Showing posts with label ભગતસિંહ. Show all posts
Showing posts with label ભગતસિંહ. Show all posts

Wednesday, April 18, 2018

લોહીભીની માટી, લોખંડી નિર્ધાર

દિવ્યેશ વ્યાસ


જલિયાંવાલા બાગ હત્યાકાંડને 100 વર્ષ થવા આવ્યાં છે. સેંકડો લોકોની શહીદીએ લાખોમાં એક એવા શહીદ પેદા કરેલા!



જલિયાંવાલા બાગ હત્યાકાંડનું નામ કાને પડે કે તરત શરીરમાંથી લખલખું પસાર થયા વિના રહે નહીં. 13મી એપ્રિલ, 1919ના રોજ અમૃતસરમાં ઘટેલી ઇતિહાસની આ સૌથી ઘાતકી ઘટનાનું સોમું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે. કાળની પીઠ પર પડેલા લોહીઝાણ ઉઝરડા આજેય લોહીતરસી માનસિકતાના પાક્કા પુરાવા સમાન છે. આ હત્યાકાંડ શાસકોની કઈ હદે ક્રૂર બની શકે છે, તેનું નિર્લજ્જ ઉદાહરણ છે. જલિયાંવાલા હત્યાકાંડ પછી બ્રિટિશર્સ પ્રત્યેનો ભારતીયોનો ગુસ્સો રાતોરાત હજાર ગણો વધી ગયો હતો, એટલું જ નહીં ખુદ બ્રિટિશરો પણ આ હત્યાકાંડથી છોભીલા પડી ગયા હતા. ચર્ચિલ સહિતના બ્રિટિશ નેતાઓએ આ હત્યાકાંડને શબ્દો ચોર્યા વિના વખોડ્યો હતો. બ્રિટિશ અફસર દ્વારા આચરવામાં આવેલા આ હત્યાકાંડની દુનિયાભરમાં ખૂબ જ ટીકા થઈ હતી. જોકે, હત્યાકાંડમાં માર્યા ગયેલા હજારથી વધારે લોકોની શહીદી એળે ગઈ નહોતી. બ્રિટિશરો વિરુદ્ધનો સંઘર્ષ વધારે તીવ્ર બન્યો હતો. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આ નરસંહારનો વિરોધ કરીને પોતાનો નાઇટહૂડનો ખિતાબ બ્રિટિશ સરકારને પાછો આપી દીધો હતો!

જલિયાંવાલા બાગ હત્યાકાંડના નોંધાયેલા આંકડા અનુસાર જનરલ ડાયરના આદેશ મુજબ નિ:શસ્ત્ર લોકો પર 90 જેટલા સૈનિકો દ્વારા 1650 રાઉંડ ફાયર કરવામાં આવ્યા હતા. સરકારી આંકડા મુજબ આ હત્યાકાંડમાં માત્ર 379 લોકો માર્યા ગયા હતા, પરંતુ વાસ્તવિક આંકડો આનાથી ત્રણેક ગણો વધારે હતો. આશરે એક હજારથી વધારે લોકોએ આ હત્યાકાંડમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આમ, આ હત્યાકાંડમાં હજારેક લોકો શહીદ થયા હતા, પરંતુ તેમની શહીદી એળ નહોતી ગઈ, કારણ કે સમગ્ર દેશમાં જનાક્રોશ જાગવાની સાથે સાથે આ હત્યાકાંડે એક બાળકમાં ક્રાંતિની એવી જ્યોત જગાવી  હતી કે તે આગળ જતાં શહીદ-એ-આઝમ બન્યો હતો. આ બાળક એટલે બીજું કોઈ નહિ, ખુદ ભગતસિંહ!

ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907ના રોજ હાલના પાકિસ્તાનના ફૈસલાબાદ જિલ્લાના બંગા ગામમાં થયો હતો. બાળવયે ખેતરમાં બંધૂક વાવીને બહુ બધી બંધૂકોનો પાક લણીને તેનાથી અંગ્રેજોને ભગાડવાના મનસૂબા સેવનાર ભગતસિંહે જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ અંગે જાણ્યું ત્યારે તેમનું લોહી ઉકળી ઊઠ્યું હતું. હત્યાકાંડ થયો ત્યારે ભગતસિંહ માત્ર 12 વર્ષના હતા. આ હત્યાકાંડની ભગતસિંહ પર કેવી અસર પડેલી, તે અંગેનો કિસ્સો ખૂબ જાણીતો છે. કહેવાય છે કે ભગતસિંહે જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ અંગે જાણ્યા પછીના એક દિવસે તેઓ શાળાએ જવાને બદલે અમૃતસર પહોંચી ગયા હતા. જલિયાંવાલા બાગની મુલાકાત લીધી હતી અને હજારો લોકોના લોહીથી રંગાયેલી એ શહીદભૂમિની લોહીભીની માટી તેમણે એક  કાચની શીશીમાં ભરી લીધી હતી. કહેવાય છે કે સાંજે ઘરે પાછા ફરીને તેઓ પોતાનાં બહેન સમક્ષ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ભગતસિંહે લાંબા સમય સુધી શીશી પોતાની પાસે સાચવી રાખી હતી અને ક્યારેક ક્યારેક એ શીશીની માટીથી તિલક પણ કરતાં હતા અને અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવાનો મનસૂબો મજબૂત કરતા હતા. આમ, એ લોહીભીની માટીએ તેમને દેશને આઝાદી અપાવવાનો લોખંડી નિર્ધાર લેવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.

દેશ માટે હસતાં મોંએ ફાંસીના ફંદાને ચુમનારા ભગતસિંહના વિચારો આજે પણ આપણામાં ક્રાંતિની ચિનગારી જગાવે એટલા પ્રભાવશાળી છે, પણ હા, એ માટે આપણે તેમના લખાણો-વિચારો વાંચવાની તસદી લેવી પડે!

(‘દિવ્ય ભાસ્કર’ની 18મી એપ્રિલ, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Friday, February 5, 2016

કાયદે આઝમના દેશમાં શહીદે આઝમ

દિવ્યેશ વ્યાસ


પાકિસ્તાનમાં જાગ્યો છે ભગતસિંહ પ્રત્યે પ્રેમ. ભગતસિંહની સ્મૃતિઓને સાચવવાની અને વાગોળવાની ભાવના પાકિસ્તાનમાં તીવ્ર બની રહી છે. 


(ગૂગલ પરથી મેળવેલું ભગતસિંહનું સુંદર ચિત્ર)

બે મિત્રો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડે ત્યારે કાં હંગામી અબોલા થતાં હોય છે અને મામલો ગંભીર હોય તો કાયમ માટે નેહ-નાતો તૂટી જતો હોય છે, પણ જ્યારે બે ભાઈઓ વચ્ચે તનાતની થાય અને સંબંધોનો અંત આવે ત્યારે એકબીજા માટે ‘નાહી નાખવા’નું આત્યંતિક વલણ અખત્યાર કરાતું હોય છે. અંગત સ્તરે જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સંબંધોનું આ જ સમીકરણ લાગું પડતું હોય છે. આનું પોતીકું ઉદાહરણ આપણી સામે જ ભારત અને પાકિસ્તાનનું છે. ૨૦૦ વર્ષ સુધી અંગ્રેજોની ગુલામી વિરુદ્ધ ખભે ખભો મિલાવીને લડ્યા પછી આઝાદી વખતે એવા વિભાજિત થયા કે આજસુધી એક થઈ શક્યા નથી. એક ન થવાની વાત તો દૂર રહી પણ સાડા છ દાયકા પછી પણ બન્ને વચ્ચેના સંબંધો મૈત્રીપૂર્ણ પણ બની શક્યા નથી, એટલું જ નહીં, એકબીજા પ્રત્યેનો ધિક્કાર પણ ઓગાળી શકાયો નથી.

ભારતના ભાગલાને કારણે સૌથી વધારે ભોગ આઝાદીના ઇતિહાસને બનવું પડ્યું છે. આજે ય આઝાદી આંદોલનના પાકિસ્તાની નેતાઓ અંગે આપણે તટસ્થતા કેળવીને તેમને સન્માની શકતા નથી તો પાકિસ્તાનના ઇતિહાસનાં પુસ્તકોમાં ગાંધી-નેહરુ-સરદાર સહિતના નેતાઓને ભાગ્યે જ હીરો તરીકે મૂલવવામાં આવે છે. મેરે તો ઝીણા મહાન દુસરા ન હોઈ ...! પાકિસ્તાનમાં મોટા ભાગે આઝાદી આંદોલનની વાત મોહમ્મદ અલી ઝીણાથી શરૂ થઈને તેમના નામ સાથે જ પૂરી થતી હોય છે. જો કે, સદ્દભાગ્યે પાકિસ્તાનમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી માહોલમાં સુખદ બદલાવ આવી રહ્યો છે. અન્ય આઝાદી આંદોલનના નેતાઓ તો ઠીક પણ અત્યારના પાકિસ્તાનની સરજમીં પર જન્મેલા ભગતસિંહ માટે નવી પેઢીનો પ્રેમ વધતો જાય છે. છેલ્લાં ઘણા સમયથી કાયદા-એ-આઝમના દેશમાં શહીદ-એ-આઝમ ભગતસિંહની સ્મૃતિઓને સાચવવાની અને વાગોળવાની ભાવના તીવ્ર બની રહી છે.

વર્ષ ૨૦૧૨માં શહીદ ભગતસિંહની ૧૦૫મી જન્મતિથિ નિમિત્તે લાહોરના સ્થાનિક તંત્ર દ્વારા ભગતસિંહની શહીદીના સાક્ષી બનેલા શાદમાન ચોકનું નામ બદલાવીને શહીદ ભગતસિંહ ચોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનના લોકો દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી આ અંગે માગણી કરવામાં આવી હતી. લોકલાગણીને માન આપીને જ આ નિર્ણય લેવાયો હતો. છેલ્લાં થોડા મહિનાઓથી પાકિસ્તાની અખબારોમાં ભગતસિંહનું નામ સતત ચર્ચામાં રહે છે. આ ચર્ચાનું નિમિત્ત પૂરું પાડ્યું છે - ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના અધ્યક્ષ ઇમ્તિયાઝ રાશિદ કુરેશીએ. તમને જાણીને નવાઈ લાગશે પણ ઇમ્તિયાઝ રાશિદ કુરેશી, ભગતસિંહને જે સૌંડર્સ હત્યા કેસમાં ફાંસી અપાઈ હતી, એ કેસમાં નિર્દોષ સાબિત કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે! ઇમ્તિયાઝ રાશિદ કુરેશીનું માનવું છે કે સૌંડર્સ હત્યા કેસમાં ભગતસિંહ વિરુદ્ધ જે કાનૂની કાર્યવાહી કરવામાં આવી, તેમાં અનેક ઊણપો હતી અને ઉતાવળિયો નિર્ણય લઈને ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસીને માંચડે લટકાવી દેવામાં આવ્યા હતા. ઇમ્તિયાઝના આ અંગેના પ્રયાસોએ હવે આંતરરાષ્ટ્રીય મીડિયાનું પણ ધ્યાન ખેંચ્યું છે. થોડા મહિના પહેલાં ઇમ્તિયાઝે કોર્ટ પાસેથી હુકમ મેળવીને લાહોરના અનારકલી પોલીસ થાણામાંથી સૌંડર્સ હત્યાની એફ.આઈ.આર.ની ખરી નકલ મેળવવામાં સફળતા મેળવી હતી. આ એફ.આઈ.આર.માં ભગતસિંહનું નામ ન હોવાથી ઇમ્તિયાઝનો જુસ્સો બેવડાયો છે.

પ્રસ્તુત એફ.આઈ.આર.ની વિગત જોઈએ તો ૧૭ ડિસેમ્બર, ૧૯૨૮માં એ.એસ.પી. જૉન પી. સૌંડર્સની હત્યા પછી ઢળતી બપોરે આશરે સાડા ચારે બે અજાણ્યા બંદુકધારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ઉર્દુમાં નોંધાયેલી આ એફ.આઈ.આર. અનુસાર ફરિયાદી તથા સાક્ષી તરીકે એક પોલીસ અધિકારીએ જણાવેલું કે મેં એક વ્યક્તિનો પીછો કરેલો, જેનું કદ પાંચ ફીટ પાંચ ઇંચ હતું. હિંદુ ચહેરો હતો. નાની મૂછો હતી. પાતળું પણ કસાયેલું શરીર હતું. તેણે સફેદ પાયજામો અને ગ્રે રંગનો કૂરતો પહેર્યો હતો. તેણે ક્રિસ્ટી જેવી કાળી ટોપી પણ પહેરી હતી. આ કેસ આઈ.પી.સી.ની ધારા ૩૦૨, ૧૨૦ અને ૧૦૯ અંતર્ગત નોંધાયો હતો.

આ કેસ અંગે ઇમ્તિયાઝની મુખ્ય ફરિયાદ એ છે કે કેસમાં ૪૫૦ સાક્ષીઓની કોઈ પૂછપરછ કરવામાં આવી નહોતી. વળી, ભગતસિંહના વકીલને પણ પ્રતિદલીલ કે સવાલો કરવાની તક આપવામાં આવી નહોતી. ઇમ્તિયાઝ ઇચ્છે છે કે આ કેસ ફરી ખોલવામાં આવે. એફ.આઈ.આર.ની નકલ મળ્યા પછી તેમના પ્રયાસોના પરિણામે લાહોર હાઇકોર્ટે ચીફ જસ્ટિસને અપીલ કરી છે કે આ મામલે સુનાવણી માટે એક ઉચ્ચ સ્તરીય ખંડપીઠ રચવામાં આવે.

પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા ભગતસિંહ માટે આટલી બધી મહેનત કરે, એ બેશક આનંદદાયક ઘટના છે. ઇમ્તિયાઝના પ્રયાસોથી ભગતસિંહના પરિવારજનો પણ રાજી થયા છે, એટલું જ નહીં ભગતસિંહના ભત્રીજા કિરણજીતસિંહ સંધૂ તો પાકિસ્તાનના વિઝા મેળવીને લાહોર જવાની અને ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનને મદદરૂપ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કિરણજીતસિંહે આ અંગે જણાવ્યું હતું કે ભગતસિંહ જો સૌંડર્સ કેસમાં નિર્દોષ પુરવાર થશે તો પછી બ્રિટિશ સરકાર વિરુદ્ધ ભગતસિંહની હત્યાનો કેસ કરવાનો મારો ઈરાદો છે!

ભગતસિંહની ફાંસીનો મામલો જોઈએ તો એ વાતમાં કોઈ શક નથી કે અંગ્રેજો તેમને ફાંસીના માંચડે લટકાવી દેવા માટે અધીરા થયા હતા. જાણીતા ધારાશાસ્ત્રી એ.જી. નુરાણીએ પોતાના પુસ્તક ‘ધ ટ્રાયલ ઑફ ભગતસિંહ : પોલિટિક્સ ઑફ જ્યુડિશિયરી’માં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે સૌંડર્સ હત્યા કેસ માટે જે ટ્રિબ્યુનલ બનાવાઈ હતી, તેમાં બે બ્રિટિશ અને એક ભારતીય ન્યાયાધીશ હતા. બન્ને બ્રિટિશ જજ ભગતસિંહ અને સાથીઓને ફાંસી આપવા માટે તત્પર હતા. આ અન્યાય જોઈને ભારતીય ન્યાયાધીશ જસ્ટિસ આગા હૈદર જૈદીએ રાજીનામું ધરી દીધું હતું. આ પરથી સ્પષ્ટ થાય છે કે બ્રિટિશ સરકાર ગમે તેમ કરીને ભગતસિંહને ફાંસીના માંચડે ચડાવવા માગતી હતી.

અલબત્ત, સૌંડર્સ હત્યામાં ભગતસિંહનો કોઈ હાથ હતો નહીં, એવું કહી શકાય નહીં. ભગતસિંહ પર લખાયેલાં મોટા ભાગનાં પુસ્તકોમાં સ્પષ્ટ છે કે ભગતસિંહ અને સાથીઓએ લાલા લજપતરાયના ખૂનનો બદલો ખૂનથી લેવાનું કાવતરું ઘડ્યું હતું. લાલા લજપતરાય સાઇમન કમિશનનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે સુપરિટેન્ડન્ટ ઑફ પોલીસ જે.એ. સ્કોટના હુકમથી આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કરાયો. સ્કોટની નજર સામે લાલા લજપતરાયને પીટવામાં આવી રહ્યા હતા અને તેણે લાલાજી બેભાન થઈને ઢળી પડ્યા ત્યાં સુધી પોલીસોને વાર્યા નહોતા. ભગતસિંહ અને રાજગુરુ પોતે જ સ્કોટને ઠાર મારવા ગયા. જોકે, સ્કોટ તે દિવસે ઇંગ્લેંડથી પધારી રહેલાં પોતાનાં સાસુને લેવા ગયા હતા એટલે બચી ગયા અને ખોટી ઓળખને કારણે સૌંડર્સ ઘાએ ચડી ગયો. રાજગુરુની એક ગોળીએ સૌંડર્સ ઢળી પડ્યો અને પછી ભગતસિંહે પણ ગોળીઓ મારી હોવાનું કહેવાય છે. ભગતસિંહે કે સાથીઓએ ક્યારેય સૌંડર્સ હત્યામાં પોતે નિર્દોષ હોવાનું કહ્યું નહોતું. આમ, ભગતસિંહ ૮૪ વર્ષ જૂના મામલામાં ‘નિર્દોષ’ હોવાનું કહી શકાય એમ નથી. એ જોતાં, ઇમ્તિયાઝના પ્રયાસો કેટલા સફળ થશે, એ કહેવું મુશ્કેલ છે, પણ આનંદદાયક વાત એ છે કે આ કેસને કારણે પાકિસ્તાનની નવી પેઢી ભગતસિંહના યોગદાન અને શહાદતથી વાકેફ થઈ રહી છે.

પાકિસ્તાનમાં ભગતસિંહ માટેનું આકર્ષણ વધ્યાનો બીજો એક પુરાવો પણ મળ્યો છે. ભગતસિંહનો જન્મ હાલના પાકિસ્તાનના ફૈસલાબાદ જિલ્લાના બાંગે ગામમાં ૨૮ સપ્ટેમ્બર, ૧૯૦૭ના રોજ થયો હતો. ફૈસલાબાદના લોકોને ભગતસિંહ પોતાની માટીના સપુત હોવાનું ગૌરવ છે. પાકિસ્તાન સરકારે ભગતસિંહના ઘર, શાળા અને ગામના પુનરોદ્ધાર માટે એક યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત આઠ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. ભગતસિંહના પૈતૃક ઘરનો કબજો મેળવીને ત્યાં તેમની ચીજવસ્તુઓનું મ્યુઝિયમ પણ બનાવવાનું આયોજન છે.

પાકિસ્તાનમાં ભગતસિંહ પ્રત્યે વધતા આદર અને સન્માન એક આનંદદાયક ઘટના છે. આશા રાખીએ પાકિસ્તાનની નવી પેઢી કટ્ટરવાદી આતંકીને નહીં પણ ભગતસિંહ જેવા ક્રાંતિકારીને રોલમૉડલ બનાવે. 

(આ લેખ મૂળે તો મેં સંદેશની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત થતી મારી કૉલમ ‘સમય સંકેત’ માટે લખેલો અને 11 મે, 2014ના અંકમાં પ્રસિદ્ધ થયેલો (http://www.sandesh.com/article.aspx?newsid=2938261). આદરણીય પ્રકાશભાઈ શાહને આ લેખ ગમેલો અને તેમણે કહેલું કે આ લેખમાં સુધારા-વધારા-ઉમેરા કરી આપો તો ‘નિરીક્ષક’માં છાપીએ. 16 માર્ચ, 2015ના ‘નિરીક્ષક’ના પૃ. 11-12 પર આ લેખ પ્રકાશિત થયેલો, જેને વિપુલભાઈએ પોતાના ઓનલાઇન મેગેઝિન ‘ઓપિનિયન’માં પણ સ્થાન આપેલું. (http://opinionmagazine.co.uk/details/1329/કાયદે-આઝમના-દેશમાં-શહીદે-આઝમ) 4થી ફેબ્રુઆરી, 2016ના અખબારોમાં ફરી ભગતસિંહ માટે પાકિસ્તાન માટે થઈ રહેલા પ્રયાસો ચમક્યા છે ત્યારે ‘ઓપિનિયન’ પરથી આ લેખ હાથવગો કરીને અહીં રજૂ કર્યો છે.)