Monday, October 26, 2020

સ્વાયત્તતા મુદ્દે જનજાગૃતિ આંદોલન જારી રહેશે : પ્રકાશ ન. શાહ

મુલાકાત : દિવ્યેશ વ્યાસ


અકાદમીની સ્વાયત્તતા મુદ્દે ચૂંટણીમાં મત સ્વરૂપે અમને નિર્ણાયક સ્વીકૃતિ મળી છે. સ્વાયત્તતા જેવા મુદ્દે જાગૃતિ ઝુંબેશ પરિષદના વિકાસની જ પ્રક્રિયા છે

(નવરંગપુરા, અમદાવાદના પોતાના નિવાસસ્થાને (પ્રકાશ બંગલો) હિંચકા પર ઝૂલતા પ્રકાશભાઈની 2018ના વર્ષમાં તેમના જન્મદિવસ નિમિત્તે લીધેલી તસવીર. તસવીરકાર: બિનીત મોદી)

ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખ પદની ચૂંટણીના ત્રિપાંખિયા જંગમાં વિજેતા બન્યા પછી પ્રકાશ ન. શાહે ‘દિવ્ય ભાસ્કર’ને પોતાની સૌપ્રથમ વિસ્તૃત મુલાકાત આપી હતી. પોતાના ઇન્ટરવ્યૂમાં તેમણે પરિષદના વિકાસથી માંડીને સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા મુદ્દે સંઘર્ષ અંગે તેમનાં આગામી આયોજનો અને રણનીતિ અંગે વિગતે વાતો કરી હતી.


તમે અગાઉ અન્ય લોકો માટે ઉમેદવાર પદેથી ખસી ગયા હતા, તો આ વખતે એવું તે કયું જુનૂન સવાર થયું કે ઉમેદવારી માટે છેક સુધી મક્કમ રહ્યા?

પ્રશ્ન જુનૂનનો નહિ, દૃઢતાનો હતો અને છે. છેલ્લાં વર્ષોમાં બે-એક વાર મારું નામ સૂચવાયું ત્યારે જે સંજોગો હતા, એમાં મને વ્યક્તિગત ઉમેદવારી રૂપે દરમિયાન થવા જેવું લાગ્યું નહોતું. હું સ્વાયત્તતાના સંદર્ભે આંદોલનમાં સંકળાયો, તેના ભાગ રૂપે ટોપીવાળા ને સિતાંશુના સમર્થનમાં રહેવાનું નક્કી કરેલું. મારું નામ સૂચવનારાઓને આ મુદ્દે સમજાવેલા. આ વખતે જોયું કે અકાદમીની સ્વાયત્તતા મુદ્દે ઝીંક ચાલુ રાખે એવી ઉમેદવારી નથી. એથી મને પૂછવામાં આવ્યું ત્યારે મેં હા પાડી. જોકે, આ ચર્ચા અગાઉ થઈ શકી નહોતી, એટલે થોડા મોડા પડ્યા હતા. અમે ચૂંટણીમાં ઝંપલાવવાનું વિચાર્યું ત્યારે હર્ષદભાઈ અને તેમના સાથીદારો - ડંકેશ ઓઝા અને કિરીટ દૂધાત વગેરેએ કામગીરી શરૂ કરી દીધી હતી.

બીજું કે હું નિર્ણય લીધા પછી પાછી પાની કરતો નથી. મેં મારા નિર્ણયની કસોટી હાર-જીત રાખ્યાં નથી. કરવા જેવું લાગે, તે હું હાર-જીતની પરવા કર્યા વિના કરું છું.


આજે રાજ્ય-દેશની રાજકીય-સામાજિક-સાહિત્યિક પરિસ્થિતિમાં તમે તમારી જીતને કેવી રીતે જુઓ છો?

                                  તસવીરકાર: બિનીત મોદી
સામાન્ય રીતે રાજકીય પક્ષના અર્થમાં નહિ, પણ લોકશાહી સમાજના વ્યાપક દર્શન માટે ઊભા રહેવું, એવું મનોબંધારણ અને 40-50 વર્ષના જાહેરજીવનના સંધાનનું આ પરિણામ છે. અને સ્વાયત્તતા એ માત્ર કોઈ એકલદોકલ સંસ્થાનો સવાલ નથી, પરંતુ એકદંર અભિગમ અને આબોહવાનો સવાલ છે. એટલે લોકશાહી મોકળાશની માગણીની તરફેણમાં આ પરિણામ આવ્યું ત્યારે મને હરિકૃષ્ણ પાઠકની પંક્તિ યાદ આવે છે: ‘ઘેઘુર ઘેન મત્ત મહુડો ચુગે, ભળભાંખળું થયું છે, સૂરજ કદાચ ઊગે... તમે નોંધ્યું હશે કે ચૂંટણી લડનારાઓમાં હું અને હરિકૃષ્ણ સ્વાયત્તતા બાબતે પહેલેથી આગ્રહી રહ્યા છીએ, ચૂંટણીમાં મત સ્વરૂપે અમને નિર્ણાયક સ્વીકૃતિ મળી છે, એમાં હું ઊંડે ઊંડે અક્ષરજીવન અને જાહેરજીવનની એક નિરામય મોકળાશના એંધાણ જોઉં છું.


સાહિત્ય પરિષદના પ્રમુખ માટે એવું કહેવાય છે કે તેણે અધ્યક્ષીય પ્રવચન આપવા અને પરબના તંત્રીલેખ લખવાથી વિશેષ કશું કરવાનું હોતું નથી. તમે શું માનો છો અને શું કરવા ધારો છો?

વ્યાપક દર્શન અને એ માટેનું નેતૃત્વ, એ પરિષદ પ્રમુખનું દાયિત્વ છે. પ્રમુખે કશું કરવાનું નથી રહેતું, એમ કહેવામાં અતિશયોક્તિ અને અલ્પોક્તિ બન્ને છે. હા, હું માનું છું કે પરિષદ પ્રમુખને વહીવટી કામો સાથે ગોટવી ન દેવો જોઈએ. જાહેરજીવનમાં સાહિત્ય પરિષદ એ કંઈ ‘હી/સી ઓલ્સો રેન’ જેવી અમથી અમથી સંસ્થા નથી કે એ કિટી પાર્ટી પણ નથી, એની નક્કર હાજરી અને ભૂમિકા છે. એ અંગેની દિશા-દોરવણી, એ પરિષદ પ્રમુખનું પરમ કર્તવ્ય ગણાવું જોઈએ.


 • પરબના પ્રમુખીય (તંત્રીલેખ)માં તમારી આગવી ભાષા બરકરાર રહેશે કે તમે સરળ ભાષા અપનાવશો?

મારી ભાષા જુદી છે, એથી સરળ નથી, એવું નથી. મારી વાત લોકો સુધી પહોંચે છે. વળી, હાલના પ્રમુખ સિતાંશુની ભાષા લોકો સુધી પહોંચી હોય તો પ્ર..શાહની ન પહોંચવાનું કોઈ કારણ નથી. ભાયાણીસાહેબ કહેતા કે તમારી આ જે ભાષા છે, તે કોઈ પણ કહે તો છોડશો નહીં, કેમકે, એમાં ગુજરાતી છાપાની પ્રિડાઇજેસ્ટેડ ફૂડ જેવી ભાષા કરતાં એક જુદી જ સોડમ છે.


છેલ્લાં વર્ષોમાં સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દે તમે નેતૃત્વ લીધેલું છે. પ્રમુખ તરીકે સ્વાયત્તતાના મુદ્દે સંઘર્ષ હવે કોઈ નવું સ્વરૂપ ધારણ કરશે?

આમાં બે-ત્રણ વસ્તુ છે. પહેલું કે એને હું સંઘર્ષ કહેવાની ઉતાવળ નહીં કરું. સ્વાયત્તતા મુદ્દે જનજાગૃતિ આંદોલન જારી રાખવાનું રહેશે. આ લડતને મેં આંતરબાહ્ય સ્વાયત્તતા માટેની લડત તરીકે જોઈ છે, જે કદી પૂરી થતી નથી અને પ્રેમની જેમ સતત સાધ્ય કરવી રહે છે. બીજું ગુજરાતમાં એટલું થયું કે પરિષદની ચૂંટણીમાં સ્વાયત્તતાના મુદ્દે પ્રમુખ પદ શક્ય બન્યું. સરકારને આ અંગે એકથી વધુ વાર કહેવાનું બન્યું છે. વળી, અકાદમીમાંથી સાહિત્યકારોનાં રાજીનામાં પડ્યાં છે, તેમ છતાં સરકારની પોતાની સંવેદનશીલતા અને વ્યાપક જનજાગૃતિ ઓછાં પડે છે, એટલે એ દિશામાં વધારે સક્રિય રહેવું પડશે. હકીકતે થોડા મહિના પર સિતાંશુ યશશ્ચંદ્રના નેતૃત્વમાં પાલનપુર-પ્રસ્તાવમાં અમે રોડમેપ નિર્ધાર્યો હતો, પણ કોરોનાને કારણે એમાં આગળ વધાયું નથી, એમાં વહેલી અનુકૂળતાએ એ દોર સાંધી લઈશું. પાલનપુર પ્રસ્તાવ મુજબ પરિષદ સ્વાયત્તતાના મુદ્દે લડતને આગળ ચલાવાશે.


પરિષદ પ્રમુખ તરીકે તમારું ફોકસ પરિષદનો વિકાસ રહેશે કે અકાદમી મુદ્દે સંઘર્ષ?

સ્વાયત્તતા જેવા મુદ્દે જાગૃતિ ઝુંબેશ પરિષદના વિકાસની જ પ્રક્રિયા છે. અક્ષરજીવન અને જાહેરજીવન ભેગા મળે, એ સંગમભૂમિ પર પરિષદે પોતાની હાજરી અને વજૂદ પુરવાર કરવાનાં છે, એટલે એને પરિષદના ચાલુ કામમાંથી જુદા પાડીને જોવાની જરૂર નથી. એ સાથે લોકો અને સાહિત્ય વચ્ચે એક પ્રકારે પારસ્પર્ય વિકસે, વિસ્તરે અને વિલસે એ જોવાની અમારી કોશિશ રહેશે.


(દિવ્ય ભાસ્કરની અમદાવાદ આવૃત્તિના સિટી ભાસ્કરમાં 25 ઑક્ટોબર, 2020ના રોજ પ્રકાશિત મુલાકાત)

પરિષદની નિયમિત પ્રવૃત્તિઓ સિવાય તમે કઈ કઈ નવી પ્રવૃત્તિઓ શરૂ કરવા ધારો છો?

સૌથી પહેલાં તો નિયમિત પ્રવૃત્તિઓને વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ રહેશે. પરિષદ પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ તેની નોંધ લેવાતી નથી. એ માટે અમે મીડિયાનો પણ સહયોગ ઇચ્છીએ છીએ. આવનારા સમયમાં અમે પ્રવૃત્તિઓને વેગ આપીશું અને વધુ ને વધુ લોકોને સાંકળવા પ્રયાસો કરીશું.


ડિજિટલ-સોશિયલ મીડિયાના યુગમાં પરિષદની બદલાયેલી ભૂમિકાને કેવી રીતે જુઓ છો?

પરિષદની પોતાની વેબસાઇટ તો ઘણા વર્ષોથી છે. તાજેતરમાં વેબપત્રિકા શરૂ કરી છે. નવા લોકો સુધી પહોંચવા માટે નવાં નવાં માધ્યમોને વધારે અજમાવીશું.


પરિષદને યુવાનો માટે પણ ફેવરિટ ડેસ્ટિનેશન બનાવવા માટેની તમારી કેવી રણનીતિ રહેશે?

સોશિયલ મીડિયા અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ થકી યુવાનોનો સંપર્ક વધારીશું. પરિષદના કાર્યક્રમોમાં યુવાનોનું ઇન્ટરેક્ટિવ પાર્ટિસિપેશન થાય, એવી અમારી કોશિશ રહેશે.


પરિષદ સામેનો સૌથી મોટો પડકાર આર્થિક છે. પરિષદના આર્થિક પ્રશ્નો ઉકેલવા માટે તમે કેવા ઉપાયો અજમાવશો? તમે આ અંગે કોઈ ઉકેલ વિચાર્યા છે?

પરિષદનો વહીવટ એકંદરે સીમિત સાધનોથી ચાલે છે. જાહેર સંસ્થાઓમાં સરકારના અનુદાનનો નિયમસર મળવાપાત્ર હિસ્સો મોડો અને અનિયમિત પહોંચતો હોય એવો અનુભવ છે, એમાં પરિષદ પણ બાકાત નથી. લોકસહયોગ તથા બિનસરકારી સહાય મેળવવા માટે અમારી કોશિશ રહેશે. પરિષદે સ્વાયત્તતાના મુદ્દે જે સહજ સ્ટેન્ડ લીધું, એને પગલે અકાદમી મારફત મળતો આર્થિક ટેકો એણે જતો કર્યો છે. આ એક એવો નૈતિક નિર્ણય છે, જેની કદર મહાજન ગુજરાત મોડા-વહેલા પણ કરશે અને હાલના ટેકાને વધુ સુદૃઢ કરશે, એવી અમને ઉમેદ છે. સુરતની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી કે પાલનપુરના વિદ્યામંદિરે તાજેતરનાં વર્ષોમાં પરિષદનાં સત્ર કે અધિવેશન અંગે જે જવાબદારી નિભાવી, તેમાં ગુજરાતની ઉજમાળી પરંપરાના દર્શન થાય છે.


દલિત-આદિવાસી-નારીવાદી-ડાયસ્પોરા સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે તમે શું શું કરવા માગો છો?

તમે જોશો તો છેલ્લાં વર્ષોમાં આ તમામ માટે કંઈ ને કંઈ વિભાગીય કામગીરી પરિષદ દ્વારા કરવામાં આવી છે. આવાં ઉપક્રમોને વધારે સઘન અને વ્યાપકપણે ચલાવવાની કોશિશ કરીશું.

નર્મદે એના સમયમાં પ્રશ્ન પૂછેલો કે ‘કોની કોની છે ગુજરાત...’ પછી એણે જ જવાબ આપેલો, ‘સૌની છે ગુજરાત...’ સૌની ગુજરાતમાં જવાબ શોધવાનો આપણા સમયનો વિશેષ મેન્ડેટ છે. આ સમય ખરા અર્થમાં જનયુગ છે.


પરિષદના વહીવટમાં પારદર્શકતા આવે, એ માટે લોકપાલ-તટસ્થ ઓડિટ જેવી કોઈ કામગીરી તમારા એજન્ડામાં છે?

પરિષદમાં નિયમિતપણે ઑડિટ થાય છે, એટલે અત્યારે ઑડિટ નથી થતું, એવો પ્રશ્ન નથી. બધા મિત્રોને ઠીક લાગે તો મારા મતે કોર્પોરેટ અને અન્ય ક્ષેત્રોની જેમ સોશિયલ ઑડિટ કરાવવાનો વિચાર કરવો જોઈએ. હું પદભાર સંભાળું પછી, સાથીઓ, મધ્યસ્થ સમિતિ, ટ્રસ્ટી ગણ વગેરે સાથે પરામર્શ કરીને પછી આ અંગે નિર્ણય લેવાનું બની શકે.


(તા. 25 ઑક્ટોબર, 2020ને રવિવારના ‘દિવ્ય ભાસ્કર’ની અમદાવાદ આવૃત્તિના સિટી ભાસ્કરના પ્રથમ પાને પ્રકાશિત ઇન્ટરવ્યૂ. સ્થળસંકોચને કારણે અખબારમાં સમગ્ર મુલાકાત પ્રકાશિત થઈ શકી નહોતી, તેને અહીં વાંચકો માટે ઉપલબ્ધ કરાવી છે.)


No comments:

Post a Comment