દિવ્યેશ વ્યાસ
પોતાની ગરીબીની બેન્ડ બજાવનાર બિહારના આ મહિલા જૂથે નારી સશક્તિકરણનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે
‘સશક્તિકરણ’ (Empowerment) શબ્દ પણ ‘વિકાસ’ની જેમ જ અનેક વિભાવનાઓ (Concepts) અને સિદ્ધાંતો (Theories) ધરાવે છે. વળી, સશક્તિકરણ અને વિકાસને માપવા-મૂલવવાના અનેક માપદંડો છે અને એટલે જ તેની ચર્ચા જરૂરી બનતી હોય છે. આપણે ત્યાં છેલ્લા કેટલાક સમયથી અમુક વંચિત-પછાત સમુદાયોના સશક્તિકરણની તેમજ ખાસ તો મહિલા સશક્તિકરણની વાતો ખૂબ સાંભળવા મળે છે. તાજેતરમાં બિહારના મહાદલિત સમુદાયના એક મહિલા જૂથે અનોખી સિદ્ધિ-પ્રસિદ્ધિ હાંસલ કરીને નારી સશક્તિકરણનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યુું છે.
બિહારની રાજધાની પટનાની નજીક દાનાપુર પંથકમાં ઢિબરા ગામ આવેલું છે. વિકાસથી વંચિત રહી ગયેલું અને માત્ર ખેતીવાડી પર નિર્ભર એવું આ નાનું-ગરીબ ગામ હવે સમગ્ર રાજ્યમાં નહિ, પરંતુ સમગ્ર દેશમાં જાણીતું બન્યું છે. આ ગામની રવિદાસ સમુદાયની દસ મહિલાઓએ પૂર્વ ભારતનું સૌપ્રથમ મહિલા બેન્ડ તૈયાર કરીને નામના અપાવી છે. આપણે ત્યાં બેન્ડવાજા વગાડવવાનું કામ મોટા ભાગે પુરુષો દ્વારા જ કરવામાં આવતું હોય છે ત્યારે આ મહિલાઓએ સંપૂર્ણ મહિલા બેન્ડ ઊભું કરીને નવો ચીલો ચાતર્યો છે. આ બેન્ડનાં વડાં સવિતા દેવીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘અમે બેન્ડ બનાવવાની તૈયારી કરતાં હતાં ત્યારે સમાજના લોકો અમારા પર હસતા હતા અને કહેતા હતા કે આ તો પુરુષોનું કામ છે, તમે શા માટે કરો છો? અમે જવાબ આપતા કે આજે સ્ત્રીઓ ઑટોથી લઈને ટ્રેન ચલાવવા સુધીનાં તમામ કામો કરવા માંડી છે ત્યારે અમે બેન્ડવાળા કેમ ન બની શકીએ.’ બેન્ડ બનાવ્યું અને તેમનું આ સાહસ સફળ પણ રહ્યું છે ત્યારે એ અંગે સવિતા દેવી કહે છે, ‘બેન્ડને કારણે અમારી જિંદગી બદલાઈ ગઈ છે. બેન્ડના દરેક સભ્યને દર મહિને સરેરાશ 15,000ની આવક થઈ રહી છે. મહિલાઓ પોતાના દમ પર કમાતી થતાં પરિવાર અને ગામમાં તેમની પ્રતિષ્ઠા વધી છે. હવે અમારા ગામના લોકો સારી રીતે સમજી ગયા છે કે બેન્ડ વગાડવાનું કામ માત્ર પુરુષોનું જ નથી.’
અંતરિયાળ ગામની મહિલાઓને બેન્ડ બનાવવાનું કોણે સુઝાડ્યું અને કેવી રીતે સફળતા મળી, એ જાણવું પણ ખૂબ જ રસપ્રદ છે. મૂળ કેરળનાં સુધા વર્ગીસ નામનાં સમાજસેવી બહેન ‘નારી ગુંજન’ નામની સંસ્થા થકી છેલ્લાં બે દાયકાથી બિહારમાં મહિલાઓ, ખાસ કરીને દલિત સમુદાયની સ્ત્રીઓના સશક્તિકરણ માટે કાર્યરત છે. તેમને મહિલા બેન્ડનો વિચાર આવ્યો હતો. ઢિબરા ગામની મહિલાઓએ જ્યારે તેમને ખેતીવાડી ઉપરાંત વધારાની કમાણી થાય એવું કોઈ કામ શરૂ કરાવવા વિનંતી કરી ત્યારે સુધાબહેેને કહ્યું, ગરીબીની બેન્ડ બજાવો. પહેલાં તો મહિલાઓ તેમની વાત સમજી નહીં, પરંતુ પછી સુધાબહેને સમજાવ્યું કે બેેન્ડ શરૂ કરો અને તેમાંથી કમાણી કરો. શરૂઆતમાં તો કોઈને આ વાત ગળે ન ઊતરી પણ સુધાબહેેનના પ્રયાસો અને પ્રોત્સાહનથી 15 મહિલાઓ બેન્ડ માટે નગારા-ડ્રમ સહિતનાં સાધનો વગાડવાનું શીખવા માટે તૈયાર થઈ.
2014માં મહિલાઓની તાલીમ શરૂ થઈ. જુદાં જુદાં કારણોસર પાંચ મહિલાઓ ખસી ગયાં અને 10 બહેનો વાજિંત્રો વગાડતા શીખી ગયાં અને આખરે એપ્રિલ-2015માં સરગમ મહિલા બેન્ડની રચના થઈ. આજે આ મહિલાઓ લગ્નપ્રસંગો, સામાજિક પ્રસંગો, સરકારી કાર્યક્રમોમાં પણ બેન્ડ વગાડવા જાય છે, બિહારની આજુબાજુુનાં રાજ્યોમાંથી પણ તેમને આમંત્રણ મળી રહ્યા છે અને મહિલા બેન્ડ ધૂમ મચાવે છે.
બેન્ડના સૌથી નાના સભ્ય પંચમ દેવી કહે છે, ‘ગામના લોકો શરૂઆતમાં અમને મહેણાં મારતાં અને અમે શરમાઈ જતાં. પરંતુ આજે અમારા પતિ જ નહિ, અમારાં બાળકો પણ અમારી સફળતા માટે ગર્વ અનુભવે છે.’ ખેતમજૂરી કરીને રોજના 100 રૂપિયા પણ ન કમાઈ શકનાર મહિલાઓ આજે દર મહિને સરેરાશ 15,000 રૂપિયાની આવક તો આસાનીથી મેળવી લે છે. એક સમય હતો જ્યારે લોકો તેમની મજાક જ નહોતા ઉડાવતા, પરંતુ તેમનો વિરોધ પણ કરતા હતા. પરિવાર અને પતિનો પણ ઉગ્ર વિરોધ સહન કરવો પડેલો. જોકે, આજે આખું ગામ આ બહેનોને સન્માનની દૃષ્ટિએ જોતું થયું છે.
ભારતમાં દિલ્હી, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં પણ મહિલા બેન્ડ સ્થપાયા છે, ગુજરાત, મહારાષ્ટ્ર અને પંજાબ જેવાં રાજ્યોમાં મહિલા ડીજેની હવે નવાઈ નથી, પરંતુ બિહાર જેવું રાજ્ય અને એમાંય મહાદલિત સમુદાયમાંથી મહિલાઓ પોતાનું બેન્ડ બનાવે અને પ્રતિષ્ઠા હાંસલ કરે નાનીસૂની સિદ્ધિ ન ગણાય.
(‘દિવ્ય ભાસ્કર’ની 31 જાન્યુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)