(તસવીર : પીયૂષ પટેલ)
ડૉ. દિવ્યેશ વ્યાસ યુવા પત્રકાર, કટારલેખક અને સંશોધક તરીકે જાણીતા છે. તેઓ હાલ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદના જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂનિકેશન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેઓ જાણીતા ગુજરાતી અખબાર ‘દિવ્ય ભાસ્કર’માં ડેપ્યુટી ન્યૂઝ એડિટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વની સાથે સંશોધનમાં પણ રસ ધરાવતા ડૉ. દિવ્યેશે પત્રકારત્વની સાથે અભ્યાસ પણ જારી રાખ્યો હતો. ‘અભિવ્યક્તિની આઝાદી અને ગુજરાતી બ્લોગવિશ્વ’ વિષય પર તેમણે એમ.ફિલ.ની ડિગ્રી મેળવી છે તો માસ કમ્યૂનિકેશનમાં પીએચ.ડી.ની ડિગ્રી પણ હાંસલ કરી છે. તેમણે પીએચ.ડી.ના અભ્યાસ અંતર્ગત રાજ્યવ્યાપી સંશોધન હાથ ધરીને ‘મોબાઇલ SMS : એક અસરકાર પ્રત્યાયન માધ્યમ’ વિષય પર મહાનિબંધ લખેલો છે.
બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ગ્રેજ્યુએટ (BBA) થયા પછી વાંચન-લેખનના શોખને કારણે તેમણે પત્રકારત્વનો અભ્યાસ પસંદ કર્યો. વર્ષ 2002માં પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયનમાં માસ્ટર ડિગ્રી મેળવીને કારકિર્દીની શરૂઆતમાં ધરતીકંપની પીડા અને પુનર્વસનને વાચા આપતા ‘આસ્થા’ મેગેઝિનમાં સંપાદક તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ ‘દિવ્ય ભાસ્કર’ અખબાર શરૂ થયું ત્યારે તેમાં જોડાયા હતા અને તંત્રી પાના પર ચારેક વર્ષ કામ કર્યું હતું. વચ્ચે છ વર્ષ ‘સંદેશ’ના પૂર્તિ વિભાગમાં તથા છેલ્લા છ મહિના ‘સંદેશ’ની વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે. ‘સંદેશ’માં તેમણે સામયિક વિભાગમાં રવિવારની ‘સંસ્કાર’ પૂર્તિના સંપાદન ઉપરાંત મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ ઉઠાવેલી છે. ‘સંદેશ’ની વિવિધ પૂર્તિઓમાં તેમણે ‘સચરાચર’, ‘સમય સંકેત’, ‘વિઝન-Ware’, ‘સંબંધોનું મેનેજમેન્ટ’ તથા ‘ગાંડી કૂકરીનું ડહાપણ’ જેવી કૉલમ્સ લખી તો જરૂર પડ્યે તંત્રીલેખો પણ લખતા હતા.
‘દિવ્ય ભાસ્કર’ની રવિવારની ‘રસરંગ’ પૂર્તિનું સંપાદન કાર્ય સંભાળવા ઉપરાંત તેમની ‘સમય સંકેત’ કૉલમ બુધવારની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત થતી હતી. તંત્રી પાના પર ‘ગાંડી કુકરીનું ડહાપણ’ નામની વ્યંગ્ય કતાર પણ પ્રકાશિત થતી હતી. ‘દિવ્ય ભાસ્કર’ છોડતી વખતે તેઓ મેગેઝિન ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ તથા ‘અમદાવાદ પોસ્ટ’ના ડેસ્ક હેડ તરીકે સક્રીય હતા. માનવીય અને લોકશાહી મૂલ્યો પર તેમને લખવું વધારે ગમે છે, ક્યારેક રાષ્ટ્રીય મુદ્દાઓ તથા આંતરરાષ્ટ્રીય સ્તરના સાંપ્રત પ્રવાહોની વાત પણ તેઓ પોતાની કટારમાં કરતા રહે છે.
ડૉ. દિવ્યેશ વ્યાસની સૌથી ગમતી પ્રવૃત્તિઓ વાંચન અને અલગારી રખડપટ્ટી છે.
પ્રત્યાયનની આસપાસ પસંદ કરેલા સંશોધનના વિષય રસપ્રદ છે.આચમનની રાહમાં.
ReplyDeleteઅમિતભાઈ, અમદાવાદ આવો, ઘરે પધારો, નિરાંતે નિબંધો જોઈશું અને ચર્ચા કરીશું.
Deleteઅલગારી રખડપટ્ટી માટે કયારેક મળો...
ReplyDeleteખૂબ અભિનંદન
ReplyDelete