Wednesday, February 24, 2016

હલકી દવાનો હાહાકાર

દિવ્યેશ વ્યાસ


તાજેતરમાં બે અભ્યાસોના આધારે એક આઘાતજનક આંકડો જાણવા મળ્યો છે. પરીક્ષણમાં લેવાયેલી દર સાતમાંથી એક દવા હલકી ગુણવત્તા ધરાવતી હતી એટલે કે સબસ્ટાન્ડર્ડ હતી


 વેપાર એક પવિત્ર વ્યવસાય છે, એવું કહીએ એ ગપ્પાંમાં જ ખપી જાય, એવી સ્થિતિ સર્જાતી જાય છે. માર્કેટિંગનો વ્યવસાય માત્ર માલદાર થવા માટે જ હોય, એટલે કે તેમાં માત્ર કમાવાની જ ગણતરી રાખવાની એવું માનનારો વર્ગ દિવસે દિવસે વધતો જાય છે. વેપાર-વ્યવસાયમાં પણ અમુક સિદ્ધાંતો-નીતિઓનું અનુસરણ થવું જોઈએ, એવા આદર્શો હવે જાણે આઉટ ઑફ ડેટ ગણાય છે. અન્ય બાબતોમાં તો જવા દો નફાખોર વેપારીવૃત્તિ આજે જ્યારે શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં પ્રવેશી છે ત્યારથી સામાન્ય લોકો તોબા પોકારી ગયા છે. એક સમયે શિક્ષક અને ડૉક્ટરને લોકો ભગવાન સમાન ગણતા હતા, પરંતુ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પ્રવેશેલી ખોરી દાનતે આ પવિત્ર વ્યવસાયનું અધ:પતન કરાવી દીધું છે.

(તસવીર ગૂગલ પરથી મેળવેલી છે.)
શિક્ષણ અને આરોગ્ય સેવાઓ દરેક માનવીની મૂળભૂત જરૂરિયાત છે, થોડીક અતિશયોક્તિ વહોરીને કહી શકાય કે મજબૂરી છે. આ મજબૂરીનો ભરપૂર લાભ આ ક્ષેત્રનાં ખંધાં વેપારી તત્ત્વો ઉઠાવી રહ્યાં છે. દવાનાં બેફામ ભાવ લેવામાં આવે છે, એ હવે જાણીતી હકીકત છે અને થોડા દિવસ પહેલાં જ સરકાર દવા પર લેવાતા અધધ અને આડેધડ કમિશન અંગે ચોક્કસ નીતિ ઘડશે, એવા સારા સંકેતો મળ્યા છે. જોકે, મૂળ વાત વધારે ચિંતાજનક છે, જે દવાની ગુણવત્તા અંગે છે. તાજેતરમાં બે અભ્યાસોના આધારે એક આઘાતજનક આંકડો જાણવા મળ્યો છે. પરીક્ષણમાં લેવાયેલી દર સાતમાંથી એક દવા હલકી ગુણવત્તા ધરાવતી હતી એટલે કે સબસ્ટાન્ડર્ડ હતી. નિમ્ન ગુણવત્તા ધરાવતી દવાઓની અસરકારકતા ઓછી હોય, એટલું જ નહીં, પરંતુ તેને કારણે કેટલીક આડઅસરો પણ થતી હોય છે. ડૉક્ટર અને દવા પર શ્રદ્ધા રાખીને રૂપિયાનું પાણી કરનારા દર્દીઓના દર્દની જાણે કોઈને પડી નથી. સરકારની અધિકૃત સંસ્થા સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના (CDSCO) આંકડા અનુસાર ભારતમાં વેચાતી દવાઓમાંથી 4.5 ટકા દવાઓ નિમ્ન ગુણવત્તાવાળી હોય છે. જોકે, જાણકારો અને અભ્યાસો અનુસાર આ આંકડો ત્રણથી ચાર ગણો મોટો છે. જર્નલ ઑફ એપ્લાય્ડ ફાર્માસ્યુટિકલ સાયન્સના ડિસેમ્બર-2015 અને ઇન્ટરનેશનલ જર્નલ ઑફ ફાર્મસી અેન્ડ ફાર્માસ્યુટિકલ સાયન્સના 2016ના તાજા અંકમાં પ્રકાશિત બે અભ્યાસો અનુસાર ભારતમાં વેચાતી દવાઓમાં સબસ્ટાન્ડર્ડ એટલે કે હલકી ગુણવત્તાવાળી દવાઓનું પ્રમાણ 13થી 15 ટકા જેટલું ઊંચું છે. જોવાની વાત એ છે કે પ્રતિષ્ઠિત બ્રાન્ડની મોંઘી દવાઓ પણ પોતાની ગુણવત્તા પુરવાર કરી શકતી નથી

(તસવીર ગૂગલ પરથી મેળવેલી છે.)
 
ભારત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે મોટો નિકાસકાર દેશ છે, એ ગર્વ લેવા જેવી વાત છે, પરંતુ સાથોસાથ શરમ કરવા જેવી વાત એ પણ છે કે ભારતમાં બનેલી દવાઓ વિદેશોમાં ગુણવત્તાની દૃષ્ટિએ ઊણી ઊતરતી હોય છે. એમાંય ખાસ કરીને વિકાસશીલ અને અવિકસિત એટલે કે ગરીબ દેશોમાં વેચાતી દવાઓની ગુણવત્તા પર પૂરતું ધ્યાન અપાતું નથી, એવી ફરિયાદ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક વાર ઊઠી છે. ઘાનામાં થયેલા એક અભ્યાસ મુજબ ભારતની કંપનીઓની ભારતમાં કે વિકસિત દેશોમાં વેચાતી દવામાં 9 ટકા દવાઓ સબસ્ટાન્ડર્ડ હોય છે, જ્યારે આ જ કંપનીઓની આફ્રિકામાં વેચાતી દવાઓમાંથી 35 ટકા હલકી ગુણવત્તાની હોય છે
હલકી દવાઓનો હાહાકાર વિશ્વભરમાં વધતો જાય છે. એક બીજો અભ્યાસ જણાવે છે કે વર્ષ 2013માં આફ્રિકન દેશોમાં મેલેરિયાગ્રાસ્ત 1,22,350 બાળકોનાં મોત સબસ્ટાન્ડર્ડ દવાઓને કારણે નીપજ્યા હોવાનો અંદાજ છે.

ફાર્માસ્યુટિકલ કંપનીઓએ સબસ્ટાન્ડર્ડ દવાઓનું ઉત્પાદન અને વેચાણ અટકાવવાને પોતાનો સ્વધર્મ સમજવો જોઈએ તો સત્તાધારીઓએ આ મામલે તેમના કામ આમળવાને રાજધર્મ. હા, આપણે પણ નાગરિકધર્મ સમજીને આવા મુદ્દાઓને પણ રાષ્ટ્રપ્રેમની ચર્ચામાં સમાવવા રહ્યા
(24 ફેબ્રુઆરી, 2016ના ‘કળશ’ના અંકમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ) 

No comments:

Post a Comment