Monday, February 1, 2016

CCTV: દીવાલોને ફૂટી આંખો!

દિવ્યેશ વ્યાસ

 

સુરક્ષા સહિતની બાબતે CCTV કેમેરાના અનેક ફાયદા છતાં ‘બિગ બોસ હાઉસ’ના વધતાં વ્યાપ સામે ધીમે ધીમે ઊહાપોહ પણ શરૂ થયો છે 


(ગૂગલ પરથી મેળવેલી તસવીર)

દીવાલોને કાન હોય છે, એ વાત હવે જૂની થઈ ગઈ. એકવીસમી સદી એટલી ‘એડવાન્સ’ છે કે દીવાલોને હવે આંખો પણ ફૂટી છે! દીવાલોનાં અપલક નેત્રોની ગરજ સારે છે - ક્લોઝ સર્કિટ ટેલિવિઝન કેમેરા, ટૂંકમાં CCTV કેમેરા. આજે જંકફૂડના સ્ટોર્સથી માંડીને જ્વેલરીના શૉ-રૂમમાં, સડકથી માંડીને શેરીઓ-સોસાયટીઓમાં, સરકારી કચેરીઓથી માંડીને કોર્પોરેટ ઑફિસીસમાં, હોસ્પિટલથી માંડીને હોટલોમાં CCTVની બોલબાલા વધતી જ જાય છે. ‘બિગ બોસનું હાઉસ’ જાણે વિસ્તરતું જ જાય છે!. દાયકાઓ પહેલાં શરૂ થયેલા એક હિન્દી અખબાર ‘જનસત્તા’ની ટેગલાઇન હતી, ‘સબ કી ખબર લે, સબ કો ખબર દે’. અખબાર માટે બંધબેસતી આ ટેગલાઇનને CCTVના સંદર્ભે બદલને કહેવી હોય તો કહી શકાય – સબ પે નજર, સબ કી ખબર. સૌ પર નજર રાખતાં CCTV કેમેરા એવા પુરાવા સાચવી રાખતા હોય છે કે કોઈ વ્યક્તિ કંઈ અનિચ્છનીય કે આડુંઅવળું કરે તો તેની ‘ખબર’ લેવાઈ જાય!

સતત નજર રાખનારા CCTV છેલ્લા કેટલાંક સમયથી ‘ખબર’ દેનાર મોટો સ્રોત પણ બની ગયા છે. છાશવારે CCTVઆધારિત સમાચારો ચમકવા લાગ્યા છે. જાપાનની સુનામીની ઘટના હોય કે પછી અમદાવાદમાં આધેડને કેટલાક લોકોએ મારી મારીને મોતને ઘાટ ઉતાર્યાનો કિસ્સો હોય, CCTV થકી જ તેનાં જીવંત દૃશ્યો જાહેર થઈ રહ્યાં છે. દેશ-વિદેશમાં અનેક અપરાધના કેસો ઉકેલવામાં CCTVની ચાવીરૂપ ભૂમિકા ઊભી થઈ રહી છે. આજે સમગ્ર વિશ્વમાં જ્યારે સુરક્ષાનો મુદ્દો સૌથી વધારે સંવેદનશીલ બન્યો છે ત્યારે CCTVની અનિવાર્યતા સૌ સ્વીકારી રહ્યા છે.

અખંડ વૉચમેનની ભૂમિકા ભજવતાં CCTVએ શું કમાલ કરી છે, તેનો એક તાજો કિસ્સો નાસિક ત્ર્યંબકેશ્વરના કુંભમેળામાં જોવા મળ્યો. બોલિવૂડની ફિલ્મોમાં બે જોડિયાં બાળકો ખોવાઈ જવા માટે કુંભમેળો મોસ્ટ પોપ્યુલર સ્થળ રહ્યું છે, ત્યારે 2015ના કુંભમેળામાં CCTVના પ્રતાપે જ એક પણ વ્યક્તિ ગુમ થયાનો કિસ્સો નોંધાયો નહોતો! આમ, CCTVના અનેક ફાયદા સ્વીકારવા જ રહ્યા, પણ સાથે સાથે તેની વ્યક્તિગત-સામાજિક જીવન પર શું અસરો થાય છે, તેની તરતપાસ પણ કરવી રહી.

CCTV આપણા જાહેરજીવન જ નહીં, પરંતુ અંગત જીવનનો હિસ્સો બનતા જાય છે. આજે CCTVને કારણે જ આપણને જાણ થાય છે કે માતા-પિતાની ગેરહાજરીમાં એક આયા બાળક સાથે કેવું ક્રૂર વર્તન દાખવી રહી છે. પતિની ગેરહાજરીમાં પત્ની પોતાના પ્રેમી સાથે કેવી રંગરેલિયાં મનાવી રહી છે, એક પુત્રવધૂ પોતાની લકવાગ્રસ્ત અને પથારીવશ સાસુ પર કેવા થાળી-પ્રહારો કરી રહી છે, ઑફિસની લિફ્ટમાં યુવતી સાથે કેવી નાલાયક હરકત કરાતી હોય છે, ગુનેગાર કઈ રીતે ગુનો આચરીને ભાગી જતો હોય છે, આતંકીઓ કઈ રીતે માનવતાની હત્યા કરતા હોય છે, આ બધાનો ખ્યાલ પણ CCTVની મદદથી જ આપણી સમક્ષ આવી રહ્યો છે.  વિસ્મયની કારની ઝડપ હોય કે કોઈના મર્ડરનો મામલો હોય, આવા ગુનાઓના જીવતા પુરાવા CCTV થકી જ પ્રાપ્ત થયા છે. CCTVના પ્રતાપે જ કેટલીક ગમ્મતસભર તો ગંભીર ગુનાઓની ક્લિપિંગ્સ પ્રાપ્ત થઈ છે. સમય કાઢીને ક્યારેક યુ-ટ્યૂબ પર આંટો મારજો, CCTV દ્વારા પ્રાપ્ત થયેલા એવા અનેક વિડિયો મળી આવશે, જે ગમ્મતની સાથે સાથે આજના માનવી અંગેનું જ્ઞાન પણ વધારી દેશે!

જેમ કડક કાયદાથી ક્રાઇમ અટકવાની કોઈ ખાતરી નથી, એમ CCTVની હાજરી પણ ગુનો થતો અટકાવે એવી કોઈ બાંહેધરી આપી શકે એમ નથી. જ્યાં CCTV છે ત્યાં પણ ક્રાઇમ રેટ ઘટ્યો છે, એવું કોઈ છાતી ઠોકીને કહી શકે એમ નથી. અલબત્ત, CCTV કેમેરા સુરક્ષાવ્યવસ્થામાં સહાયરૂપ જરૂર બનતા હશે, તોપણ તેના વધતાં વ્યાપ સામે ધીમે ધીમે ઊહાપોહ શરૂ થયો છે. વિકસિત દેશોમાં CCTV કલ્ચર સામે ઝુંબેશો પણ ચલાવવામાં આવી રહી છે. CCTV કેમેરાને ખાસ કરીને વ્યક્તિની અંગત આઝાદી પર તરાપની દૃષ્ટિએ તેને જોવામાં આવે છે. આપણે ત્યાં CCTVનું ચલણ હજુ એટલું વધ્યું નથી એટલે તેની ન્યૂસન્સ વેલ્યૂ કરતાં તેની ઉપયોગિતા આપણને વધુ આકર્ષી શકે છે, પરંતુ આ કેમેરાથી આપણા જાહેર અને અંગત જીવન પર કેવી કેવી અસર પડી શકે, એ અંગે અત્યારથી જ વિચારવું જરૂરી છે. આપણે કેવો સમાજ ઇચ્છીએ છીએ તેની સમજ સ્પષ્ટ કર્યા પછી જ આપણે નક્કી કરવું રહ્યું કે CCTV કલ્ચરને અવગણવું કે આવકારવું?
(4 નવેમ્બર, 2015ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમનો સૌપ્રથમ લેખ,  થોડા સુધારા-વધારા સાથે.)

No comments:

Post a Comment