયકામાં કચ્છમાં સળંગ ચાર દુષ્કાળ પડેલા ત્યારે ઈ.સ. 1986માં અછતગ્રસ્ત વિસ્તારની મુલાકાત અર્થે રાજીવ ગાંધી રાપર તાલુકાના આણંદપર ગામે આવ્યા હતા. અહીં સરહદી ગામની પારવાર સમસ્યાઓ અને સુવિધાના અભાવ અંગે જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે તેમને સરહદી વિસ્તારમાં ગમે તેમ કરીને વિકાસ થવો જ જોઈએ, એ વાત તેમના મનમાં ઠસી ગઈ અને પછી તરત બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ નામની યોજના શરૂ કરવામાં આવી.

1986માં માત્ર પાકિસ્તાનની સરહદે આવેલાં રાજ્યો - જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત માટે શરૂ કરાયેલી BADP યોજના આજે દેશના 17 રાજ્યોમાં અમલમાં છે. આ વર્ષે સરકારે આ યોજના માટે 990 કરોડ રૂપિયા જેટલું બજેટ ફાળવ્યું છે. ગત જુલાઈમાં જ કેન્દ્ર સરકાર દ્વારા BADP માટે નવી માર્ગરેખાઓ જારી કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત સ્વચ્છતા અભિયાન અને સ્કિલ ઇન્ડિયા જેવી નવી યોજનાઓને પણ જોડવામાં આવી છે.

રાજીવ ગાંધીને આપણે ડિજિટલ રિવોલ્યુશનના પ્રણેતા તરીકે યાદ કરીએ છીએ, પરંતુ સરહદી વિસ્તારના વિકાસ માટેનું તેમનું વિઝન અને જબરદસ્ત યોજના શરૂ કરીને સફળ બનાવવા માટેનું તેમનું યોગદાન ભાગ્યે જ કોઈના ધ્યાનમાં આવ્યું છે. રાજીવ ગાંધીની દૃષ્ટિને કારણે જ આપણી સરહદો ઘૂસણખોરોના સ્વર્ગ સમી નો મેન્સ લેન્ડ બનતાં બનતાં બચી છે અને સરહદી ગામોમાં માળખાકીય સુવિધા અને રોજગારી પ્રાપ્ત થતાં લોકોની હિજરત અટકી છે. રાજીવ ગાંધીના આ યોગદાનના સ્મરણ સાથે તેમને સલામ!

(‘દિવ્ય ભાસ્કર’ની 17મી ઑગસ્ટ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’  કૉલમ-બિનસંપાદિત)

No comments:

Post a Comment