Thursday, February 18, 2016

માનસ ક્રાંતિના ઉદ્દગાતા જે. કૃષ્ણમૂર્તિ

દિવ્યેશ વ્યાસ


17મી ફેબ્રુઆરીના રોજ જે. કૃષ્ણમૂર્તિની પુણ્યતિથિ ઊજવાઈ. ચાલો, મેળવીએ તેમના ક્રાંતિકારી વિચારોની ઝલક



(આ ચિત્ર ગૂગલ પરથી મેળવ્યું છે)

આપણા ધર્મભીરુ દેશમાં ધાર્મિક નેતાઓનું કાયમ વર્ચસ્વ રહ્યું છે. ધાર્મિક નેતાઓનો પ્રભાવ અંગત અને સમાજજીવનમાં રહ્યો છે, પરંતુ હવે તો વેપાર જગતમાં પણ તેમની બોલબાલા વધતી જાય છે. એક કહેવત છે, ‘જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી.’ અહીં રાજા તો જવા દો, શાસકોને પણ ન્યાય શીખવવાની નૈતિક જવાબદારી જે સંતો-મહંતોની છે તેઓ જ વેપારી બની રહ્યા છે! આવી સ્થિતિમાં અગાઉના સંતો-મહંતો-વિચારકોની યાદ આવ્યા વિના રહેતી નથી. આજે વાત કરવી છે એક મહાન વિચારક, જે. કૃષ્ણમૂર્તિની. દુનિયાને મૌલિક વિચારોની મબલખ મૂડી સોંપનારા જે. કૃષ્ણમૂર્તિની પુણ્યતિથિ ઊજવાઈ. વર્ષ 1986ની 17મી ફેબ્રુઆરીએ તેમનું 91 વર્ષની વયે નિધન થયેલું.
 
(આ તસવીર ગૂગલ પરથી મેળવી છે)

આજે મહામંડલેશ્વર જેવા પદ મેળવવા માટે રીતસર રાજરમતો ચાલતી હોય છે, ત્યારે જે. કૃષ્ણમૂર્તિ એવા મહામાનવ હતા, જેમણે ‘જગતગુરુ’ જેવું પદ ઠુકરાવી દીધું હતું. એટલું જ નહીં પોતાને કેન્દ્રમાં રાખીને ચાલતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘ઓર્ડર ઑફ ધ સ્ટાર’નું પણ વિસર્જન કરીને સામાન્ય વ્યક્તિની જેમ, છતાં મહાન વ્યક્તિને છાજે એવું જીવન જીવ્યા હતા. લોકોને ગુરુ બનવાના ધખારા હોય છે અને શિષ્યોની સંખ્યા જોઈને ગજ ગજ છાતી ફુલાવતા હોય છે, જ્યારે જે. કૃષ્ણમૂર્તિએ ‘જગતગુરુ’નું પદ ત્યાગવા સાથે કહેલું, ‘હવેથી કૃપા કરીને યાદ રાખો કે કોઈ મારો શિષ્ય નથી, કારણ કે ગુરુ તો સત્યને દબાવે છે. સત્ય તો ખુદ તમારી અંદર જ છે. સત્યને શોધવા માટે મનુષ્યએ તમામ બંધનોથી મુક્ત થવું જરૂરી છે.’ તેઓ કહેતા સત્ય એક ‘માર્ગરહિત ભૂમિ’ છે અને તેના સુધી કોઈ પણ ઔપચારિક ધર્મ, દર્શક કે સંપ્રદાયના માધ્યમથી પહોંચી શકાય નહીં.

હજુ થોડા દિવસ પહેલાં જ આપણે વેલેન્ટાઇન્સ ડે ઊજવી ગયા. પ્રેમ અંગે જે. કૃષ્ણમૂર્તિના વિચારો જાણીએ તો આપણી આખી દૃષ્ટિ જ બદલાઈ જાય. તેમણે પ્રેમ અંગે કહ્યું છે, ‘પ્રેમ વિના તમે કંઈ પણ ન કરી શકો, તમે કર્મની સંપૂર્ણતાને નહીં જાણી શકો. એકમાત્ર પ્રેમ જ મનુષ્યને બચાવી શકે છે. આ જ સત્ય છે. આપણે લોકો પ્રેમમાં નથી. વાસ્તવમાં આપણે એટલા સહજ-સરળ નથી રહી ગયા, જેવા આપણે હોવા જોઈએ, કારણ કે આપણે પ્રતિષ્ઠા પામવા, અન્ય કરતાં વિશેષ મેળવવા કે બનવાના પ્રયાસોમાં મથ્યા કરીએ છીએ. પ્રેમ કરવા માટે ઇચ્છારહિત બનવું પડશે.’ પ્રેમ વિશે બીજી પણ એક સુંદર વાત તેમણે કહેલી, ‘જ્યાં પ્રેમ હોય, ત્યાં જ નૈતિકતા, સહજતા અને સરળતા હોય છે, કારણ કે પ્રેમ પૂર્ણ જાગૃતિનું નામ છે.’

(આ ચિત્ર ગૂગલ પરથી મેળવ્યું છે)

આજે ચારેકોર હિંસા-યુદ્ધનો માહોલ છે ત્યારે જે. કૃષ્ણમૂર્તિના આ અંગેના વિચારો ગાંઠે બાંધી રાખવા જેવા છે, ‘માનવીમાં રહેલી હિંસાના પરિણામે દરરોજ આપણે દુનિયામાં ભયંકર બનાવો બનતા જોઈએ છીએ. તમે કહેશો, હું એ વિશે કંઈ કરી શકું તેમ નથી કે દુનિયા પર હું શી રીતે પ્રભાવ પાડી શકું? મારું માનવું છે કે જો તમે તમારી અંદર હિંસક ન હો તો, જો દરરોજ તમે શાંતિમય જીવન ગાળતા હો તો એટલે કે તમારું જીવન સ્પર્ધાત્મક, મહત્ત્વાકાંક્ષી કે ઈર્ષ્યાળુ ન હોય, જે જીવન શત્રુતા સર્જતું નથી, એવું જીવન ગાળતા હો તો દુનિયા પર તમે જબરો પ્રભાવ પાડી શકો છો. નાની ચિનગારી ભડકો થઈ શકે છે. આપણે આપણી સ્વલક્ષી પ્રવૃત્તિથી આપણા મત, આપણા ધિક્કાર, આપણા રાષ્ટ્રવાદથી દુનિયાને તેની વર્તમાન અંધાધૂંધીની સ્થિતિમાં લાવી મૂકી છે અને જ્યારે આપણે એમ કહીએ છીએ કે આપણે તેમાં કંઈ કરી શકીએ એમ નથી ત્યારે આપણે આપણી અંદરની વ્યવસ્થાનો અનિવાર્યપણે સ્વીકાર કરી રહ્યા છીએ.’ જે. કૃષ્ણમૂર્તિ કહેતાં કે, ‘વ્યક્તિત્વના પૂર્ણ રૂપાંતરણથી જ વિશ્વમાંથી સંઘર્ષ અને પીડાને મીટાવી શકાય છે. આપણામાં ભૂતકાળનો બોજ અને ભવિષ્યનો ભય હટાવી દો અને આપણા મસ્તિષ્કને મુક્ત રાખો.’ કૃષ્ણમૂર્તિ કાયમ એ વાત પર ભાર મૂકતા હતા કે ‘દરેક મનુષ્યને માનસ ક્રાંતિની જરૂર છે.’ આજે સૌને મનીમાં રસ છે, માનસ ક્રાંતિની વાતો પુસ્તકોમાં બંધ છે, મન થાય તો તમે ક્યારેક એવાં પુસ્તકો ખોલજો અને વાંચજો!

(17 ફેબ્રુઆરી, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment