ડૉ. દિવ્યેશ વ્યાસ
27મી ડિસેમ્બર, 2020ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદનું 50મું અધિવેશન શરૂ થયું અને પ્રારંભે નવા વરાયેલા પ્રમુખ પ્રકાશ ન. શાહનો પદગ્રહણ સમારંભ યોજાયો.આ ઐતિહાસિક ક્ષણના વર્ચ્યુઅલ નહિ, પણ સદેહે સાક્ષી બનવાનું થયું. ગુજરાતી ભાષાના કરોડો પ્રેમીઓના લાભાર્થે એ સમારંભની કેટલીક વિગતો અહીં રજૂ કરી છે
ઔદ્યોગિક ક્રાંતિ હોય, મજૂર આંદોલન હોય કે આઝાદીનો જંગ.... અનેક ઐતિહાસિક અધ્યાયોનું સાક્ષી બનેલું અમદાવાદ શહેર 27મી ડિસેમ્બર, 2020ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદના 50મા અધિવેશનનું પણ સાક્ષી બન્યું. માત્ર 50ના શુકનવંતા આંકડાને કારણે નહિ, પરંતુ બીજાં પણ કેટલાંક કારણોસર આ અધિવેશન ઐતિહાસિક બની રહ્યું. સૌથી મોટું કારણ – 115 વર્ષ જૂની પરિષદનું આ સૌપ્રથમ ઓનલાઇન અધિવેશન હતું. ઓનલાઇનનું મહત્ત્વ એટલે છે કે ઓનલાઇન હોય તે આપોઆપ વિશ્વવ્યાપક બની રહે છે! અધિવેશનનું પ્રારંભિક સત્ર રા.વિ. પાઠક સભાગૃહમાં યોજાયું હતું, પરંતુ સભાખંડ બહાર દેશ-દુનિયામાં ફેલાયેલા સેંકડો ગુજરાતી-પ્રેમીઓ ઇન્ટરનેટના તાંતણે તેની સાથે જોડાઈ શક્યા હતા. માત્ર શ્રોતાઓ જ નહિ, પરંતુ કેટલાક વક્તાઓ અને ખુદ અતિથિવિશેષ પણ સ્થળ પર હાજર ન હોવા છતાં હાજરોહાજર હતા! બીજું કારણ એ કે અમદાવાદ લગભગ છ દાયકા પછી અધિવેશનનું યજમાન શહેર બનવા પામ્યું. અલબત્ત, એમાં કોવિડ-19 મહામારીની ભૂમિકા સ્વીકારવી રહી. કદાચ એટલે જ અધિવેશન અંતર્ગત ‘મહામારીના સમયમાં સાહિત્ય’ પર પરિસંવાદનું આયોજન પણ કરવામાં આવ્યું. મહામારી સંદર્ભે સાહિત્ય સત્ર યોજાય, એ પણ ઐતિહાસિક બાબત ગણાય. અહીં એ પણ ઉમેરવું રહ્યું કે 50મા અધિવેશનમાં પ્રકાશ ન. શાહ સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ સંભાળનાર 51મી વ્યક્તિ બન્યા.
ગુજરાતી સાહિત્ય પરિષદના
નવા ચૂંટાયેલા પ્રમુખનો પદગ્રહણ સમારંભ 27 ડિસેમ્બર, 2020, રવિવારે જૂની-નવી
મધ્યસ્થ-સમિતિના સભ્યોની બેઠક બાદ બપોરે 3 વાગ્યે યોજાયો હતો. પદગ્રહણ સમારંભનો
પ્રારંભ ‘જય જય ગરવી ગુજરાત...’ના ગાન સાથે થયો હતો. પરિષદના નવા વરાયેલા ઉપપ્રમુખ
પ્રફુલ્લ રાવલે સૌનું સ્વાગત કર્યું હતું અને પરિષદની પ્રવૃત્તિઓનો આછો પરિચય
આપીને ભારપૂર્વક જણાવ્યું હતું કે પરિષદ ગુજરાતી ભાષાને ચાહનારા સૌ કોઈની છે.
પ્રકાશભાઈની શબ્દ, શૈલી અને સાહિત્યની સમજના પુરાવા રૂપ એક કિસ્સો યાદ કરતાં પ્રફુલ્લભાઈએ
કહેલું, એક વખત ‘રંગતરંગ’નું ટાઇટલ છપાઈ ગયું હતું, જેમાં લાભશંકર ઠાકરે આગામી
અંકમાં પોતે શું લખવાના છે, તે એક વાક્યમાં જણાવેલું. પણ હાર્ટએટેક આવતાં તેઓ એ
લેખ લખવાની સ્થિતિમાં નહોતા ત્યારે પ્રકાશભાઈ અસ્સલ લાઠાશૈલીમાં એ એક વાક્યના
આધારે આખો લેખ લખેલો!
લેખક-નાટ્યકાર પ્રવીણ
પંડ્યાએ પોતાના વિડિયો વક્તવ્ય થકી પ્રકાશભાઈનો પરિચય આપ્યો હતો. પ્રવીણભાઈએ પ્રકાશભાઈના
વ્યક્તિત્વનાં મુખ્ય ત્રણ પાસાં (પ્રજાકીય રાજનીતિના આગેવાન, પત્રકાર-તંત્રી,
અધ્યાપક તથા પરિવાર પ્રેમી/મિત્ર-પ્રેમી વ્યક્તિ) થકી તેમના જીવન અને કવનનો આછેરો
પરિચય કરાવ્યો હતો. પ્રકાશભાઈનો પરિચય કરાવતાં તેમણે એક ખૂબી જણાવી હતી કે તેઓ કોઈ
ઓળખમાં બંધાયા નથી! કટોકટી દરમિયાન સ્વતંત્રતા અને સ્વાયત્તતાની તરફેણ કરીને
મિસા અંતર્ગત જેલવાસ ભોગવેલો, એનો ઉલ્લેખ કરતાં પ્રવીણભાઈએ કહેલું, ‘કટોકટી
દરમિયાન જેલમાં જનારા તેઓ એકલા નહોતા, પરંતુ તેમણે આજે પણ એ મૂલ્યો જાળવી રાખ્યાં
છે.’ નાગરિક સંગઠનોને નેતૃત્વ પૂરું પાડનારા પ્રકાશભાઈની દરેક પ્રજાકીય આંદોલનમાં
સક્રિય ભૂમિકાને યાદ કરીને તેમના નિશ્કલંક અને મૂલ્યઆધારિત જાહેરજીવનની વાત કરતાં કરતાં
પ્રવીણભાઈએ વિધાન કરેલું કે, ‘જયંતિ દલાલ પછી તેઓ પહેલા એવા પ્રમુખ છે, જેમને
ગુજરાતની જનતા જ નહિ, શાસકો પણ સારી રીતે જાણે છે.’ ‘સમકાલીન’ ‘જનસત્તા’ અને
‘દિવ્ય ભાસ્કર’ સહિતનાં અખબારોમાં કરેલા 42 વર્ષના પત્રકારત્વને સંભારીને તેમણે
ઉમેરેલું કે પત્રકારત્વમાં તેમણે શેરીનાટક કરનાર જેવી ભૂમિકા ભજવી છે અને
ઘોંઘાટિયા ટીવી-અખબારી પત્રકારત્વ વચ્ચે તેઓ એક નરવો, નિષ્કલંક અને નક્કર અવાજ બની
રહ્યા છે. તેમણે નવા કવિ-સર્જકોને પ્રોત્સાહન આપવાની પ્રકાશભાઈની વિશેષતાને પણ
સંભારી હતી.
પ્રમુખ પદની ચૂંટણી લડનારા
હરિકૃષ્ણ પાઠક અને હર્ષદ ત્રિવેદી તથા કુલીનચંદ્ર યાજ્ઞિક તરફથી શુભેચ્છા સંદેશા
મળ્યાની નોંધ લીધા પછી પરિષદના હયાત પૂર્વ પ્રમુખોના વિડિયો સંદેશા પણ રજૂ કરવામાં
આવ્યા હતા. જેમાં રઘુવીર ચૌધરીએ સાહિત્ય પરિષદની ઑફિસ મુંબઈથી અમદાવાદ આવ્યા પછી
અહીં પરિષદનો કેવો વિકાસ થયો, કેવા કેવા વિભાગો શરૂ કરાયા એની ટૂંકી વાત કરી હતી.
ધીરુબહેન પટેલે પ્રકાશભાઈમાં વિશ્વાસ વ્યક્ત કરીને એવી આશા સેવી હતી કે પરિષદ હવે
વાદવિવાદનો અખાડો મટીને સરસ્વતીનું મંદિર બનશે. તો કુમાળપાળ દેસાઈએ કહેલું કે શુભ
શુકનની શરૂઆત પ્રકાશભાઈના ચૂંટાવા સાથે થઈ છે. રણજિતરામની કલ્પના સાકાર થવાની
સંભાવના ઊભી થઈ છે. પ્રકાશભાઈ સામે સર્જકોને એક સાથે રાખવાનો પડકાર છે અને તેમનામાં
બધાને સાથે રાખવાની કુનેહ પણ છે. વર્ષા અડાલજાએ પરિષદની ભાવિ યોજનાઓ કેવી હોવી
જોઈએ, એની ટૂંકી રૂપરેખા આપવા સાથે પરિષદ સામેના સૌથી મોટા આર્થિક પડકારની પણ ઝીકર
કરી હતી. ધીરુભાઈ પરીખે પ્રકાશભાઈને શુભેચ્છા આપવા ઉપરાંત સારું કામ થશે એવો
આશાવાદ વ્યક્ત કરીને બેટૂક વાત કરી હતી કે કામ સારું થશે તો પરિષદની આબરૂમાં બે
ટકાનો વધારો થશે! અત્રે ઉલ્લેખનીય છે કે ટોપીવાળાસાહેબે વિડિયો નહિ, પરંતુ
લેખિત સંદેશો મોકલાવેલો.
પૂર્વ પ્રમુખોના સંદેશા પછી
પ્રકાશભાઈને સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના પદભારનું પ્રતીક એનાયત કરવાનો વિધિ
સમ્પન્ન કરાયો હતો. પરિષદની મધ્યસ્થ સમિતિની ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનારા અને નવા/ફરી ઉપપ્રમુખ તરીકે
ચૂંટાયેલા માધવ રામાનુજે પ્રકાશભાઈને એ પ્રતીક અર્પણ કર્યું હતું. પ્રતીક આપતાં
માધવભાઈએ કહ્યું, ‘આપ સૌના વતી આપું છું.’ પ્રતીક સ્વીકારતાં પ્રકાશભાઈએ તેમની
શૈલીમાં સહજપણે કહેલું, ‘આપ સૌના વતી સ્વીકારું છું.’
પદભાર સોંપણીના વિધિ પછી વિદાય
લેતા પરિષદ પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્રનું વિડિયો વક્તવ્ય રજૂ થયું હતું.
સિતાંશુભાઈએ પ્રારંભે જ કહેલું, નિવૃત્તિ વેળાએ ધરપત છે કે આજીવન સભ્યોએ આગામી
અગત્યનાં વર્ષોમાં પ્રકાશભાઈને પ્રમુખ તરીકે ચૂંટ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી
કે પ્રમુખ સહિતના સૌ નવા હોદ્દેદારો પરિષદનાં મૂલ્યો, બંધારણ અને અગાઉ કરવામાં
આવેલા ઠરાવોને વળગી રહીને કામ કરશે. સૌ પરિષદના, નહિ કે અન્યના ઉદ્દેશોને પાર
પાડવામાં કામે લાગશે, એવી સૌને આશા વ્યક્ત કરી હતી. તેમણે ગુજરાત સરકાર અને
સમાજસેવીઓ સહિત સૌને કૃષ્ણલાલ શ્રીધરાણીના ‘સ્વરાજ રક્ષક’ કથાકાવ્યની યાદ અપાવી
હતી અને તાતા તીર જેવા સવાલો કરેલા કે ઔરંગઝેબી પરિબળો સામે રક્ષણ આપનારા છત્રપતિ
શિવાજી આજે છે કે નહીં? સ્વામી રામદાસ જેવા ગુરુ છે? સિતાંશુભાઈએ પોતાના કાર્યકાળ દ્વારા થયેલાં
કાર્યોમાં ખાસ કરીને ‘નોળવેલની મહેક’ની ઓનલાઇન બેઠકોને ખાસ સંભારી હતી તથા સહયોગ
કરનારા લોકો અને સંસ્થાઓનો આભાર માન્યો હતો.
સમારંભના અતિથિવિશેષ વિપુલ
કલ્યાણીએ પોતાના વિડિયો વક્તવ્યમાં પરિષદ સાથેનો પોતાનો દાયકાઓ જૂનો સંબંધ અને
અગાઉનાં અધિવેશનોનાં સંભારણાંઓ વાગોળ્યા હતા. તેમને અતિથિવિશેષ પદે બેસાડવામાં
આવ્યા, તેમાં ગુજરાતી ડાયસ્પોરિક સમુદાયના બહુમાન હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે પોતાના વક્તવ્યમાં ખાસ કરીને કોરોના કાળમાં ગાંધીજીના તાવીજને સંભાર્યું
હતું અને કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ વખતે ગાંધીજીના તાવીજને ધ્યાનમાં રાખવા અપીલ
કરી હતી.
પરિષદ પ્રમુખનો પદભાર
સંભાળ્યા પછી પ્રકાશભાઈએ પ્રમુખીય પ્રવચન વાંચીને સંભળાવ્યું હતું. (કદાચ જીવનમાં
પહેલી વાર લખેલું વાંચીને બોલ્યા હશે) તેમના ભાષણનું શીર્ષક હતું – ‘રણજિતરામના
સિપાહી હોવું એટલે’ પ્રકાશભાઈએ તેમના વક્તવ્યના પ્રારંભમાં જ યાદ કરેલું કે ચૂંટણી
જીત્યા પછી પહેલીવાર મીડિયા સાથે વાત કરવાનું બન્યું ત્યારે ‘મારો સહજોદ્ગાર હતો
કે નર્મદકીધો કડખેદ હોઉં કે ન હોઉં પણ રણજિતરામનો સિપાહી ખસૂસ છું.’ પ્રકાશભાઈએ
રણજિતરામની મુનશીએ કેવી છબિ ઝીલેલી તેની વાત કરવાની સાથે સાથે ઇન્દુચાચાના ‘નવજીવન
અને સત્ય’ સામયિકના અગ્રલેખો થકી ગુજરાતની અસ્મિતાની વાત કરી હતી. રણજિતરામના
‘માસ્તર નંદનપ્રસાદ’ નામના શિક્ષકના પાત્રના હૃદયઉદ્ગારો થકી સમાજમાં વ્યાપ્ત
એલિયેનેશન – વિસંબંધનની વાત કરી હતી. આ સંદર્ભે તેમણે કામૂને અને તેમનાં પાત્રોને
પણ સંભાર્યાં હતાં. વિસંબંધનની ચર્ચાને આગળ વધારતાં તેમણે માર્ક્સ અને એન્ગલ્સને
પણ યાદ કર્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં દલપતરામ, ફાર્બસ, નર્મદ અને ગોમાત્રિના
યોગદાન અને દૃષ્ટિની નોંધ લીધેલી અને ભારપૂર્વક જણાવેલું કે, ‘સરસ્વતીની ઉપાસના
અને ‘જાહેર સંડોવણી’ એ બે પરસ્પર વિરોધી લાગતાં હોય તોપણ પરસ્પર ઉપકારક હોઈ શકે
છે. બલકે, તમે જેને સારસ્વત જીવન કહો, સાક્ષરજીવન કહો એમાં આપણા સમયના ‘બૌદ્ધિક’ની
વ્યાખ્યામાં તો એ કદાચ અપરિહાર્ય જણાય છે.’ વક્તવ્યનું અંતિમ સૂચક વાક્ય હતું – ‘સાર્ત્ર
ભલે ‘કન્ડેમ્ડ ટુ ચુઝ’ની ભાષા બોલે રણજિતરામનો સિપાહી તો કહેશે આઈ એમ કન્ડેમ્ડ ટુ
ક્રિયેટ!’
સમારંભના અંતે કીર્તિદાબહેન શાહે સૌનો આભાર માનેલો, જેમાં સૌથી પહેલો આભાર, ચૂંટણીથી લઈને તમામ પ્રકારની
કામગીરીમાં ખડેપગે રહેતા પરિષદના કર્મચારીગણનો માન્યો હતો અને કર્મચારીઓને સ્ટેજ
પર બોલાવતાં સૌએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. પરિષદના કર્મચારીઓનું
આવું સન્માન કદાચ પહેલી વાર થયું હશે!
(સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઇટ પરથી તેની યુટ્યૂબ લિંક મળી શકે છે. પ્રકાશભાઈનું પ્રમુખીય વક્તવ્ય પુસ્તિકા સ્વરૂપે ઉપલબ્ધ છે તથા ‘પરબ’ના આગામી અંકમાં પ્રગટ થઈ શકે છે.)
No comments:
Post a Comment