Wednesday, February 3, 2016

દીકરી દોરે ત્યાં સમાજ જાય!

સમય સંકેત - દિવ્યેશ વ્યાસ

રાજસ્થાનના હિંસલા ગામની 14 વર્ષની પાયલે પોતાના ગામને બાળલગ્નમુક્ત બનાવ્યું છે



(તસવીર સૌજન્ય : worldschildrensprize.org)

આપણે ત્યાં કહેવત છે કે દીકરી ને ગાય, દોરે ત્યાં જાય, પરંતુ એક એવો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે, જે જાણીને તમે પણ કહેશો અને માનશો કે દીકરી દોરે ત્યાં સમાજ જાય! રાજસ્થાન પહેલેથી બાળલગ્નના સામાજિક દૂષણને કારણે બદનામ છે. રાજસ્થાનના નાનકડા ગામની એક દીકરીએ પોતાની મહેનત અને સંઘર્ષના પરિણામે પોતાના ગામને બાળલગ્નમુક્ત બનાવવામાં સફળતા હાંસલ કરી છે. દીકરીનું નામ છે - પાયલ જાંગિડ. પાયલના ગામનું નામ છે -હિંસલા.

રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલું હિંસલા ગામ પણ પ્રદેશનાં અન્ય ગામોની જેમ બાળલગ્નની કુપ્રથાથી પીડિત હતું. જોકે, ગામ આજે બાળલગ્નમુક્ત બની શક્યું છે અને એમાં ગામની 14 વર્ષની દીકરી પાયલ જાંગિડનો સિંહફાળો છે. પાયલ જાંગિડ નામની કિશોરીએ જનજાગૃતિના માર્ગે ગામમાં એવી તો આહલેક જગાવી છે કે દરેક ઘરનાં બાળકો હવે બાળલગ્નના સજ્જડ વિરોધીઓ બની ગયાં છે. બાળકો એટલા સભાન અને સક્રિય બન્યાં છે કે તેમનાં માતા-પિતા ઇચ્છે તોપણ તેમને પરણાવી શકે એમ નથી. પાયલે કુમળી વયે જે નેતૃત્વ પૂરું પાડ્યું છે તે કાબિલેદાદ છે. પાયલ જેવી બહાદુર અને બાહોશ દીકરી જે ઘર કે ગામમાં હોય ત્યાં ભાગ્યે કોઈ બાળક કે મહિલા તેના અધિકારોથી વંચિત કે સામાજિક કુરિવાજોથી પીડિત રહી શકે!

માત્ર 14 વર્ષની પાયલમાં આટલી સમજ અને સમાજ સામે સંઘર્ષ માંડવાનો જુસ્સો તેમજ તાકાત આવ્યાં ક્યાંથી, એવો સવાલ કોઈને પણ થઈ શકે. પાયલની શક્તિઓને સમાજસુધારણા માટે સક્રિય બનાવવામાં નિમિત્ત બની છે, નોબેલ પારિતોષિક વિજેતા કૈલાસ સત્યાર્થીની સંસ્થા બચપન બચાવો આંદોલન. સંસ્થાએ 'બાલ મિત્ર ગામ'નો એક પ્રોજેક્ટ ચલાવ્યો હતો. વર્ષ 2012માં પાયલના ગામ હિંસલાનો પ્રોજેક્ટ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો હતો. બાલ મિત્ર ગામ એટલે એવું ગામ જ્યા એકેય બાળક મજૂરી કરતું હોય અને તમામ બાળકો શાળાએ ભણવા જતાં હોય. દૃષ્ટિએ હિંસલા બાલ મિત્ર ગામ તો બન્યું, છતાં ત્યાં બાળલગ્નનું દૂષણ યથાવત્ હતું. બાલ મિત્ર ગામ પ્રોજેક્ટ અંતર્ગત ગામમાં બાળકોની બાલ પંચાયત પણ બનાવવામાં આવે છે, જેમાં બાળકો પોતાની સમસ્યાઓની ચર્ચા કરે છે અને અધિકારો અંગે સભાન-સક્રિય બને છે. હિંસલાની બાલ પંચાયતમાં સક્રિય એવી પાયલ જ્યારે બાલ પ્રધાન બની, એટલે કે બાલ પંચાયતની મુખ્ય કર્તાહર્તા બની ત્યારે તેણે બહુ રસપૂર્વક પોતાની ભૂમિકા અને જવાબદારી અંગે જાણ્યું અને પછી શરૂ કર્યો સમાજસુધારણાનો યજ્ઞ.

બાલ પ્રધાન તરીકે પાયલે પોતાના ગામમાં ઘૂંઘટપ્રથા અને બાળલગ્ન સામે મોરચો માંડવાનો નિશ્ચય કર્યો. ગામમાં સરઘસો કાઢ્યાં, સભાઓ ભરી અને ગામલોકોને વારંવાર કુપ્રથાઓને છોડવા માટે સમજાવવા પ્રયાસ કર્યો. પાયલના પ્ર્યાસો અને સંઘર્ષના પ્રતાપે ગામમાં મુદ્દાઓ બાબતે ધીમે ધીમે જાગૃતિ વધતી ગઈ. દરેક ઘરમાં બાળકો મુદ્દે માતા-પિતા કે વડીલો સાથે ચર્ચા કરવા માંડ્યાં, દલીલો કરવા માંડ્યાં અને એની અસર એવી થઈ કે આખા ગામનો માહોલ બદલાઈ ગયો. ગામમાં જ્યાં પણ બાળલગ્ન થતાં હોય ત્યાં બાળકો અને ગામના કેટલાક સમજુ લોકો પહોંચી જતાં અને બાળલગ્ન અટકાવવા પ્રયાસ કરતાં. બધું કંઈ આસાન નહોતું, પણ પાયલની મહેનત અને મક્કમતા રંગ લાવી. હિંસલા બાળલગ્નની નાગચૂડમાંથી નીકળી ગયું. હિંસલાને જેવી દીકરી મળી, એવી દરેક ગામને મળજો!
(‘કળશ’ પૂર્તિના 3જી ફેબ્રુઆરી, 2016ના અંકમાં પ્રસિદ્ધ ‘સમય સંકેત’ કૉલમ)

3 comments:

  1. આભાર દિવ્યેશભાઇ આવા સુંદર અને પ્રેરણાદાયી સમાચારની લેખની માટે,

    આપનો આ લેખ, ઇવિદ્યાલય-બાળપ્રતિભા પર સંકલિત કર્યો છે. આપને ગમશે.

    ભવિષ્યમાં પણ આવા પ્રેરણાદાયી લેખ જરુરથી શૅર કરશો તો અમને ગમશે.

    ઘણાં વિધ્યાર્થીમિત્રોને પ્રેરણા મળશે. ઇવિદ્યાલય આપનું રુણી રહેશે.
    http://evidyalay.net/payal_jangid/
    http://evidyalay.net/charitra-2/

    આભાર.

    ReplyDelete
    Replies
    1. હિરલબહેન, આ લેખ લખવાનો ઉદ્દેશ જ એ હતો કે પાયલની પ્રેરણાદાયી વાત વધુ ને વધુ લોકો સુધી પહોંચે. તમે મારો આ લેખ આપની વેબસાઇટ પર મૂકીને એ ઉદ્દેશની જ પૂર્તિ કરી છે, માટે તમારો ખૂબ ખૂબ આભાર.
      તમે લેખ લેવાની સાથે સાથે મને એ અંગે જાણ કરી તથા લેખક-પ્રકાશકનું નામ પણ સારી રીતે આપ્યું છે, એ વાત ગમી, કારણ કે ઘણા લોકો કૉપી-પેસ્ટ કરે છે, પણ ક્રેડિટ આપવાની સૂઝ દર્શાવતા નથી. તમે મારા કોઈ પણ લેખને ઈવિદ્યાલયની વેબસાઇટ માટે લઈ શકો છો. આપનો ફરી આભાર.

      Delete
    2. આભાર,

      આવા બીજા પ્રેરણાદાયી લેખો પરત્વે ધ્યાન દોરતા રહેશો.

      Delete