Wednesday, September 21, 2016

વહાલો લાગે છે વાદળી રંગ!

દિવ્યેશ વ્યાસ



એક રિસર્ચ અનુસાર  ઇન્ટરનેટ પર વાદળી રંગની બોલબાલા છે. વાદળી રંગ પર વહાલનાં કારણો જાણો છો?


(કોલાજ ‘દિવ્ય ભાસ્કર’ના ડિઝાઇનર શોએબ મન્સુરીએ તૈયાર કરેલું છે)

ગુજરાતી ભાષાનાં નિતાંત સ-રસ પુસ્તકોમાંનું એક એટલે ‘શિયાળાની સવારનો તડકો’. વાડીલાલ ડગલીના આ નિબંધસંગ્રહના પહેલા જ નિબંધનું શીર્ષક છે - ‘આકાશ બધે આસમાની છે’. પૃથ્વી પર આમ પણ વાદળી રંગનું પ્રભુત્વ રહ્યું છે. બ્રહ્માંડના ગ્રહો પર નજર નાખીશું તો તેમાં પૃથ્વી પોતે જ વાદળી રંગની જોવા મળશે! વાદળી રંગનો પ્રભાવ આપણા પર એટલો બધો છે કે આપણા આદિદેવ શિવ પણ વાદળી રંગના જ દર્શાવાય છે, એટલું જ નહીં, વિષ્ણુ ઉપરાંત તેમના અવતાર મનાતા શ્રીરામ અને શ્રીકૃષ્ણને પણ આપણે વાદળી રંગના જ ભજીએ છીએ. આમ, વાદળી રંગ પ્રત્યેનું વહાલ પૌરાણિક કાળથી ચાલ્યું આવે છે અને આજે પણ અકબંધ છે! તાજેતરમાં ઇન્ટરનેટ પર વેબસાઇટ્સમાં વપરાતા રંગો પર એક સંશોધન હાથ ધરાયું હતું, જેમાં વાદળી રંગની બોલબાલા જોવા મળી છે.

વાત એમ છે કે પૉલ હેબર્ટ નામના ડિઝાઇનરે ઇન્ટરનેટ પરની સૌથી લોકપ્રિય એવી દસ વેબસાઇટ્સનો રંગની દૃષ્ટિએ અભ્યાસ કર્યો. આ વેબસાઇટ્સના હોમપેજ અને સ્ટાઇલશીટમાં વાપરવામાં આવેલા રંગો અને તેના શેડ્સનું વિસ્તૃત વિશ્લેષણ કરતાં તેને જોવા મળ્યું કે મોટા ભાગની વેબસાઇટ્સ વાદળી રંગને પસંદ કરે છે અને પ્રાધાન્ય આપે છે. લાલ અને પીળા કરતાં વાદળી રંગનો બે ગણો વધારે ઉપયોગ જોવા મળે છે, તો લીલા રંગ કરતાં તો વાદળી રંગ ત્રણ ગણો વધારે વપરાતો હોવાનું જોવા મળ્યું છે. આમ તો ઇન્ટરનેટ પર 47 લાખથી વધારે વેબસાઇટ્સ છે, તેની સામે માત્ર 10 વેબસાઇટ્સનો નમૂનો બહુ નાનો જ કહેવાય, છતાં આ 10 વેબસાઇટ્સમાં ગૂગલ, યુટ્યૂબ, ફેસબુક, બૈદુ (ચીનની સોશિયલ સાઇટ), યાહૂ, વિકિપીડિયા, એમેઝોન, ટ્વિટર વગેરેનો સમાવેશ થાય છે. આમાંની કેટલીક વેબસાઇટ્સનો દબદબો તો એટલો બધો છે કે તે ઇન્ટરનેટના પર્યાય સમાન જ ગણાય છે! આમ, ઇન્ટરનેટ પર વાદળી રંગ છવાયેલો છે, એવું ચોક્કસ કહી શકાય. વાડીલાલ ડગલીના નિબંધના શીર્ષકની તર્જ પર એવું પણ કહેવાનું મન થાય કે ઇન્ટરનેટ બધે આસમાની છે!


વાદળી રંગ પ્રત્યેનું વહાલ ઇન્ટરનેટ ઉપરાંત કપડાંથી લઈને કોર્પોરેટ વર્લ્ડ સુધી વિસ્તરતું જ રહે છે. યુવાનોમાં જીન્સની લોકપ્રિયતા હવે આસમાને પહોંચી છે અને જીન્સમાં તો પહેલેથી આસમાની-વાદળી રંગ જ સૌથી વધારે પોપ્યુલર રહ્યો છે. જીન્સ પહેરનાર ભાગ્યે જ હશે, જેની પાસે બ્લૂ જીન્સ ન હોય. કોર્પોરેટ ક્ષેત્રે પણ લોગોથી માંડીને ફર્નિચરમાં બ્લૂ શેડ્સ વધારે પસંદગી પામી રહ્યા છે. હવે તો માર્કેટિંગના ક્ષેત્રમાં પણ રંગોની બહુ મોટી ભૂમિકા સ્વીકારવામાં આવી છે. મનોવિજ્ઞાનના આધારે કેમ્પેઇનમાં રંગોની પસંદગી કરવામાં આવતી હોય છે. બજારનું મનોવિજ્ઞાન કહે છે કે વાદળી રંગ પહેરનારા પ્રામાણિક અને વિશ્વાસપાત્ર હોવાની છાપ પેદા થતી હોય છે અને એટલે જ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સ કે બેન્કકર્મી માટે વાદળી કે તેના જુદા જુદા શેડ્સના રંગોનાં વસ્ત્રો પહેરવાનો આગ્રહ રખાતો હોય છે.


આકાશનો રંગ વાદળી છે અને એટલે આ રંગ સાથે આપોઆપ વિશાળતા પણ જોડાઈ જતી હોય છે. વાદળી રંગ સર્વસમાવેશકતાનો પણ ભાવ ધરાવે છે અને એટલે દલિત આંદોલનો અને દલિત રાજકારણ કરનારા પક્ષો પણ પોતાના ધ્વજ અને ચિહ્્નોમાં વાદળી રંગ પર પસંદગી ઉતારતા હોય છે. વાદળી રંગ આક્રમક રંગ નથી તથા તે સુખદાયક, શાંતિ અને સ્થિરતાનો રંગ ગણાય છે. ફેંગશૂઈમાં વાદળી રંગ પ્રગતિ અને સકારાત્મક પરિવર્તનનો રંગ મનાય છે. વાદળી રંગ પૃથ્વી પર જળ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં 70 ટકા પાણીનો ભાગ હોય છે ત્યારે વાદળી રંગ પ્રત્યે વહાલ ન ઊપજે તો જ નવાઈ!



(‘દિવ્ય ભાસ્કર’ની 21મી સપ્ટેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment