Thursday, February 11, 2016

અસાંજેની અગત્યતા

દિવ્યેશ વ્યાસ


હેકરમાંથી હીરો બનેલા જુલિયન અસાંજેને સનસનાટીમાં નહિ, પરંતુ સાર્થક પત્રકારત્વમાં રસ છે


 (ગૂગલ પરથી ગમી ગયેલી અસાંજેની તસવીર)

વર્ષ 2016માં વિકિલીક્સની સ્થાપનાને એક દાયકો પૂરો થશે. એક દાયકામાં આ વેબસાઇટ ભલભલા દેશોમાં રાજકીય ધરતીકંપો સર્જી ચૂકી છે, તો જગતજમાદારીમાંથી ઊંચા ન આવતા અમેરિકાની મોટી મોટી વાતોનાં ફુગ્ગાંઓને ટાંકણી મારીને ફોડી નાખવાનું ‘દુષ્સાહસ’ કરીને સતત ચર્ચામાં રહી છે. વિકિલીક્સે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમથી પણ એક કદમ આગળ એક એવું નવા જ પ્રકારનું આધુનિક, એકવીસમી સદીને છાજે એવું જર્નલિઝમ કર્યું અને તેને કારણે જ તેણે વારંવાર પ્રતિબંધો અને પ્રહારો સહેવા પડ્યા છે. વિકિલીક્સના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ જુલિયન અસાંજે આજે સાડા ત્રણ વર્ષથી લંડન ખાતે આવેલી ઇક્વાડોરની એમ્બેસીના એક નાનકડા ખંડમાં પુરાઈ રહેવા માટે મજબૂર છે. આમ છતાં માનવું પડશે કે મહાસત્તાઓ સામે પડીને જુલિયન અસાંજેએ વધુ એક વાર પુરવાર કર્યું છે કે સત્ય કેટલું બળવાન હોય છે.

ગત 4 ફેબ્રુઆરી, 2016ના રોજ સંયુક્ત રાષ્ટ્રની લીગલ પેનલે જુલિયન અસાંજેની તરફેણમાં ચુકાદો આપવાની સાથે સાથે તેને ગોંધી રહેવા માટે મજબૂર કરનારા યુકે અને સ્વીડનનો સારા શબ્દોમાં ઊધડો લેવા ઉપરાંત તેમની ખોરી અને ખોટી પોલીસગીરીને ઉઘાડી પાડી દીધી હતી. અસાંજેને આઝાદ કરવાની ભલામણ કરવા સાથે પેનલે સ્પષ્ટ શબ્દોમાં સુણાવ્યું હતું કે આ રીતે તેને અટકાવી રાખવો એ ગેરકાનૂની છે. આટલું જ નહિ પેનલે એવો પણ અભિપ્રાય આપ્યો કે અસાંજેની વ્યક્તિગત સ્વતંત્રતાનું જે હનન થયું  છે, એ બદલ તેને વળતર ચુકવાવું જોઈએ. લીગલ પેનલના સ્પષ્ટ ચુકાદાએ બ્રિટન-સ્વીડન અને અમેરિકાને શરમજનક સ્થિતિમાં મૂક્યા છે. જોકે, છેલ્લા સમાચાર મુજબ બ્રિટન અને સ્વીડને ‘લીગલી’ લપડાક પડી હોવા છતાં ટંગડી ઊંચી રાખી છે અને તેઓ યુનોની લીગલ પેનલનો ચુકાદો કાને ધરવા તૈયાર નથી. પોતાની તરફેણમાં ચુકાદા છતાં, અસાંજેનો શબ્દ વાપરીને કહેવું હોય તો કહી શકાય કે  ‘સ્પેસ સ્ટેશન’માંથી તેની મુક્તિ એમ આસાન જણાતી નથી.


(યુએન લીગલ પેનલની સુનાવણી પછી પત્રકારને સંબોધતા અસાંજેની ગૂગલ પરથી મેળવેલી તસવીર)

જુલિયન અસાંજે એક જાણીતું નામ છે, પરંતુ આજના યુગમાં તેના જેવા પત્રકારની કેટલી અગત્યતા છે, તેનો બહુ ઓછા લોકોને અંદાજ છે. વિશ્વમાં મોટા ભાગના દેશોમાં લોકશાહી પ્રવર્તે છે, પરંતુ આ દેશોની સરકાર પણ ખરા અર્થમાં લોકોની, લોકો માટે અને લોકો  દ્વારા ચાલતી હોય, એવું ભાગ્યે જ છે. આપણા લોકશાહી રાજવટમાં સૌથી મોટો અભાવ છે પારદર્શકતાનો. પારદર્શકતાની મોટી મોટી વાતો કરાય છે, પરંતુ માહિતી અધિકાર અંતર્ગત લોકોને માહિતી આપવામાં ગલ્લાંતલ્લાં કરાય છે! પારદર્શકતાના અભાવનો ગેરલાભ લઈને જ ગરબડ ગોટાળા-ગેરવહીવટ અને કૌભાંડો ચાલતાં હોય છે. એકવીસમી સદીમાં શાસન-વ્યવસ્થામાં સિક્રસી આઉટ ઑફ ડેટ ગણાવી જોઈએ, તમામ વહીવટ-વ્યવહારમાં પૂર્ણ પારદર્શકતા હોવી જોઈએ. સમગ્ર વહીવટ-વ્યવસ્થામાં પારદર્શકતા વિના ભ્રષ્ટાચારને નાથી શકાય નહીં. જોકે, રાજ્યવ્યવસ્થા પર હાવી થઈ ગયેલાં સ્થાપિત હિતો અને ભ્રષ્ટ લોકો એમ સહેલાઈથી પારદર્શકતા લાવવા દેવાના નથી. આ સ્થિતિમાં ભ્રષ્ટ રાજનેતા-અધિકારીઓની પોલ ખોલવા અને કૌભાંડોના ભાંડા ફોડવા માટે અસાંજેનો માર્ગ જ અપનાવવો પડે, એમાં બેમત ન હોઈ શકે.


(અસાંજેને મુક્ત કરવાનો અવાજ દિવસે દિવસે બુલંદ થતો જાય છે, તેની ઝલક આપતી એક તાજી તસવીર)

હેકરમાંથી હીરો બનેલા અસાંજેએ ન અખબાર ચલાવ્યું, ન ન્યૂઝ ચેનલ શરૂ કરી, કદાચ તેને ખ્યાલ હતો કે આમાં સરકાર આસાનીથી દબાણ લાવી શકે છે, તેની સ્વતંત્રતા પર તરાપ મારી શકે છે, પરંતુ તેણે વિશ્વવ્યાપી પહોંચ ધરાવતા ઇન્ટરનેટને માધ્યમ બનાવ્યું અને વેબસાઇટ ચલાવી. આમ તો ઇન્ટરનેટ પણ રાજ્યસત્તાની પહોંચની બહાર નથી છતાં તેનો વ્યાપ દેશદેશાવરમાં હોવાથી તેને નાથવી એટલી આસાન નથી હોતી. એકવીસમી સદીમાં જે કંઈ ક્રાંતિ (અરબ વસંત સહિત) થઈ, તેમાં ઈન્ટરનેટની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે, એ પણ અહીં નોંધવું રહ્યું.

અસાંજેએ વિકિલીક્સ થકી અફઘાનિસ્તાન અને ઈરાક પર અમેરિકાના હુમલા સંબંધિત 5,00,000 ગુપ્તચર દસ્તાવેજો અને 2,50,000 જેટલા ડિપ્લોમેટિક બાબતોના કેબલ જાહેર કરીને અમેરિકાની ખંધી અને ગંદી ચાલો ઉઘાડી પાડી હતી. અમેરિકાના શાસકોને મન તો અલ-બગદાદી કરતાં અસાંજે મોટો વિલન હોય તોપણ નવાઈ નહીં! સ્વીડનના દુષ્કૃત્યના કેસના મામલે બ્રિટન કહે છે કે તે અસાંજેને સ્વીડનને સોંપી દેવા માગે છે, પરંતુ અંદરખાને તેનો ઈરાદો અસાંજેને પકડીને અમેરિકાને સોંપી દેવાનો હોવાની આશંકા પણ તીવ્રપણે સેવાઈ રહી છે.

અનેક દેશોમાં પત્રકારત્વની આઝાદી અંગે ભાષણો કરી ચૂકેલા અને પોતાના પત્રકારત્વના પરચા બતાવી ચૂકેલા અસાંજે સેન્સરશિપના સખત વિરોધી છે. તેમનું માનવું છે કે પત્રકારત્વ પર નિયંત્રણો મૂકવાથી સરમુખત્યારને બળ મળે છે. તેમના મતે એક સારા પત્રકારની ફરજ છે કે તે સરકારની દરેક નાડ પર નજર રાખે.

ઇન્ટરનેટને પ્રતાપે જ પોતાની વાત સમગ્ર દુનિયા સુધી પહોંચાડવામાં સફળ થયા હોવા છતાં અસાંજેનું માનવું છે કે ઈન્ટરનેટ એ લોકોની જાસૂસીની મહાજાળ છે. આજે એક સામાન્ય એપ પણ આપણા કૉન્ટેક્સ, મેસેજીસ, કૉલ લોગ, ફાઇલ-ફોલ્ડર્સને જોવા-ઉપયોગમાં લેવાની પરમિશન લઈ લેતી હોય છે ત્યારે અસાંજેની વાતને અવગણી શકાય એમ નથી.

સનસનાટી નહિ, પરંતુ સાર્થક પત્રકારત્વને વરેલા જુલિયન અસાંજેની મુક્તિ માટે પ્રાર્થના!

http://www.divyabhaskar.co.in/news/MAG-hekaraman-to-hero-julian-assange-made-no-sensational-5245882-NOR.html

(‘કળશ’ પૂર્તિના 10 ફેબ્રુઆરી, 2016ના અંકમાં પ્રકાશિત‘સમય સંકેત’ કૉલમ થોડા સુધારા-વધારા-ઉમેરા સાથે)

No comments:

Post a Comment