Saturday, January 23, 2016

અગ્નિપુષ્પ : આંદોલનપુરુષ ચુનીભાઈ વૈદ્યના જીવન અને કાર્યનો મૂલ્યવાન દસ્તાવેજ

દિવ્યેશ વ્યાસ

 

‘અગ્નિપુષ્પ’ ચુનીકાકાનાં જીવન અને કાર્યના મૂલ્યવાન દસ્તાવેજ તરીકે તેમજ નમૂનારૂપ સ્મૃતિગ્રંથ તરીકે ઘણા લાંબા સમય સુધી યાદ રહેશે


(આ તસવીર વિપુલભાઈ કલ્યાણીના ઓનલાઇન મેગેઝિન ‘ઓપિનિયન’ http://opinionmagazine.co.uk પરથી મેળવી છે.)

કદાચ હું માધ્યમિક શાળામાં ભણતો હોઈશ ત્યારે મારા પપ્પા (ચંદ્રકાંતભાઈ વ્યાસ) એક પુસ્તિકા લઈ આવ્યા હતા, જે તેમણે વાંચ્યા પછી મને એમ કહીને આપી કે તને રસ પડે તો વાંચજે. ચુનીભાઈ વૈદ્ય દ્વારા લખાયેલી એ પુસ્તિકાનું શીર્ષક હતું ‘સૂરજ સામે ધૂળ’. એ સમયે પુસ્તિકાની વિગતો બહુ યાદ રહી નહોતી, પણ એમાં વાત-મુદ્દાને રજૂ કરવાનો જે જુસ્સો અને કહેવાની જે બાની હતી, તે અનોખી લાગેલી અને એટલે એનો ‘ટેસ્ટ’ દાઢમાં રહી ગયેલો. વર્ષો પછી જ્યારે ચુનીકાકાને રૂબરૂ મળવાનું થયું ત્યારે યાદ રહી ગયેલા એ ‘ટેસ્ટ’ને કારણે તેઓ સહેજ પણ અજાણ્યા નહોતા લાગ્યા! બદલાતા સમયની સાથે પણ તેમના જુસ્સામાં કે બળકટ બાનીમાં (વાત રજૂ કરવાની શૈલીમાં) જરાય પરિવર્તન આવ્યું નહોતું. તેમની સાથે સહજપણે સંધાન ગોઠવાઈ ગયેલું. વ્યક્તિગત વાત જ નીકળી છે ત્યારે બીજી એક વાત પણ કહેવાનો મોહ રોકી શકતો નથી. (સંપાદક અને વાચક માફ કરે.) ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગમાં પારંગત (એમ.એ.)ના અભ્યાસ દરમિયાન મેં લઘુ શોધનિબંધ માટે ‘ભૂમિપુત્ર’ની પસંદગી કરેલી. અધ્યયન અંતર્ગત ‘ભૂમિપુત્ર’ના સંપાદક તરીકે ચુનીકાકાની મુલાકાત લેવાની હતી. તેઓ મને સવારે સાત વાગ્યે બોલાવે અને કલાક દોઢ કલાક વાતો કરે. આ ચર્ચા દરમિયાન ‘ભૂમિપુત્ર’ સિવાયની એમની કામગીરીની પણ ઘણી વાતો થયેલી. પછી તો અનેકવાર તેમને મળવાનું-સાંભળવાનું બનતું રહ્યું. ઘણાં સંભારણાં છે ચુનીકાકા સાથેનાં.... ચુનીકાકા આપણી વચ્ચે રહ્યા નથી, એ વાસ્તવિકતા હવે એક વર્ષ કરતાંય વધુ જૂની થઈ ગઈ છે, પણ તેમનાં સંસ્મરણો અનેકનાં હૃદયમાં જીવંત છે. ચુનીકાકાનાં સંસ્મરણોને અનેક પેઢી સુધી પહોંચાડવા-ઉપલબ્ધ રાખવાનો એક પ્રયાસ થયો છે ‘અગ્નિપુષ્પ’ નામના તેમના સ્મૃતિગ્રંથ દ્વારા.

સૌથી પહેલાં તો ચુનીકાકાના સ્મૃતિગ્રંથનું નામ ‘અગ્નિપુષ્પ’ પસંદ કરવા માટે તેના સંપાદક કેતન રૂપેરા અને પરામર્શક ઇલાબહેન પાઠક અને પ્રકાશ ન. શાહની પસંદગી, સૂઝ અને દૃષ્ટિ માટે અભિનંદન આપવા રહ્યા. ચુનીકાકા માટે ‘આંદોલન પુરુષ’ નામ પણ બંધ બેસે એવું છે, પરંતુ ‘અગ્નિપુષ્પ’ શબ્દમાં ચુનીકાકાનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે સર્જનાત્મક રીતે ચરિતાર્થ થતું જણાય છે. ચુનીકાકા માટે ‘અગ્નિપુષ્પ’ શબ્દ ગોવિંદભાઈ રાવલે પ્રયોજેલો છે, ગોવિંદભાઈની સર્જનાત્મકતાને પણ સલામ!

‘અગ્નિપુષ્પ’ની સામગ્રી પર નજર કરીએ તો પ્રકાશ ન. શાહના પ્રવેશલેખ ‘ગાંધીનું દૂધ પીધેલા’થી શરૂઆત થાય છે અને મેચના પહેલા જ દડાએ છગ્ગો વાગે એવો જોરદાર પ્રારંભ અનુભવાય છે. ચુનીકાકાના યોગદાન તેમજ તેમની વિશેષતાઓ અને લાક્ષણિકતાઓ ઉપરાંત તેમની નબળાઈ કે નબળી ક્ષણોને પણ નમ્રતા-નાજુકાઈથી રજૂ કરીને તેમના સમગ્ર ચરિત્રને સટીક રીતે રજૂ કર્યું છે.

સ્મૃતિગ્રંથમાં લોકો સામાન્ય રીતે તસવીરોના વિભાગ પર જ પહેલાં નજર દોડાવતા હોય છે, કદાચ એ વાતને ધ્યાનમાં રાખીને જ આ ગ્રંથમાં ચુનીકાકાની તસવીરો શરૂઆતમાં જ મૂકવામાં આવી છે. તસવીરો જોતાં એક વાત ઊડીને આંખે વળગે છે કે એકેય તસવીરમાં ચુનીકાકા ‘કાળા માથાના માનવી’ના રૂપમાં જણાતા નથી! ચુનીકાકા કે ચુનીદાદાની તસવીરો છે, પરંતુ ચુનીભાઈની તસવીરો જોવા મળતી નથી. આવું શા કારણે થયું, એવું વિચારતાં સૂઝે છે કે કાં તો ચુનીકાકાની તસવીરો સચવાઈ નહીં હોય કે પછી સંપાદક સુધી પહોંચી શકી નહીં હોય અને બીજું કારણ એવું જણાય છે કે પ્રસિદ્ધિના મોહથી અલિપ્ત રહેનારા ચુનીકાકાએ યુવા કાર્યકર તરીકે તસવીરો પડાવી જ નહીં હોય કે પછી સાચવી જ નહીં હોય! ખેર, જે કોઈ તસવીરો અહીં મુકાઈ છે, તેમાં ચુનીકાકા મહાનુભાવો કે ઐતિહાસિક ઇમારતો-સ્થળોને બદલે સામાન્ય લોકો સાથે અને આંદોલનના મોરચે ઊભેલા વધારે જોવા મળે છે, જેના પરથી પણ તેમનું વ્યક્તિત્વ પામી શકાય છે.

તસવીરો પછીના ‘જીવન’ વિભાગમાં ચુનીકાકાની જીવનયાત્રા ઉપરાંત મુકુંદભાઈ પંડ્યાએ લખેલી ચુનીકાકાની સંક્ષિપ્ત જીવનકથા ‘ચુનીભાઈ વૈદ્ય : સંઘર્ષ જારી હૈ...’ને સમાવાઈ છે. સ્મૃતિગ્રંથમાં ચુનીકાકા સાથેનાં સંભારણાં વાગોળતો મુખ્ય વિભાગ ‘સુમિરન’માં કુલ ૪૦ લેખોનો સમાવેશ કરાયો છે. સ્મૃતિલેખના લેખકોની યાદીમાં ગોપાલકૃષ્ણ ગાંધી, ચન્દ્રશેખર ધર્માધિકારી, ગિરીશ પટેલ, ઇન્દુકુમાર જાની, ગોવિંદભાઈ રાવલ, જયાબહેન શાહ, મીરા ભટ્ટ, જગદીશ શાહ, સુદર્શન આયંગારથી માંડીને નવી પેઢીના સંજય શ્રીપાદ ભાવે, સાગર રબારી કે જિજ્ઞેશ મેવાણી સુધીના જોવા મળે છે. આ લેખોમાં પણ ભાગ્યે જ કોઈ પ્રસંગ કે વાતોનું પુનરાવર્તન જોવા મળે છે, એ બહુ સારી બાબત છે. લેખોની વચ્ચે વચ્ચે જ્યાં જગ્યા મળી છે ત્યાં સંપાદકે ચીનુકાકાને અપાયેલી ટૂંકી અંજલિઓનો પણ સૂઝબૂઝથી સુંદર રીતે સમાવેશ કર્યો છે.

કોઈ પણ સ્મૃતિગ્રંથમાં વ્યક્તિવિશેષ અંગેનાં સંભારણાંને સમાવતા લેખો હોય જ, પરંતુ આ સ્મૃતિગ્રંથમાં સ્મરણલેખો ઉપરાંત ચુનીકાકાની કલમે લખાયેલા લેખોને સમાવીને આ ગ્રંથને વિશિષ્ટતા અને મૂલ્ય બક્ષ્યાં છે. ‘મંથન’ નામના વિભાગમાં ‘લોકસ્વરાજ’માંથી પસંદગી કરીને અમુક પૃષ્ઠો મૂક્યાં છે. કર્મશીલ તરીકે વિખ્યાત ચુનીકાકાની કલમ કેવી ધારદાર હતી તેમજ સંપાદક તરીકે સૂઝ કેવી સચોટ હતી, તેની ઝલક તેમના દ્વારા સંપાદિત ‘લોકસ્વરાજ’નાં પૃષ્ઠો પરથી મળે છે. ‘લોકસ્વરાજ’નાં અમુક પૃષ્ઠોને સ્કેન કરીને મુકાયા છે, જેથી ‘લોકસ્વરાજ’ સ્મૃતિ પણ લાંબા સમય સુધી યાદ રહી શકશે. ‘લોકસ્વરાજ’ના લેખો ઉપરાંત તેના ‘વાચકોના પત્રોમાંથી’ વિભાગના કેટલાક નમૂના રૂપ પત્રો પણ રજૂ કરાયા છે. ચુનીકાકાના અનેક લેખોમાંથી પસંદગીના લેખો અહીં સમાવાયા છે, જે ગાંધીજન ચુનીકાકાના વિચારવિશ્વની વ્યાપકતાને પામવા માટે ઉપયોગી બને એવા છે. 

‘ભૂમિપુત્ર’ના સંપાદક તરીકે કટોકટીનો ઉગ્ર વિરોધ, એ ચુનીકાકાના જીવનનું એક ઐતિહાસિક અને સુવર્ણ પૃષ્ઠ છે. ‘મંથન’ વિભાગમાં જ ‘લોકસ્વરાજ’ની સાથે સાથે ‘ભૂમિપુત્ર’નો એક અલગ પેટા વિભાગ રખાયો છે, જેમાં ઐતિહાસિક ‘કટોકટી હઠાવો!’ તંત્રીલેખવાળા ‘ભૂમિપુત્ર’ના પ્રથમ પૃષ્ઠ ઉપરાંત એ સમયગાળાના મહત્ત્વપૂર્ણ પૃષ્ઠોને સ્કેન કરીને મૂકવામાં આવ્યા છે, એ ઉપરાંત હાઇકોર્ટના કેસ અને તે સંબંધિત પુસ્તકની ઝલક પણ અહીં રજૂ કરવામાં આવી છે. ‘મંથન’ નામનો આ વિશિષ્ટ વિભાગ રસપ્રદ અને યાદગાર બન્યો છે, તેના માટે સંપાદકની મહેનત અને સૂઝ દાદ માગી લે એવી છે.

‘અગ્નિપુષ્પ’ના આવરણ પર ચુનીકાકાની સંજયભાઈ વૈદ્યે લીધેલી તસવીર શાનદાર રીતે શોભે છે, પરંતુ શીર્ષક ‘અગ્નિપુષ્પ’ને હજુ વધારે પ્રભાવી શકાયું હતો, એવું પહેલી નજરે લાગે છે. ખેર, પુસ્તકના પાડવામાં આવેલા જુદા જુદા વિભાગો ઉપરાંત કદ, બાંધણી અને પૃષ્ઠસજ્જામાં પાને પાને સૂઝ અને ચીવટના દર્શન થાય છે. ‘અગ્નિપુષ્પ’ ચુનીકાકાનાં જીવન અને કાર્યના મૂલ્યવાન દસ્તાવેજ તરીકે તેમજ નમૂનારૂપ સ્મૃતિગ્રંથ તરીકે ઘણા લાંબા સમય સુધી યાદ રહેશે.

(વિચારપત્ર ‘નિરીક્ષક’ના 16મી જાન્યુઆરી, 2016ના અંકમાં પ્રકાશિત લેખનો બિનસંપાદિત મુસદ્દો)

No comments:

Post a Comment