Wednesday, September 7, 2016

હવે તો જાગી છે સંવેદના

દિવ્યેશ વ્યાસ


દાનો માંઝી વગેરેની ઘટનાઓ અને દલિત અત્યાચારોનું ચમકવું એ ખરેખર તો આપણી સંવેદના વધુ તીવ્ર બન્યાના પુરાવા છે


(અમાનવીય ઘટનાઓની તસવીરોનું આ કોલાજ ‘દિવ્ય ભાસ્કર’ના ડિઝાઇનર શોએબ મન્સુરીએ તૈયાર કર્યું છે.)

ઓડિશા રાજ્યના કાલાહાંડી વિસ્તારની કમનસીબી એ છે કે ત્યાંથી આપણાં કાળજાં બળે એવા જ સમાચારો મળતા હોય છે. ભૂખમરા માટે કુખ્યાત આ વિસ્તારમાંથી ઑગસ્ટના છેલ્લા સપ્તાહમાં બે સમાચારે માત્ર આપણા દેશના જ નહીં, પરંતુ વિશ્વભરના લોકોની લાગણીને ઝકઝોળી હતી. દાનાે માંઝીની પત્નીનું ટીબીની સારવાર દરમિયાન મોત થયું. નાણાંના અભાવે કોઈ વાહન ન મળતાં આખરે દાનોભાઈએ પત્નીની લાશને કાપડથી વીંટાળીને ખભે ચડાવીને પોતાના ગામ તરફ ચાલતી પકડી. ખભે પત્નીની લાશ લઈ જતાં દાનો માંઝી અને ચોધાર આંસુએ રડતી દીકરીનાં દૃશ્યો ન્યૂઝ ચેનલ્સ અને અખબારોમાં ચકમતાં કરોડો લોકોની આંખો ભીની થઈ હતી. દાનો માંઝીના સમાચાર ક્લિક થતાં બાલાસોર વિસ્તારની 24 ઑગસ્ટની ઘટના પણ પ્રકાશમાં આવી. સોલોમની બારિક નામની આધેડ મહિલાનું અંજીગ્રામ સ્ટેશન પર ટ્રેનથી ટકરાવાથી મોત થયું. અકડાઈ ગયેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા માટે તેના થાપાનું હાડકું તોડીને પોટલું વાળી દેવાયું!

આ બે સમાચારે એટલી ચકચાર જગાવી કે આ પ્રકારની ઘટનાઓને અચાનક પ્રાધાન્ય મળવા લાગ્યું અને આવા ન્યૂઝની હારમાળા સર્જાઈ. મધ્યપ્રદેશના દામોહમાં ચાલુ બસમાં એક બીમાર મહિલાનું મોત થયું. ડ્રાઇવરે એ મહિલાના પતિ રામસિંહ, તેમની માતા અને માત્ર પાંચ દિવસની નવજાત બાળકીને પત્નીના મૃતદેહ સાથે જંગલમાં વચ્ચે જ બસમાંથી ઉતારી દીધાં. તો બીજી ઘટના મધ્યપ્રદેશના જ બડામલહરામાં બની. વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે ગર્ભવતી મહિલાએ પ્રસૂતિ માટે 6 કિલોમીટર ચાલીને દવાખાને જવું પડ્યાના સમાચાર ચમક્યા.

અન્ય એક ઘટના ઉત્તર પ્રદેશ કાનપુરમાં ઘટી. 12 વર્ષના અંશને મોડી રાતથી તાવ આવ્યો હતો. પિતા હોસ્પિટલ લઈ ગયા, પરંતુ સારવાર મળે એ પહેલાં ખભે સુવડાવી રાખેલો પુત્ર હંમેશ માટે પોઢી ગયો!
આવી એક આઘાતજનક ઘટના ગુજરાતમાં વડોદરા ખાતે પણ ઘટી. રવિ કિશોરશંકર રાવ નામના યુવકનું બીમારીને કારણે મોત થયું. નાણાં અને કાંધિયાના અભાવે તેનાં માતા-પિતાએ મૃતદેહ લઈને દસ-બાર કલાક બેસી રહેવું પડ્યું હતું.

આવી ઘટનાઓના ન્યૂઝ જોઈને ઉતાવળે એવાં તારણો કાઢવામાં આવી રહ્યાં છે કે આપણી માનવતા મરી પરવારી છે. આજનો માણસ-સમાજ સંવેદનહીન બની ગયો છે. આપણી સરકાર નિષ્ક્રિય-નિષ્ઠુર છે વગેરે વગેરે. જોકે, સાવ એવું નથી. આ ઘટનાઓ બેશક એવી જ છે કે આપણી સંવેદનાઓ સામે સવાલ ઊભા કરી શકાય, પરંતુ જરાક અલગથી અને લાંબું વિચારતાં સમજાય છે કે આ ઘટનાઓનું આપણાં મુખ્યધારાનાં માધ્યમોમાં ચમકવું એ ખરેખર તો આપણી સંવેદના જાગી હોવાના જ સંકેત આપે છે. આવી ઘટનાઓ અગાઉ નહોતી બનતી એવું તો છે જ નહીં, પરંતુ હવે બને છે ત્યારે લોકો એની નોંધ લઈ રહ્યા છે, સોશિયલ મીડિયા પર એની ચર્ચા કરવા માંડ્યા છે અને પરિણામે માધ્યમોને પણ હવે તેમાં ‘ન્યૂઝ વેલ્યૂ’ દેખાવા માંડી છે.

દલિત અત્યાચારના મામલે પણ આવું જ બન્યું છે. ઉના પછી અચાનક દલિત અત્યાચારના સમાચારોની સંખ્યા વધી ગઈ છે. અત્યાચાર તો થતાં જ હતા, પરંતુ હવે તેને માધ્યમોમાં સ્થાન મળી રહ્યું છે. આમ, દાનો માંઝી વગેરેની ઘટનાઓ અને દલિત અત્યાચારોનું ચમકવું એ ખરેખર તો આપણી સંવેદના વધુ તીવ્ર બન્યાના પુરાવા છે. આશા રાખીએ આવી ઘટનાઓ અંગે ઊહાપોહ થતો રહે અને તેના ઉપાયો-ઉપચાર અંગે ગંભીર વિચારણા થાય.

(‘દિવ્ય ભાસ્કર’ની 7 સપ્ટેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment