Wednesday, January 6, 2016

ચાર આઝાદીના અમેરિકી ઓરતા

દિવ્યેશ વ્યાસ

 

અમેરિકી પ્રમુખ ફ્રેકલીન ડી. રૂઝવેલ્ટે 1941ની 6ઠ્ઠી જાન્યુઆરીએ આપેલું વક્તવ્ય આજના સંદર્ભમાં વાગોળવા અને મૂલવવા જેવું છે


(ગૂગલ પરથી મેળવેલી તસવીર)

દુનિયાભરના લોકો માટે અમેરિકા ‘ડ્રીમ લેન્ડ’ ગણાય છે. લોકોમાં અમેરિકાનું અમોધ આકર્ષણ હોય છે. અમેરિકાનો વિઝા લોકોને આંતરરાષ્ટ્રીય સન્માનનથી કમ લાગતો નથી. અમેરિકા પ્રત્યેના આવા અહોભાવ પાછળ કેટલાંક નક્કર કારણો રહેલાં છે. અમેરિકા એક એવો દેશ છે, જે ખરા અર્થમાં લોકશાહી રાષ્ટ્ર છે. અમેરિકા સો ટચનાં લોકશાહી મૂલ્યો ધરાવે છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. અમેરિકાના જનસમાજમાં વ્યાપ્ત લોકશાહી મૂલ્યો કંઈ રાતોરાત આવી ગયા નથી. પેઢી દર પેઢીના પરિપકવ નેતા અને લોકોના સહિયારા પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે. વળી, જ્યોર્જ વૉશિંગ્ટનથી માંડીને બરાક ઓબામા જેવા રાષ્ટ્રનેતાઓની વ્યાપક વિશ્વદૃષ્ટિ અને લોકશાહી મૂલ્યોમાં ભારોભાર શ્રદ્ધાને કારણે પણ આ પ્રક્રિયા સરળ-સહજ ગતિ પ્રાપ્ત કરી શકી છે. હા, વચ્ચે વચ્ચે અમેરિકાને એવું પણ નેતૃત્વ મળ્યું, જેની યુદ્ધખોરી કે જગતજમાદારી વૃત્તિ વખોડવાલાયક હતી, છતાં અમેરિકાના લોકતાંત્રિક માળખાને ભાગ્યે જ કોઈએ નુકસાન પહોંચાડ્યું છે. અમેરિકી પ્રજા ‘ટ્રમ્પ કાર્ડ’ વાપરશે પછી શું થશે, ભગવાન જાણે!
જોકે, અમેરિકાની અને ત્યાંની લોકશાહીની આટલી ચર્ચા કરવાનું કારણ એ છે કે ઈ.સ. 1941માં બરાબર આજની તારીખ એટલે કે 6ઠ્ઠી જાન્યુઆરીએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ફ્રેન્કલીન ડી. રૂઝવેલ્ટે અમેરિકન કૉંગ્રેસમાં એક લાંબું વક્તવ્ય આપ્યું હતું. આ વક્તવ્ય ‘ફોર ફ્રીડમ્સ’ તરીકે જાણીતું બન્યું છે. રાષ્ટ્રપ્રમુખ રૂઝવેલ્ટે આ વક્તવ્ય બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આપ્યું હતું. અલબત્ત, રૂઝવેલ્ટે આ વક્તવ્ય આપ્યું ત્યાં સુધી અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં જોડાયું નહોતું. અમેરિકાએ જાપાન પર હુમલા શરૂ કર્યા તેના લગભગ 11 મહિના પહેલાં અપાયેલું આ વક્તવ્ય ઐતિહાસિક ગણાય છે, કારણ કે તેમાં ચાર પ્રકારની આઝાદીની વાત થઈ હતી. રૂઝવેલ્ટે આ આઝાદી માત્ર અમેરિકી જનતાને જ આપવાની નહિ, પરંતુ સમગ્ર વિશ્વના લોકો સુધી પહોંચાડવાની વાત કરી હતી. ચાર આઝાદીનો વિચાર ખૂબ જ ઉમદા હતો, પ્રસ્તુત હતો, છતાં પણ વિશ્વયુદ્ધના માહોલમાં રૂઝવેલ્ટે જે પ્રકારની રજૂઆત કરેલી, તેની અમેરિકામાં પણ બહુ ટીકા થઈ હતી. ઘણાએ તો રૂઝવેલ્ટ આવી વાતો કરીને અમેરિકનોને યુદ્ધ માટે માનસિક રીતે તૈયાર કરી રહ્યા છે તેમજ વિશ્વયુદ્ધમાં ઝંપલાવવા જનમત ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, એવા આક્ષેપો પણ કરેલા.
રૂઝવેલ્ટે ચાર આઝાદીની વાત ક્યા ઉદ્દેશથી કરેલી એની ચર્ચાને બાજુએ રાખીએ તો એમનો મુદ્દો તે સમયે પણ વાજબી હતો અને આજે પણ પ્રસ્તુત છે. રૂઝવેલ્ટની ચાર આઝાદી જોઈએ : એક, ફ્રીડમ ઑફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. અભિવ્યક્તિની આઝાદી.  ચીન ઉપરાંત અમુક ઇસ્લામિક કે આફ્રિકન દેશોની તો ચર્ચા જ ન કરી શકાય, પણ ભારતમાં જેવા દેશોમાં પણ પ્રતિબંધ અને સેન્સરની માનસિકતા વચ્ચે અભિવ્યક્તિની આઝાદી માટે ચિંતાજનક સ્થિતિ છે. બે, ફ્રીડમ ઑફ વર્સીપ. દરેક વ્યક્તિ પોતાની મરજી મુજબ ઇચ્છે તે ભગવાનની પૂજા કરી શકે, ટૂંકમાં, ધાર્મિક આઝાદી. ત્રણ, ફ્રીડમ ફ્રોમ વોન્ટ. વોન્ટનો અર્થ ડિમાન્ડ નહીં પણ અભાવના અર્થમાં કરવાનો છે. આર્થિક અસમાનતાના માહોલમાં દરેક વ્યક્તિના હાથમાં રોટી અને કામ હોય, એવો આશય છે. ચાર, ફ્રીડમ ફ્રોમ – ફીઅર. ડરમાંથી મુક્તિ. આજે જાતભાતના ડરને કારણે વ્યક્તિ અને દેશ ડરી રહ્યા છે. ખાસ કરીને શસ્ત્રોના ખડકલાથી પાડોશી કે દુશ્મન દેશને ડરાવવાની-દાબમાં રાખવાની હોડ ચાલી છે. રૂઝવેલ્ટે નિ:શસ્ત્રીકરણ થકી પાડોશી-દુશ્મન દેશોના ડરને દૂર કરવાના ઉદ્દેશથી આ વાત કરેલી.
રૂઝવેલ્ટની વાતો આજેય પ્રસ્તુત છે અને એટલે જ ચાર આઝાદીના તેમના ઓરતાને આજે સંભારવા-વાગોળવા જોઈએ.
(6 જાન્યુઆરી, 2016ના રોજ દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ) 

No comments:

Post a Comment