Wednesday, January 20, 2016

લેનિનના અમરત્વની લાલસા

દિવ્યેશ વ્યાસ

લેનિન 21મી જાન્યુઆરી, 1924ના રોજ મૃત્યુ પામેલા પણ તેમના મૃતદેહને આજેય સાચવી રખાયો છે. વ્યક્તિપૂજાનું રાજકારણ રહેશે ત્યાં સુધી લેનિનના મૃતદેહનો ઉદ્ધાર નથી!

(તસવીર ગૂગલ પરથી મેળવેલી છે.)

સત્તાખોર નેતાઓ વ્યક્તિપૂજાનું અફીણ ઘોળતા રહેતા હોય છે. રાજકારણીઓ જ્યારે પોતાનાં કામ થકી જનતાને આકર્ષી શકતા નથી ત્યારે મોટા નેતાના નામ થકી 'ખેલ પાડવા'ના પેંતરા રચે છે અને ત્યાંથી શરૂ થાય છે, પૂતળાં, પાર્ક્સ અને પુરસ્કારોની પળોજણ. ગાંધી, સરદાર, સુભાષ કે પછી ભગતસિંહ, તમામ મહાનાયકો રાજકારણીઓની અડફેટે આવી ગયેલા છે. કાગડા બધે કાળા હોય ન્યાયે આપણા દેશમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં રાજનેતાઓ વ્યક્તિપૂજાનો વ્યૂહ અજમાવતા હોય છે, જેનું સૌથી મોટું ઉદાહરણ રશિયામાં જોવા મળે છે. રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થકી ઝારના શાસનનો અંત આણીને સોવિયત સંઘ (USSR)ની સ્થાપના કરનારા વ્લાદીમીર લેનિનને 'અમરત્વ' બક્ષવાના નામે તેમના મૃતદેહને આજે પણ મોસ્કોમાં રેડસ્ક્વેર ખાતે આવેલા મૉસોલિયમમાં (સમાધિ કે મકબરો) સાચવી રખાયો છે.

મહાનાયક લેનિને કાર્લ માર્ક્સની દિશાદોરી મુજબ રશિયાની ઑક્ટોબર ક્રાંતિ માટે હિંસાનો સહારો લીધો હતો અને લોકશાહી મૂલ્યોને નેવે મૂકીને શાસન ચલાવ્યું હતું, છતાં ઇતિહાસ તેમને દુનિયામાં પહેલી વખત શોષણખોર શાસનને ઉથલાવીને ખેડૂતો અને શ્રમિકોનું શાસન સ્થાપનારા નેતા તરીકે યાદ રાખશે, એમાં શંકા નથી. લેનિનનું નિધન 21મી જાન્યુઆરી, 1924ના રોજ 54 વર્ષની વયે બ્રેન હેમરેજથી થયેલું. લેનિનની ઇચ્છા હતી કે તેમને તેમની માતા અને બહેનની કબરની બાજુમાં દફન કરવામાં આવે તેમજ તેમની અંતિમવિધિ બહુ સાદગીપૂર્વક કરવામાં આવે. પરંતુ, રશિયામાં સર્વસ્વીકૃત બનવા માટે સ્તાલિને લેનિનની વ્યક્તિપૂજાનો આશરો લીધો. લેનિનના મૃતદેહને દફનાવવાને બદલે કાયમી ધોરણે સાચવી રાખવાનો નિર્ણય લીધો. લેનિનનો મૃતદેહ રાષ્ટ્રીય પ્રતીક (નેશનલ આઇકન) ગણાય છે. એક કરોડથી વધુ લોકો લેનિનના મૃતદેહના દર્શન કરી ચૂક્યા છે. લેનિનના નિધનને આવતી કાલે 92 વર્ષ થશે, પણ આજેય લેનિનના મૃતદેહને માટીમાં મળી જવાનું નસીબ થયું નથી.

લેનિનનો મૃતદેહ નવ દાયકા પછી પણ આજેય એટલો તેજસ્વી અને તાજગીસભર દેખાય છે, જેનો શ્રેય રશિયાના વિજ્ઞાનીઓને જાય છે. લેનિનના મૃતદેહને સાચવી રાખવાની પહેલ પછી અનેક સામ્યવાદી દેશોમાં પોતાના નેતાના મૃતદેહને સાચવી રાખવાનું ચલણ શરૂ થયું હતું. ચીને પણ માઓ જેદોંગના મૃતદેહને સાચવી રાખ્યો છે તો ઉ. કોરિયામાં પણ કિમ ઇલ સુંગ અને કિમ જોંગ ઇલના મૃતદેહને સાચવી રખાયા છે. વિયેતનામે પણ લોકલાડીલા નેતા હો ચી મિન્હના મૃતદેહને સાચવી રાખ્યો છે. રશિયામાં લેનિન ઉપરાંત સ્તાલિન, બલ્ગેરિયામાં દિમીત્રોવ, અંગોલાના અગોસ્ટિનો નેટા, ચેકોસ્લોવેકિયાના ક્લેમન્ટ ગોટ્ટવાલ્ડ, ફિલિપાઇન્સના સરમુખત્યાર ફર્ડિનાન્ડો માર્કોસ, આર્જેન્ટિનાના પ્રમુખ જુઆન પેરોનની પ્રથમ પત્ની ઇવા પેરોન વગેરેના મૃતદેહોને પણ સાચવી રખાયાં હતાં, પરંતુ પછી તેમને જુદાં જુદાં કારણો-સંજોગોસર દફનાવી દેવાયા હતા. સોવિયત સંઘના વિઘટન પછી લેનિનના મૉસોલિયમને મળતી સરકારી આર્થિક સહાયમાં મોટો કાપ આવ્યો, પરંતુ ત્યાંના મમીફિકેશનમાં માસ્ટર બની ગયેલા વિજ્ઞાનીઓએ બીજા દેશના મહાનુભાવોના મૃતદેહની સાચવણીની સેવાઓ આપીને આવક ઊભી કરીને પણ લેનિનના મૃતદેહની સાચવી રાખ્યો છે, તે અલગ સ્ટોરી છેે!

સોવિયત સંઘના વિઘટન પછી લેનિનના મૃતદેહને દફનાવી દેવા અંગે ચણભણ શરૂ થઈ છે. લેનિનને દફનાવી દેવાનો મત ધરાવનાર વર્ષોવર્ષ વધતાં જાય છે. જોકે, વ્યક્તિપૂજાનું રાજકારણ રહેશે ત્યાં સુધી લેનિનના મૃતદેહનો ઉદ્ધાર નથી!

(‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિના તા. 20મી જાન્યુઆરી, 2016ના અંકમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કટાર)

No comments:

Post a Comment